Gujarati News

Gujarati News

News of Saturday, 3rd March 2018

નિરવ મોદી-ચોક્સીની સામે બિનજામીનપાત્ર વોરંટ જારી

મુંબઈની ખાસ અદાલત દ્વારા વોરંટ જારી કરાયું : બંને ઉપર તપાસ સંસ્થાઓ દ્વારા જુદી જુદી રીતે સકંજો

નવીદિલ્હી,તા. ૩ : પંજાબ નેશનલ બેંક પાસેથી સાડા તેર હજાર કરોડ રૂપિયાની લોન ચુકવ્યા વગર વિદેશ ફરાર થઇ ગયેલા હિરા કારોબારી અને ગીતાંજલિ જ્વેલર્સના માલિક નિરવ મોદીની સામે મુંબઈની એક ખાસ અદાલતે બીનજામીનપાત્ર વોરંટ જારી કરી દીધા છે. કોર્ટે ગીતાંજલિ જ્વેલર્સના પ્રમોટર મેહુલ ચોક્સીની સામે પણ બીનજામીનપાત્ર વોરંટ જારી કર્યા છે. અત્રે નોંધનીય છે કે, નિરવ મોદી અમેરિકા ફરાર થઇ ગયા છે. ત્યાંથી પત્ર લખીને કહી ચુક્યા છે કે, કોઇપણ કિંમતે પીએનબીના બાકી પૈસાની ચુકવણી કરશે નહીં. આ પહેલા અમેરિકાની એક કોર્ટે નિરવ મોદીની માલિકીની એક કંપની ફાયર સ્ટાર ડાયમંડથી લેણદારોના દેવા સંગ્રહ ઉપર વચગાળાનો સ્ટે મુકી દીધો હતો. આ કંપનીએ દેવાદાર જાહેર કરવા માટે પ્રક્રિયાને લઇને અરજી દાખલ કરી દીધી છે. નિરવ મોદી ઉપર પંજાબ નેશનલ બેંકથી આશરે બે અબજ ડોલરની છેતરપિંડીનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ન્યુયોર્કના સદર્ન ડિસ્ટ્રીક્ટ દેવાદાર કોર્ટે બે પાનાના આદેશમાં કહ્યું છે કે, દેવાદાર પ્રક્રિયાની અરજીની સાથે જ સંગ્રહ સાથે જોડાયેલી મોટાભાગની ગતિવિધિ ઉપર તરત જ પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. ફાઈવ સ્ટાર ડાયમંડ દ્વારા અમેરિકામાં દેવાદાર કાયદા હેઠળ સંરક્ષણનો દાવો કર્યો છે. ફાયર સ્ટાર ડાયમંડ લિમિટેડ કોર્ટમાં ચેપ્ટર ૧૧ અરજી દાખલ કરી છે. કંપનીની વેબસાઇટ મુજબ આનું સંચાલન અમેરિકા, યુરોપ, પશ્ચિમ એશિયા અને ભારત સહિતના અનેક દેશોમાં ફેલાયેલું છે. આ કંપનીએ પોતાની ઉપસ્થિતિમાં રોકડ અને અન્ય ચીજવસ્તુઓને જવાબદાર ઠેરવી છે. કોર્ટમાં રજૂ કરવામાં આવેલા દસ્તાવેજ મુજબ કંપનીએ ૧૦ કરોડ ડોલરની સંપત્તિ અને દેવાની વાત કરી છે. નિરવ મોદી, તેમના મામા મેહુલ ચોક્સી અને તેમની સાથે જોડાયેલી કંપની પર પીએનબી પાસેથી ૧૨૭૧૭ કરોડ રૂપિયાની છેતરપિંડી કરવાનો આક્ષેપ છે. સીબીઆઈ, ઇડી અને આવકવેરા વિભાગ દ્વારા ઉંડી તપાસનો દોર ચાલી રહ્યો છે. સીબીઆઈએ બે અબજ ડોલરના પંજાબ નેશનલ બેંક કૌભાંડમાં પહેલી માર્ચના દિવસે પણ દરોડાની કાર્યવાહી જારી રાખી હતી. તપાસ સંસ્થાનું કહેવું છે કે, આ કાર્યવાહી દરમિયાન તેને એલઓયુથી સંબંધિત કેટલાક દસ્તાવેજો મળ્યા છે. આ ઉપરાંત પંજાબ નેશનલ બેંકની બ્રેડી હાઉસ શાખામાં ૨૦૧૧થી ૨૦૧૫ના ગાળા દરમિયાન સાથે સાથે ઓડિટ માટે જવાબદાર આંતરિક મુખ્ય ઓડિટર વિષ્ણુવ્રત મિશ્રાની ધરપકડ કરી છે. પીએનબીને ૧૨૬૦૦ કરોડ રૂપિયાનો ચુનો લગાવનાર હિરા કારોબારી નિરવ મોદી અને મેહુલ ચોક્સીની મુશ્કેલીઓ સતત વધી રહી છે. ઇડીએ ગુરુવારના દિવસે મેહુલ ચોક્સી અને તેમની કંપનીની ૧૨૧૭.૨૦ કરોડની સંપત્તિ જપ્ત કરી લીધી છે. ઇડીએ ગુરુવારના દિવસે મેહુલ ચોક્સીની કુલ ૪૧ કંપનીઓને જપ્ત કરી લીધી છે જેમાં મુંબઈમાં ૧૫ ફ્લેટ અને ૧૭ ઓફિસનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આંધ્રપ્રદેશ સેઝમાં મેસર્સ હૈદરાબાદ જેમ્સ, કોલકાતામાં શોપિંગ મોલ, અલીબાગમાં ફાર્મ હાઉસ, મહારાષ્ટ્ર અને તમિળનાડુમાં ૨૩૧ એકર જમીનનો સમાવેશ થાય છે. ઇડી દ્વારા નિરવ મોદી અને મેહુલ ચોક્સીના સ્થળો ઉપર વ્યાપક દરોડા પાડવામાં આવી રહ્યા છે.

(7:32 pm IST)