Gujarati News

Gujarati News

News of Saturday, 3rd March 2018

આર્થિક કૌભાંડોના ભાગેડુઓની સંપત્તિ જપ્ત કરીને વેચવાની જોગવાઇ ધરાવતા ખરડાને કેન્દ્રીય પ્રધાન મંડળની મંજૂરી

સજાથી બચવા માટે દેશની બહાર ભાગી ગયેલા લોકોના જૂના અને નવા બધા જ કેસને નવો કાયદો લાગુ થશે

નવી દિલ્હી, તા. ૩ : દેશમાં કૌભાંડો કરીને વિદેશમાં ભાગી જનારા લોકો તથા લોનના ડિફોલ્ટરોની તમામ મિલકતો જપ્ત કરી લેવાનો ખરડો કેન્દ્રીય પ્રધાનમંડળે ગુરૂવારે મંજૂર કર્યો હતો. આ ખરડાને ફયુજિટિવ ઇકોનોમિક ઓફેન્ડર્સ બિલ (ભાગેડુ આર્થિક ગુનાખોરો ખરડો) એવું નામ આપવામાં આવ્યું છે.

વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદી ના વડપણ હેઠળની પ્રધાનમંડળની બેઠકમાં ઓડિટરો માટેના સ્વતંત્ર નિયમનકાર તરીકે નેશનલ ફાઇનેન્શ્યલ રિપોર્ટીંગ ઓથોરિટીની સ્થાપના કરવાનું પણ નક્કી થયું હતું.

ભાગેડુઓ અને લોનના ડિફોલ્ટરો વિરૂદ્ધના ખરડામાં એવી જોગવાઇ કરવામાં આવી છે કે ૧૦૦ કરોડ રૂપિયાથી વધુ લોન માથે ધરાવતા અને દેશમાંથી ભાગી ગયેલા ડિફોલ્ટરો પાસેથી રિવકરી કરવા માટે તેમની તમામ સંપત્તિ કબજે કરીને વેચી દેવામાં આવશે.

નાણાપ્રધાન અરૂણ જેટલીએ જણાવ્યા મુજબ પાંચમી માર્ચથી શરૂ થઇ રહેલા સંસદના સત્રમાં આ ખરડો રજૂ કરવામાં આવશે. ભાગેડુ અદાલતમાં હાજર નહીં થાય અને અદાલત વોરનટ ઇશ્યુ કરશે કે તરત જ આ નવો કાયદો લાગુ થશે અને તેની સંપત્તિનું વેચાણ કરીને રિકવરી કરવામાં આવશે.આવો કાયદો ઘડવા માટે બજેટમાં જાહેરાત કરવામાં આવી હતી. એટલામાં જ નીરવ મોદીનો કિસ્સો બહાર આવતા એનો ખરડો પ્રધાનમંડળમાં પસાર કરવામાં આવ્યો છે. ભાગેડુની ફકત કૌભાંડથી મેળવાયેલી નહીં, બધી જ સંપત્તિ જપ્ત કરવામાં આવશે. એ ગુનેગાર ભારતમાં કોઇ પણ દીવાની કેસ પણ લડી નહીં કરે એવી જોગવાઇ કરવામાં આવી છે.નોંધનીય છે કે સજાથી બચવા માટે દેશની બહાર ભાગી ગયેલા લોકોના જૂના અને નવા બધા જ કેસને નવો કાયદો લાગુ થશે.(૮.૯)

(11:29 am IST)