Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd February 2021

દેશમાં હવે ઉચ્ચ શિક્ષણ બનશે ફર્સ્ટ કલાસ

વર્લ્ડ કલાસની બનાવવામાં આવશે ૯ ઇન્સ્ટીટયુટ એક લાખથી વધારે વિદ્યાર્થીઓને મળશે યોજનાનો લાભ

નવી દિલ્હી તા. ૩ :.. કેન્દ્ર સરકારે ભારતીય વિદ્યાર્થીઓને વિશ્વસ્તરીય શિક્ષણ દેશમાં સસ્તા દરે ઉપલબ્ધ કરાવવાની પહેલ પર કામ શરૂ કરી દીધું છે. સોમવારે કેન્દ્રીય બજેટ રજૂ કરવા દરમ્યાન નાણાંપ્રધાન સીતારમણે આ અંગે ઘણી જાહેરાતો કરી હતી. બજેટમાં કરાયેલ જાહેરાત મુજબ વર્ષ ર૦ર૧-રર દરમ્યાન નવ ઇન્સ્ટીટયુટોને વિશ્વસ્તરીય શિક્ષણ માટે લાયક બનાવવામાં આવશે. જેમાં ર સરકારી અને ૭ બિનસરકારી ઇન્સ્ટીટયુટો સામેલ છે. કેન્દ્રએ આ યોજના માટે ૧૭૧૦ કરોડ રૂપિયાના બજેટની જોગવાઇ કરી છે. આ વખતના બજેટમાં મુળ રૂપથી નવી શિક્ષણ નીતિને અમલમાં લાવવા માટે જરૂરી સંસાધને પુરા કરવાની ઇચ્છા જોવા મળી છે. તેમાં વધારે પડતું ફોકસ શિક્ષણની ગુણવતા વધારવા પર રહ્યું છે.

આ યોજના હેઠળ ૪૯૮૭ વિદેશી વિદ્યાર્થીઓને ભારતીય ઇન્સ્ટીટયુટોમાં ઉચ્ચ શિક્ષણ આપવાનું લક્ષ્ય રખાયું છે. જયારે ૧૦૯૮ વિદેશી અધ્યાપકો આ સંસ્થાઓમાં શિક્ષણ આપશે. વિભીન્ન દેશોની વિશ્વસ્તરીય ઇન્સ્ટીટયુટો સાથે મળીને ર૦૮ એવા કોર્સ  કરાવાશે જેમાં બન્ને દેશોની ઇન્સ્ટીટયુટોની ભાગીદારી હોય.

આ યોજનાથી વર્ષ ર૦ર૧-રર દરમ્યાન દેશભરના ૧,૧૧,૭૯૦ થી વધારે વિદ્યાર્થીઓને લાભ મળશે. આ ઇન્સ્ટીટયુટરોમાં અધ્યાપક અને વિદ્યાર્થીઓનો રેશીયો ૧.૧૦ રાખવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. નિષ્ણાંતોનું માનીએ તો સરકાર વિદેશી યુનિવર્સિટીઓ સાથે મળીને દેશમાં કોર્સ ઉપલબ્ધ કરાવવા પાછળનો ઉદેશ ભારતીય મુદાને વિદેશ જતી રોકવા માંગે છે.

આમ   એક તીરથી બે શિકારની રણનીતિ છે. એક બાજુ આપણે આપણી સંસ્થાઓને બહેતર બનાવવાની દિશામાં આગળ વધશું તો બીજી તરફ આપણે આપણાં બાળકોને બહાર ભણવા જતા રોકી શકશું જેનો ફાયદો આપણને નાણાંકીય રીતે મળશે.

બજેટમાં વૈજ્ઞાનિક રિસર્ચ અને ઇનોવેશન પર વધુ ભાર મુકવાની વાત કરતા કહયું છે કે આની સાથે કેટલાય માસ્ટર ડીગ્રી અને પીએચડી કોર્સ જોડવામાં આવશે. નેશનલ રિસર્ચ ફાઉન્ડેશનની રચના કરાશે અને તેના માટે પ૦૦ કરોડ રૂપિયા ફાળવવામાં આવશે. આગામી સમયની જરૂરીયાતને ધ્યાનમાં રાખીને આ નીતિમાં આર્ટીફીશ્યલ ઇન્ટેલીજન્સ પર બહુ ભાર મુકાયો છે.

(11:40 am IST)