Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd February 2021

ખેડૂત આંદોલનના કારણે કરનાલના ૯ ગામોમાં ભાજપ અને જેજેપીના નેતાઓના પ્રવેશ ઉપર પ્રતિબંધઃ ખેડૂતોમાં ભભૂકતો રોષ

નવી દિલ્હી: ખેડૂત આંદોલનના પગલે કરનાલના ઈન્દ્રીમાં ભાજપ અને જનનાયક જનતા પાર્ટી (JJP)ના નેતાઓની મુશ્કેલી વધતી જોવા મળી રહી છે. ઈન્દ્રી પટ્ટાના 9 ગામના ખેડૂતોએ ભાજપ અને જેજેપીના નેતાઓનો બહિષ્કાર કર્યો છે. અહીં ભારતીય કિસાન યુનિયનના સભ્યોએ એકત્રિત થઈને એક મિટિંગ કરીને પોતાના ગામમાં BJP-JJP નેતાઓનો બહિષ્કાર કરીને ગામમાં ઘૂસવા પર રોક લગાવી દીધી છે. જણાવી દઈએ કે, આ નિર્ણય ઉપસ્થિત તમામ લોકોએ એકજૂટ થઈને લીધો છે. ગ્રામજનો દ્વારા એક બેનર પણ ગામના મુખ્ય દ્વાર પર લગાવવામાં આવ્યું છે. જેમાં લખવામાં આવ્યું છે કે, BJP-JJP નેતાઓને ગામમાં આવવાની મનાઈ છે.

ખેડૂતોએ જણાવ્યું કે, દેશના ખેડૂતો આટલી મોટી સંખ્યામાં છેલ્લા કેટલાક મહિનાઓથી પોતાની માંગને લઈને રસ્તા પર બેઠા છે, પરંતુ સરકાર તેમની માંગોને નજર અંદાજ કરી રહી છે. લગભગ 100થી વધુ ખેડૂતોએ પોતાનો જીવ ગુમાવી બેઠા છે, પરંતુ સરકારે તેમના પ્રત્યે સંવેદના વ્યક્ત નથી કરી. તેમણે કહ્યું કે, સરકાર પોતાના આ ત્રણ કાળા કાયદાને પરત લઈને ખેડૂતોના ચહેરા પર ખુશા લાવવાનું કામ કરે.

જણાવી દઈએ કે, ઈન્દ્રીના ગામ ભાદસોની ગ્રામ સચિવાલયમાં 9 ગામના ખેડૂતોની પંચાયત થઈ. જેમાં ખેડૂતોના આંદોલનને મજબૂત કરવાની રણનીતિ પર વિચાર કરતા સરકાર વિરુદ્ધ સુત્રોચાર કરવામાં આવ્યા. પંચાયતની અધ્યક્ષતા કરતા ખેડૂત નેતા આત્મપ્રકાશે કહ્યું કે, અમે ખેડૂત આંદોલન તોડવાના સરકારના કોઈ પણ ષડયંત્રને સફળ નહીં થવા દઈએ. આટલું જ નહીં, માંગો નહીં મનાય, ત્યાં સુધી આંદોલન ચાલુ જ રહેશે.

હવે દરેક ગામથી ક્રમ પ્રમાણે ટ્રેક્ટર ભરીને આંદોલનમાં રાશન લઈને અવરજવર થશે. ખેડૂતો પોતાના હક્કની લડાઈ કોઈ પણ સંજોગોમાં જીતશે. પંચાયતમાં ભાદસો, બીડ઼ રૈયતખાના, હૈબતપુર, શ્રવણ માજરા, ઉડાના, ખેડી જાટાન, બીડ ભાદસોં અને રામપુરા ગામના ખેડૂત પ્રતિનિધિએ ભાગ લીધો હતો.

(4:58 pm IST)