Gujarati News

Gujarati News

News of Monday, 3rd February 2020

નાગરિક સુધાર કાનૂનને અંતે મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેનું સમર્થન

સીએએથી કોઇની પણ નાગરિકતા જશે નહીં : ઉદ્ધવ :એનઆરસી મહારાષ્ટ્રમાં અમલી નહીં કરે : શાહીન બાગ રસ્તાને ખોલાવી દેવા લોકો આખરે માર્ગો પર ઉતરી ગયા

મુંબઈ, તા. ૨ :  મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ નાગરિક સુધારા કાનૂનનું સમર્થન કર્યું છે. જો કે, ઉદ્ધવ ઠાકરેએ આની સાથે સાથે એનઆરસીનો વિરોધ કર્યો છે અને મહારાષ્ટ્રમાં એનઆરસીને લાગૂ નહીં કરવાનો નિર્ણય કર્યો છે. શિવસેનાના મુખપત્ર સામનામાં આપેલી એક મુલાકાતમાં ઉદ્ધવ ઠાકરે દ્વારા આ મુજબની વાત કરવામાં આવી છે. મહારાષ્ટ્રમાં સત્તારુઢ મહાવિકાસ અઘાડી સરકારના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું છે કે, સીએએથી દેશના કોઇપણ નાગરિકની નાગરિકતા આંચકી લેવામાં આવનાર નથી. અલબત્ત એનઆરસીને મહારાષ્ટ્રમાં લાગૂ કરવામાં આવનાર નથી. એનઆરસી લાગૂ થઇ ગયા બાદ હિન્દુ અને મુસ્લિમ બંને માટે નાગરિકતા સાબિત કરવાની બાબત ખુબ મુશ્કેલરુપ બની જશે. બીજી બાજુ દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં નિવેદનબાજીના કેન્દ્ર બની ગયેલા શાહીનબાગમાં આજે સવારથી જ જોરદાર હોબાળો થયો હતો. માર્ગને ખોલી દેવા માટે લોકો ખુલ્લીરીતે મેદાનમાં આવી ગયા છે.

             સીએએ અને એનઆરસીની સામે છેલ્લા ૫૦ દિવસથી ધરણા પ્રદર્શન કરી રહેલા લોકોની સામે લોકો મેદાનમાં આવી ગયા છે. મોટાભાગના લોકો આસપાસના હોવાનું કહી રહ્યા છે. આ લોકોને ૫૦ દિવસથી રસ્તો બંધ હોવાના કારણે ભારે મુશ્કેલી નડી રહી છે. દિલ્હી ચૂંટણીમાં આ મુદ્દો જોરદારરીતે ગરમી પકડી રહ્યો છે. આગામી દિવસોમાં પણ આને લઇને હોબાળો રહે તેવી શક્યતા છે. શાહીન બાગમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા લોકો ગેરમાર્ગે દોરાયેલા હોવાના અહેવાલ પહેલાથી જ આવી રહ્યા છે. કોઇને પણ જવાની મંજુરી આપવામાં આવી રહી નથી. સામાન્ય લોકો દ્વારા પણ આની સામે જોરદાર વાંધો ઉઠાવવામાં આવી રહ્યો છે. આ લોકોની માંગ એક રહી નથી. જુદા જુદા વિષયને લઇને દેખાવ કરી રહેલા લોકો ગેરમાર્ગે દોરાયા છે.

 

(12:00 am IST)