Gujarati News

Gujarati News

News of Thursday, 3rd January 2019

કરેળમાં બે મહિલાના દર્શન બાદ ફરીથી હિંસક દેખાવો

કેરળમાં અનેક જગ્યાઓએ હિંસા ભડકી ઉઠી : ભાજપના નેતૃત્વમાં ઘણા હિન્દુ સંગઠનો દ્વારા આજે બંધની હાકલ કરાઈ : અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવાઈ

થિરુવંતનપુરમ, તા. ૨ : કેરળના સબરીમાલા સ્થિત ભગવાન અયપ્પાના મંદિરના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે. મોડેથી મંદિરના કપાટ ફરી ખોલવામાં આવ્યા હતા. બે મહિલાઓએ દાવો કર્યો હતો કે, આજે સવારે મંદિરમાં પ્રવેશ કરીને ભગવાનના દર્શન કર્યા હતા. આ પ્રકારના દાવા બાદ શુદ્ધિ માટે મંદિરના દ્વાર બંધ કરી દેવામાં આવ્યા હતા. મહિલાઓના દાવા બાદ સબરીમાલામાં ફરી એકવાર વિસ્ફોટક સ્થિતિ ઉભી થઇ ગઈ છે. જોરદાર વિરોધ પ્રદર્શનની શરૂઆત થઇ ચુકી છે. ભાજપના નેતૃત્વમાં હિન્દુ સંગઠનો દ્વારા આવતીકાલે ગુરુવારના દિવસે સવારથી સાંજ સુધીના બંધની હાંકલ કરી છે. આજે સબરીમાલા કર્મા સમિતિએ અનેક જગ્યાઓએ નાકાબંધી કરી હતી અને તોડફોડ કરી હતી. ઇર્નાકુલમમાં હિંસા ભડકી ઉઠી હતી. ભાજપના કાર્યકરો દ્વારા ઇર્નાકલમમાં દેખાવો કરવામાં આવ્યા હતા. આ ગાળા દરમિયાન હિંસા ભડકી ઉઠી હતી. કાર્યકરોએ કેએસઆરટીસીની બસ ઉપર જોરદાર પથ્થરમારો કર્યો હતો જેના કારણે ડ્રાઇવરને ઇજા થઇ હતી. ઇર્નાકુલમમાં પોલીસે બે લોકોને પકડી પાડ્યા હતા. પોલીસે કહ્યું છે કે, વધુ કેટલાક લોકોની ધરપકડ કરવામાં આવનાર છે. દેખાવકૂચ અને ધરણા પ્રદર્શનનો દોર યથાવતરીતે જારી રહ્યો હતો. અનેક જગ્યાઓએ ભાજપ, સબરીમાલા કર્મા સમિતિ, કેએસયુ અને યુવા મોરચા દ્વારા ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યા હતા. પોલીસે યુવા મોરચાના રાજ્યના સેક્રેટરી સંદિપ વોરિયરની ધરપકડ કરી હતી. કારણ કે, અનેક સમર્થકો સાથે સંદિપ નાકાબંધી કરી રહ્યા હતા. સાથે સાથે પ્રધાન સામે કાળા ધ્વજ ફરકાવી રહ્યા હતા. સ્થિતિ વણસી ગઈ હતી. બીજી બાજુ આજે વહેલી સવારે બે મહિલાઓએ મંદિરમાં દર્શનનો દાવો કર્યા બાદ શ્રદ્ધાળુઓમાં નારાજગીનું મોજુ ફરી વળ્યું છે. રાજ્યના મુખ્યમંત્રી વિજયને પણ આ બાબતના અહેવાલને સમર્થન આપ્યું છે અને કહ્યું છે કે, સરકારે પોલીસને એવી સૂચના આપી હતી કે, જે પણ મહિલા મંદિરમાં પ્રવેશ કરવા ઇચ્છે છે તે મહિલાને પુરતી સુરક્ષા આપવામાં આવે. બંને મહિલાઓએ છેલ્લા મહિનામાં પણ મંદિરના દર્શનના પ્રયાસ કર્યા હતા. આજે સવારે ૩.૪૫ વાગે દર્શન કરવાની તક મળી ગઈ હતી. પોલીસ ટુકડી પણ તેમની સાથે રહી હતી. એક દિવસ પહેલા જ માનવ ચેઇન બનાવીને મહિલાઓ, પોલીસ અને મિડિયા ઉપર આક્ષેપબાજીનો દોર ચાલ્યો હતો. માનવ સાંકળ રચનાર ભાજપ અને સંઘના કેટલાક કાર્યકરોએ પથ્થરમારો કર્યો હતો. જો કે, પોલીસે બળનો ઉપયોગ કરીને તેમને દૂર કર્યા હતા. ટીયરગેસના સેલ પણ છોડાયા હતા. મંદિરમાં ફરીએકવાર અફડાતફડી મચી ગઈ હતી.

(12:00 am IST)