Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

ચક્રવાત 'જોવાડ'ના ભણકારા! મુંબઈમાં મુશળધાર વરસાદ, હવે નવી એક આકાશી આફતને લઈને સાવચેત થયુ મહારાષ્ટ્ર

ગુરુવારે ગુજરાતના બરોડા, નર્મદા, બનાસકાંઠા, સાબરકાંઠા, છોટા ઉદેપુર, ભરૂચ, તાપી, અમરેલી, અરવલ્લી, દાહોદ, મહિસાગર અને ભાવનગર જિલ્લાના અનેક સ્થળોએ મુશળધાર વરસાદની આગાહી કરવામાં આવી છે

મુંબઈ, તા.૨: મુંબળ અને તેની આસપાસના વિસ્તારોમાં મુશળધાર વરસાદ શરૂ થઈ ગયો છે. મંગળવાર-બુધવારની મધ્ય રાત્રિથી આ કમોસમી વરસાદ શરૂ થયો છે. રાત્રિના વરસાદ બાદ આ વચ્ચે થંભી ગયો હતો. પરંતુ બુધવાર સવારથી જ જાણે ચોમાસું હજુ ગયું ન હોય તેમ વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે મહારાષ્ટ્રના મુંબઈ, પૂણે અને કોંકણ વિસ્તારોમાં ૩ ડિસેમ્બર સુધી મુશળધાર વરસાદની આગાહી કરી છે.

ડિસેમ્બર મહિનામાં આ અચાનક વરસાદનું કારણ શું છે? આ પ્રશ્ન ઉઠી રહ્યો છે. હવામાનશાસ્ત્રીઓનું કહેવું છે કે અરબી સમુદ્રમાં લો પ્રેશરનો વિસ્તાર તૈયાર થયો છે. જેના કારણે દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્ર, માલદીવ, લક્ષદ્વીપ પર ચક્રવાતની સ્થિતિ સર્જાઈ છે. તે પૂર્વ-મધ્ય અરબી સમુદ્રમાંથી ફૂંકાતા પવનો સાથે સંપર્ક કરી રહ્યું છે. જેના કારણે આગામી ૨૪ કલાક સુધી મુશળધાર વરસાદની આગાહી કરવામાં આવી છે.

આંધ્રપ્રદેશ અને ઓડિશાના દરિયાકાંઠે ઓછા દબાણના વિસ્તારની રચનાને કારણે આ તોફાની ચક્રવાતની સ્થિતિ તૈયાર થઈ છે. આવી સ્થિતિમાં હવે હવામાન વિભાગે 'જોવાડ'ચક્રવાતી તોફાનને લઈને એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્ત્।ર પશ્ચિમ અને મધ્ય ભારતના આસપાસના વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની તૈયારી થઈ છે. જેના કારણે હવામાનમાં પલટો આવ્યો છે. હવામાનમાં આવેલા ફેરફારને કારણે ૨ ડિસેમ્બર સુધી દેશના દ્યણા ભાગોમાં ભારે વરસાદ પડશે. ૩ ડિસેમ્બરે વરસાદની તીવ્રતા વધુ વધશે અને તે ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ જશે.

મહારાષ્ટ્રમાં ચાલુ વરસાદનું કારણ વર્ણવતા હવામાનશાસ્ત્રીઓએ ચેતવણી આપી હતી કે આંદામાન સમુદ્રની મધ્યમાં નીચા દબાણનો વિસ્તાર બુધવાર સુધી પશ્ચિમ-ઉત્તર અને પશ્ચિમ તરફ આગળ વધશે. આ કારણોસર બુધવારે મહારાષ્ટ્રના ઘણા ભાગોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. આ પછી તે બંગાળની ખાડીમાં ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ જશે.

અત્યાર સુધી હવામાન ખાતાના કહેવા પ્રમાણે બરાબર થયું છે. હવે આ વાવાઝોડું ૪ ડિસેમ્બરે આંધ્ર પ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં ટકરાશે. જેના કારણે આંધ્રપ્રદેશ, ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના વિસ્તારોમાં મુશળધાર વરસાદ પડશે. તેના કારણે ઉત્તર-પૂર્વના રાજયોમાં પણ ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં મુશળધાર વરસાદની સંભાવના છે.

અરબી સમુદ્રમાં આ તોફાની ચક્રવાતની તૈયાર થવાને કારણે અને અરબી સમુદ્રમાં લો પ્રેશર એરિયાની તૈયારી થવાને કારણે ગુજરાતમાં પણ આગામી ૨૪ કલાકમાં મુશળધાર વરસાદ થવાની સંભાવના છે. જેના કારણે હવામાન વિભાગે માછીમારોને દરિયામાં ન જવાની સલાહ આપી છે. ખેડૂતોને તેમના પાકને સુરક્ષિત સ્થળોએ લઈ જવાની પણ સલાહ આપવામાં આવી છે.

ખાસ કરીને ગુરુવારે (૨ ડિસેમ્બર) ગુજરાતના બરોડા, નર્મદા, બનાસકાંઠા, સાબરકાંઠા, છોટા ઉદેપુર, ભરૂચ, તાપી, અમરેલી, અરવલ્લી, દાહોદ, મહિસાગર અને ભાવનગર જિલ્લાના અનેક સ્થળોએ મુશળધાર વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં પણ ઝરમર વરસાદની સંભાવના છે.

(10:24 am IST)