Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

વાયુ પ્રદૂષણ રોકવા ૨૪ કલાકમાં કેન્દ્ર અને દિલ્હી સરકાર યોજના બનાવે

દિલ્હીમાં પ્રદૂષણ મુદ્દે એકવાર ફરી સુપ્રીમ કોર્ટ સખ્ત : પ્રદુષણ નિયંત્રણ પગલા અંગે નક્કર પ્રસ્તાવ આપવો પડશે : વયસ્કો માટે 'વર્ક ફ્રોમ હોમ'ની સુવિધા તો બાળકો કેમ સ્કુલ જવા માટે મજબૂર : કોર્ટ

નવી દિલ્હી તા. ૨ : દિલ્હીમાં પ્રદૂષણના મુદ્દે સુપ્રીમ કોર્ટે ફરી એકવાર કડક વલણ દાખવ્યું છે. કોર્ટે ગુરૂવારે દિલ્હીની કેજરીવાલ સરકારને પૂછ્યું કે જયારે રાજધાનીમાં પ્રદૂષણ આટલું વધી ગયું છે તો પછી શાળાઓ કેમ ખુલી રહી છે? સુપ્રીમ કોર્ટે કહ્યું કે જો દિલ્હી સરકાર પુખ્ત વયના લોકો માટે ઘરેથી કામ કરવાની સુવિધા લાગુ કરી શકે છે, તો પછી બાળકોને શા માટે શાળાએ જવા માટે દબાણ કરવામાં આવે છે.

સુપ્રીમ કોર્ટે આ મામલે સુનાવણી દરમિયાન કેન્દ્ર અને દિલ્હી સરકારને વાયુ પ્રદૂષણ પર અંકુશ લાવવા માટે ૨૪ કલાકની અંદર કોઈ યોજના તૈયાર કરવા જણાવ્યું હતું. કોર્ટે કહ્યું કે જો આ બંને સરકાર પ્રદૂષણ રોકવા માટે કોઈ પગલું ભરવામાં નિષ્ફળ જશે તો અમે આ અંગે આદેશ આપીશું. સુપ્રીમ કોર્ટ હવે આ મામલે આવતીકાલે સવારે ૧૦ વાગ્યે સુનાવણી કરશે.

સુપ્રીમ કોર્ટે વધુમાં કહ્યું કે, અમને લાગે છે કે વાયુ પ્રદૂષણના મુદ્દે કંઈ થઈ રહ્યું નથી, જયારે તેનું સ્તર ખરાબ થઈ રહ્યું છે. તેના પર કેન્દ્ર સરકારે કહ્યું કે જે ઉદ્યોગો નિર્ધારિત માપદંડોનું પાલન નથી કરી રહ્યા તે તમામ ઉદ્યોગોને બંધ કરી દેવામાં આવ્યા છે અને રાજય સરકારોને પણ આ અંગે જાણ કરવામાં આવી છે. કેન્દ્ર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે સરકાર તરફથી વસ્તુઓ ઝડપી ગતિએ ચાલી રહી છે અને અધિકારીઓ વાયુ પ્રદૂષણની સમસ્યાનો સામનો કરવા માટે સતત કામ કરી રહ્યા છે.

(2:39 pm IST)