Gujarati News

Gujarati News

News of Thursday, 3rd January 2019

ખેડૂતોને મળશે એકરે રૂ. ૪૦૦૦ : ૧ લાખની વ્યાજમુકત લોન

લોકસભાની ચૂંટણી પહેલા મોદી સરકાર ખેડૂતોને આપશે મોટી ભેટ : ટુંક સમયમાં જાહેરાત : દર સીઝને મળશે રૂપિયા : જમા થશે બેંક ખાતામાં: સરકાર ઉપર વર્ષે રૂ. ૨.૩૦ લાખ કરોડનું ભારણ પડશે : ચૂંટણી જંગ જીતવા સરકાર ખેડૂતોના દિલ જીતશે

નવી દિલ્હી તા. ૩ : લોકસભા ચૂંટણી પહેલાં નરેન્દ્ર મોદી સરકાર ખેડૂતોને મોટી ગિફટ આપવાનું છે. ખેડૂતોને સરકાર હવે ખેતી માટે દર સીઝનમાં ચાર હજાર રૂપિયા પ્રતિ એકરના દરથી આર્થિક મદદ કરશે. આ પૈસા સીધા તેમના બેન્ક ખાતામાં જમા થશે. તેની સાથે જ સરકાર ખેડૂતોને એક લાખ સુધી વ્યાજમુકત લોન આપશે. સૂત્રોનું કહેવું છે કે આ સપ્તાહે જ આ અંગેની જાહેરાત થઇ શકે છે. આ યોજનાથી સરકાર પર વાર્ષિક અંદાજે ૨.૩૦ લાખ કરોડનું ભારણ પડશે, તેમાં ૭૦,૦૦૦ કરોડની ખાધ સબસિડી સહિત બીજી નાની સ્કીમોને પણ સામેલ કરી શકાય છે.

ત્રણ રાજયોમાં મળેલ હાર બાદ મોદી સરકાર ખેડૂતોને લઇ વધુ ચિંતાજનક છે. ૨૦૧૯માં ફરીથી સત્તામાં વાપસી માટે સરકારે ખેડૂતોને મોટી ગિફટ આપવાનો નિર્ણય લીધો છે. પોતાના આ નિર્ણયને આખરી ઓપ આપવા માટે સરકારે પીએમઓની સાથો-સાથ નીતિ આયોગમાં તાત્કાલિક બેઠક બોલાવી છે. કહેવાય છે કે આ નિર્ણયની જાહેરાત આ સપ્તાહે થઇ શકે છે. આ કડીમાં રેવન્યુ, ખર્ચ, કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઇઝર્સ, અને ફૂડ સહિત નોડલ મંત્રાલયોના અધિકારીઓને અનૌપચારિક રીતે મીટિંગ કરવાનું કહ્યું છે. આ નિર્ણયની જાહેરાત પહેલાં પીએમ મોદી ખુદ ખેડૂત નેતાઓની સાથે મુલાકાત કરી રહ્યાં છે.

સૂત્રો એ જણાવ્યું કે ખેડૂતોને પાક માટે પ્રતિ એકરના દરે ૪૦૦૦ રૂપિયા સીધા બેન્ક ખાતામાં આર્થિક મદદ પેટે અપાશે. વ્યાજમુકત પાક લોનની મર્યાદા પ્રતિ હેકટર ૫૦,૦૦૦ રૂપિયાથી વધારીને એક લાખ રૂપિયા સુધી ખેડૂત દીઠ અપાશે. અત્યાર સુધી ૪ ટકા વ્યાજ દરની સબસિડી પર ખેડૂતોને પાક લોન મળતી હતી. યોજનાની અંતર્ગત બેન્ક ૧ લાખ રૂપિયા સુધીની લોન પર કોઇ વ્યાજ લેશે નહીં.

નવા વર્ષના પહેલાં દિવસે આપેલા ઇન્ટરવ્યુમાં પીએમ મોદીએ કહ્યું હતું કે ખેડૂતોની સ્થિતિ સુધારવા માટે લોનમાફી વિકલ્પ નથી. પાછલી સરકારોમાં લોનમાફી કરાઇ, પરંતુ આજે પણ ખેડૂત દેવાથી પરેશાન છે. એવામાં ખેડૂતોની સ્થિતિ સુધારવી પડશે. આ બાબતમાં પીએમ મોદીએ અધિકારીઓ સાથે તત્કાલ યોજના લાવવાનો નિર્દેશ આપ્યો છે.

સરકારની તરફથી લાવામાં આવી રહેલ નવી યોજનામાં સીધા ખેડૂતોના ખાતામાં આર્થિક મદદ મોકલાશે. તેના માટે ખેડૂતોએ જરૂરી ડેટા આપવો પડશે જેમકે પાકને વેચવાનો સમય, ખરીદીની ડિટેલ, તેનું આધાર કાર્ડ, પાકની માત્રા, જમીનનું વિવરણ વગેરે. આ તમામ ડેટાને પાકના વેચાણ સમયે એકત્ર કરાશે. કેન્દ્ર સરકારની આ યોજના તેલંગાણા સરકારની યોજનાથી અલગ હશે. તેલંગાણામાં ખેડૂતોને પાકની સીઝન પહેલાં જ પ્રતિ એકર ૪૦૦૦ રૂપિયા મળી જાય છે.(૨૧.૭)

(10:04 am IST)