Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd December 2020

ખેડૂતોએ નોઈડા હાઈવે કર્યો જામઃ યુથ કોંગ્રેસના કાર્યકરો ઉપર ચંદીગઢમાં પાણીનો મારો; પંજાબનું એક આખું ગામ આંદોલનમાં જોડાયું

નવી દિલ્હી, તા.૨: કૃષિ કાયદા સામે ખેડૂતોનું આંદોલન ચાલુ છે. ગતરોજ સરકાર સાથેની વાટાદ્યાટો નિષ્ફળ જતા ખેડૂતોએ આક્રમક વલણ અપનાવ્યું છે. ખેડૂતોએ સરકારના પ્રસ્તાવને ફગાવી દીધો છે, જેમાં સરકારે સમિતિની રચના કરવાની વાત કરી હતી.

આવામાં હવે પંજાબ અને હરિયાણાના મોટી સંખ્યામાં ખેડૂતો હવે દિલ્હી તરફ આગળ વધી રહ્યા છે, જેથી અહીં હાજર ખેડૂતોને સમર્થન મળી શકે અને બીજી તરફ સરકાર પણ સક્રિય દેખાઈ રહી છે.

ચંદીગઢમાં યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈએ હરિયાણાના મુખ્યમંત્રી મનોહર ખટ્ટર વિરુદ્ઘ અવાજ ઉઠાવ્યો છે. યુથ કોંગ્રેસના કાર્યકરોની માંગ છે કે મુખ્યમંત્રીએ ખેડુતોની માફી માંગવી જોઇએ, જે રીતે હરિયાણાના ખેડુતો પર બળપ્રયોગ કરવામાં આવ્યો છે તે ખોટો છે. આ દરમ્યાન પોલીસે યુથ કોંગ્રેસના લોકો ઉપર વોટર કેનનો ઉપયોગ કર્યો હતો.

બુધવારે બપોરે, ખેડુતોએ નોઈડા-ગ્રેટર નોઇડા એકસપ્રેસ વેને અવરોધિત કર્યો હતો. સેંકડો ખેડૂતોએ મહામાયા ફ્લાયઓવર નીચે હડતાલ કરી હતી અને DND તરફનો રસ્તો રોકી દીધો હતો. હવે અહીં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

ખેડૂતો પહેલેથી જ દિલ્હી અને નોઈડાની સરહદે છાવણી કરી રહ્યા છે. પ્રદર્શનકારીઓ દ્વારા સતત જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે, જેથી લોકો લાંબા સમય સુધી અહીં રહી શકે.

પંજાબના મોહાલી રાયપુર ખુર્દ ગામની વસ્તી આશરે ૮ હજાર છે પરંતુ આ દિવસોમાં આખા ગામમાં સન્નાટો છે. ઘરોમાં તાળાઓ છે, કારણ કે અહીંના મોટાભાગના ખેડૂતો દિલ્હીમાં આંદોલન કરી રહ્યા છે.

બુધવારે સવારે ખેડૂત આંદોલનમાં શું-શું બન્યું તેના પર કરીએ એક નજર...

૧. ખેડૂત નેતા બૂટા સિંહનું કહેવું છે કે અમે સમિતિની રચનાના સરકારના પ્રસ્તાવને ફગાવી દીધો છે. આ આંદોલનને ઠંડો પાડવાનો એક પ્રયાસ છે, સાંજે પ્રેસ કોન્ફરન્સમાં ખેડૂતો પોતાના મંતવ્યો વ્યકત કરશે.

૨. કેન્દ્ર સરકાર વતી, ખેડૂતોને કહેવામાં આવ્યું હતું કે સરકાર એક સમિતિની રચના કરશે, જેમાં સરકારના પ્રતિનિધિઓ, ખેડૂતોના પ્રતિનિધિઓ અને અન્ય ઉપસ્થિત રહેશે.

૩. સરકાર સાથેની વાટાદ્યાટો નિષ્ફળ ગયા પછી ખેડૂતોનું આંદોલન ચાલુ રહ્યું. સવારથી મોટી સંખ્યામાં ખેડૂતો સિંદ્યુ સરહદ અને ટીકરી બોર્ડર પર રોકાયા હતા.

૪. કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર, પિયુષ ગોયલે બુધવારે સવારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. આ બેઠકમાં ૩ ડિસેમ્બરે યોજાનારી ખેડૂતો સાથેની ચર્ચા અંગે ચર્ચા કરવામાં આવી હતી.

૫. ખેડૂતોના વિશાળ આંદોલનને ધ્યાનમાં રાખીને આજે દિલ્હી અને NCRમાં કડક સુરક્ષા ગોઠવવામાં આવી છે. દરેક વાહનની સિંદ્યુ સરહદે તપાસ કરવામાં આવી રહી છે.

૬. બુધવારે ફરીદાબાદ નજીક ખેડૂતોની મહાપંચાયત થઈ, જેના કારણે સુરક્ષા વધારવામાં આવી. અહીં દરેક વાહનની તપાસ કરવામાં આવી રહી છે.

૭. આરએલડી નેતા જયંત ચૌધરી પણ વહેલી સવારે સિંદ્યુ સરહદે પહોંચ્યા હતા. જયંતે કહ્યું હતું કે તેઓ અહીં નેતા તરીકે નહીં પણ ખેડૂત તરીકે આવ્યા છે. ગઈ કાલે ભીમ આર્મીના ચંદ્રશેખરે પણ ખેડૂતોને ટેકો આપ્યો હતો.

૮. બુધવારે સવારે ગાઝીપુર અને ગાઝિયાબાદની સરહદે ખેડૂતો અને પોલીસ સામસામે આવી ગયા હતા. ખેડૂતોએ અહીંના બેરિકેડ્સ હટાવવાનો પ્રયાસ કર્યો.

૯. નોઇડા લિન્ક રોડ પર સ્થિત ચિલ્લા બોર્ડર ખેડૂતોના આંદોલનને કારણે બંધ કરાઈ છે. અહીં ગૌતમ બુદ્ઘ દ્વાર પાસે ખેડૂતોનો જમાવડો છે. લોકોને નોઈડા લિન્ક રોડને બદલે નોઇડા જવા NH -24 અને ડીએનડીનો ઉપયોગ કરવાની અપીલ કરવામાં આવી છે.

(3:45 pm IST)