Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd December 2020

આવી ગઈ વેકસીનઃ આવતા સપ્તાહથી બ્રિટનમાં રસીકરણ

યુનાઈટેડ કિંગડમે ફાયઝર અને બાયોએન્ટેકની કોરોના વેકસીનને આપી મંજુરીઃ વેકસીનને મંજુરી આપનાર યુકે પ્રથમ પશ્ચિમી દેશ બન્યો : ૯૫ ટકાથી વધુ અસરકારક એ વી રસીના કુલ ૪ કરોડ ડોઝનો ઓર્ડર આપી દેવાયોઃ ૨ કરોડ લોકોને મળશે વેકસીનઃ હવે હારશે કોરોના

નવી દિલ્હી, તા. ૨ :. લોકોના જીવ લેનાર કોરોના વાયરસની વેકસીનને લઈને લોકોની નજર અલગ અલગ કંપનીઓ પર ટકેલી છે ત્યારે બ્રિટનમાં ફાયઝર અને બાયોએન્ટેકની કોરોના વાયરસ વેકસીનને મંજુરી મળી ગઈ છે. આ સાથે બ્રિટન કોવિડ-૧૯ વેકસીનના રસીને મંજુરી આપનાર પ્રથમ પશ્ચિમી દેશ બની ગયો છે. બ્રિટને ફાયઝર અને બાયોએન્ટેકના બે ડોઝવાળી વેકસીનના ૪ કરોડ ડોઝનો ઓર્ડર આપ્યો છે. આ વેકસીન સંક્રમણને રોકવા ૯૫ ટકાથી વધુ અસરકારક બની છે. આ વેકસીન આપતા સપ્તાહથી બ્રિટનમાં ઉપલબ્ધ થશે.

બ્રિટનના ડ્રગ રેગ્યુલેટર એમએચઆર એ કહ્યુ છે કે આ વેકસીન ૯૫ ટકા અસરકારક છે અને તેના વ્યાપક ઉપયોગની પરવાનગી આપવી સુરક્ષિત છે. ત્યાં એવા લોકોને રસી આપવામાં આવશે જે ઉચ્ચ જોખમવાળા સમુહથી છે. બ્રિટને પહેલા જ ૪ કરોડ ડોઝનો ઓર્ડર આપ્યો છે જેની મદદથી બે કરોડ લોકોને બે વખત રસી આપી શકાશે. આ વેકસીનનો એક કરોડનો ડોઝ ટુંક સમયમાં ઉપલબ્ધ થશે. આ દુનિયાની સૌથી ઝડપથી વિકસીત વેકસીન હશે જેને બનાવવામાં ૧૦ મહિના લાગ્યા છે. સામાન્ય રીતે એક આવી વેકસીનને તૈયાર કરવામાં એક દાયકાનો સમય લાગે છે.

બ્રિટનના સ્વાસ્થ્ય સચિવ મેટ હેનકોકએ ટ્વીટ કરીને કહ્યુ છે કે મદદ તેના માર્ગ પર છે અને અમે આવતા સપ્તાહથી રસીકરણ આપવા માટે તૈયાર છીએ. અત્રે એ નોંધનીય છે કે થોડા દિવસ પહેલા ફાયઝરે કહ્યુ હતુ કે અમે વેકસીન બનાવવામાં સફળતા મેળવી છે જે વાયરસ સામે ૯૬ ટકા અસરદાર છે.

ફાયઝરના અધ્યક્ષ ડો. આલ્બર્ટ બોરલાએ કહ્યુ હતુ કે વિજ્ઞાન અને માનવતા માટે મોટો દિવસ છે. વાયરસ સામે લડવા અમારી વેકસીન અસરકારક છે. અમે સફળતા મેળવી છે. સમય એવો છે કે વેકસીનની જરૂરીયાત સમગ્ર વિશ્વને છે.

(3:46 pm IST)