Gujarati News

Gujarati News

News of Saturday, 3rd March 2018

રાજાના ભૂતના ડરને કારણે ઝારખંડના એક ગામમાં છેલ્લાં ૧૦૦થી વધુ વર્ષથી હોળી મનાવાતી જ નથી

નવી દિલ્હી તા. ૩: ગઇ કાલે આખા દેશમાં રંગેચંગે હોળી-ધુળેટી મનાવાઇ, પરંતુ ઝારખંડનું દુર્ગાપુર ગામ છેલ્લાં ૧૦૦ થી વધુ વર્ષથી હોળીના રંગે રંગાયું નથી. આ ગામમાં કોઇ કોઇને રંગ નથી લગાવતું, કેમ કે તેમને ડર છે કે એમ કરવાથી ગામમાં કોઇ મહામારી અથવા તો આપત્તિ આવી પડશે. ખાંજો નદી પાસે લગભગ ૯૦૦૦ લોકોની વસ્તી ધરાવતા આ ગામમાં હોળી ન મનાવવા માટેનું કારણ અજીબોગરીબ છે. તેમને ડર છે કે જો રાજાના આદેશોનું પાલન નહીં થાય તો તેમનું ભૂત ગામમાં આપત્તિઓ વરસાવી દેશે.

આ માન્યતા અને ડર પાછળની વાર્તા કંઇક આવી છે. એક સતક પહેલાં દુર્ગાપુરમાં રાજા દુર્ગાપ્રસાદનું શાસન હતું. તેમને હોળી મનાવવી બહુ જ ગમતી. જોકે રાજાના દીકરાનું મોત હોળીના દિવસે જ થયું. એ પછી જે વર્ષે ગામમાં હોળની ઉજવણી થાય ત્યારે અહીં ભયંકર દુકાળ પડતો કે રોગચાળો ફાટી નીકળતો અને સેંકડો લોકો મોતને ભેટતા. એક ગામવાસીના કહેવા અનુસાર પોતાના મૃત્યુ પહેલાં રાજાએ આદેશ આપ્યો હતો કે તેમની પ્રજાએ હોળી ન મનાવવી. સંયોગવશાત્ એક યુદ્ધ થયું અને એમાં રાજાનું મૃત્યુ પણણ હોળીના દિવસે જ થયું. આ જ કારણોસર ૧૦૦ વર્ષથી વધુ સમયથી આ ગામના લોકો હોળી મળી મનાવતા. રાજાના ભૂતના ડરથી આ ગામની ગલીીઓ હોળીના દિવસે રંગ-સંગીત અને ઉત્સવને બદલે સુમસામ નજરે પડે છે. ગ્રામીણોમાં આ વાતનો એટલો ડર છે કે બીજા ગામના લોકો પણ આ ગામના લોકો પર ગુલાલ નથી ફેંકતા. ગામના એક મંદિરના પૂજારીનું કહેવું છે કે દુર્ગાપુરમાં થોડાંક વર્ષો પહેલાં કેટલાક માછીમારો આવ્યા હતા અને તેમણે પરંપરા તોડીને હોળી મનાવી હતી અને એ પછી ગામમાં રોગચાળો ફાટી નીકળ્યો હતો. આ ગામના જે લોકો હોળી મનાવવા ઇચ્છતા હોય તેઓ આ દિવસે બીજા ગામમાં જઇને રંગોથી રમી આવે છે.

(11:21 am IST)