Gujarati News

Gujarati News

News of Saturday, 3rd March 2018

પહેલેથી જ છે ૬ પુત્ર અને ૫ પુત્રી

૧૧ બાળકોની માતા ૧૪મી પ્રેગ્નેન્સી વખતે પહોંચી મોતના મુખમાં

ભોપાલ તા. ૩ : મધ્ય પ્રદેશના રાયસેન જિલ્લામાં ૧૧ બાળકોની માતા તેની ૧૪મી પ્રેગ્નેન્સી દરમિયાન જીવન અને મૃત્યુ વચ્ચે સંઘર્ષ કરી રહી છે. આ મહિલાએ એક પુત્રને જન્મ આપ્યો છે, જેનું વજન ચાર કિલોગ્રામ છે. આ મહિલાને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવી છે, જયાં તેની હાલત વધુ નાજુક હોવાનું જણાવાઈ રહ્યું છે.

આ મહિલાને પહેલેથી જ છ પુત્ર અને પાંચ પુત્રી છે. બેગમગંજ વિસ્તારના વીરપુર ગામમાં રહેતી ૩૫ વર્ષીય મહિલા શારદા પ્રજાપતિનો સૌથી મોટો પુત્ર ૨૪ વર્ષનો છે. ૧૧ બાળકો ઉપરાંત શારદાનાં બે બાળકનું અગાઉ મૃત્યુ થયું હતું અને એક ગર્ભપાત કરવામાં આવ્યો છે.

બુધવારે સવારે શારદાને તેની નણંદ અને તેનો પુત્ર બુંદેલખંડ મેડિકલ કોલેજ લઈને પહોંચ્યાં હતાં. તપાસમાં જાણવા મળ્યું કે, તેનું ગર્ભાશય નબળું છે અને બ્લીડિંગ થઈ રહ્યું છે. આવામાં તુરંત ઓપરેશન કરવામાં આવ્યું અને ચાર કિલોગ્રામ વજનનું એક બાળક જન્મ્યું. ડોકટર્સને જયારે જાણવા મળ્યું કે, મહિલાને ૧૧ બાળકો છે, તો તે ચોંકી ગયા.

હોસ્પિટલ ઇન-ચાર્જ ડોકટર નેના ગિડિયને કહ્યું છે કે, ગર્ભમાં બાળક ખરાબ આકારમાં હતું, કારણ કે બ્લીડિંગ થઈ રહ્યું હતું. અમે ગર્ભાશયને હંમેશાં માટે કાઢી નાખવા માગતા હતા, પરંતુ આવું સંભવ ન બન્યું.' બાળકને સ્પેશિયલ ન્યૂ બોર્ન યુનિટમાં રાખવામાં આવ્યું છે. બાળકની માતા શારદાની હાલત ગંભીર છે અને તે જીવન અને મૃત્યુ વચ્ચે સંઘર્ષ કરી રહી છે.

(11:19 am IST)