Gujarati News

Gujarati News

News of Thursday, 3rd January 2019

બુલંદશહર હિંસાના મુખ્ય આરોપી યોગેશ રાજની ધરપકડ

હિંસાની ઘટનાના એક મહિના બાદ યોગેશ રાજ પોલીસની પકડમાં આવ્યો

લખનૌ તા. ૩ : ઉત્તર પ્રદેશના બુલંદશહર જિલ્લામાં કથિત ગૌહત્યાની ઘટનાને લઈને ગયા વર્ષે ૩ ડિસેમ્બરે ભડકેલી હિંસાના આરોપી અને બજરંગ દળના જિલ્લા સંયોજક યોગેશ રાજની ધરપકડ થઈ છે. હિંસાની ઘટનાના એક મહિના બાદ તે પોલીસની પકડમાં આવ્યો છે. ભીડ દ્વારા હિંસાની આ ઘટનામાં પોલીસ ઇન્સ્પેકટર સુબોધકુમાર સિંહની હત્યા કરી દીધી હતી. યોગેશ રાજ પર હિંસક ભીડને ભડકાવવાનો આરોપ છે.

સૂત્રો મુજબ, નેતાઓના સહયોગ બાદ યોગેશની ધરપકડ કાલે રાતે થઈ શકી છે. ઉલ્લેખનીય છે કે યોગેશ રાજ બજરંગ દળનો જિલ્લા સંયોજક છે. જોકે, પોલીસે યોગેશની ધરપકડનો ખુલાસો નથી કર્યો. મળતી જાણકારી મુજબ, હિંસાના મુખ્ય આરોપી યોગેશની ધરપકડ પર એસએસપી પ્રેસ કોન્ફરન્સ કરી શકે છે.

આ પહેલા મંગળવારે બુલંદશહરમાં સ્યાના હિંસા મામલે પોલીસને મોટી સફળતા હાથ લાગી હતી. પોલીસે ઇન્સ્પેકટરની હત્યા મામલામાં પ્રશાંત નટની ધરપકડ કર્યા બાદ એક અન્ય આરોપી કલુઆની ધરપકડ કરી લીધી. આરોપ છે કે હિંસાના દિવસે આરોપી કલુઆએ કુહાડીથી ઇન્સ્પેકટરને ગંભીર રીતે ઘાયલ કર્યા હતા. ત્યારબાદ પ્રશાંત નટે તેમને ગોળી મારી હતી. ઉલ્લેખનીય છે કે, સ્યાના હિંસા મામલે અત્યાર સુધી ૩૦ આરોપીઓની પોલીસ ધરપકડ કરી ચૂકી છે. આ મામલામાં મુખ્ય આરોપી બજરંગ દળનો જિલ્લા સંયોજક પોલીસની પકડથી દૂર હતો, પરંતુ હવે તેની પણ ધરપકડ થઈ ચૂકી છે.

(3:35 pm IST)