Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd December 2020

ખેડૂત આંદોલનને પૂર્વ ખેલાડીઓનું સમર્થન : પદ્મશ્રી, અર્જુન એવોર્ડ સરકારને પરત આપશે

30થી વધુ પૂર્વ ઑલમ્પિક અને અન્ય ટૂર્નામેન્ટમાં એવોર્ડ પ્રાપ્ત કરનારા ખેલાડીઓનું સમર્થન

નવી દિલ્હી : નવા કૃષિ કાયદાના વિરોધમાં હરિયાણા અને પંજાબના ખેડૂતો રસ્તા પર ઉતર્યાં  છે. ખેડૂતોની માંગ છે કે, કેન્દ્ર સરકાર નવા કૃષિ કાયદાને રદ્દ કરે. ખેડૂતોના આ આંદોલનમાં  હવે સમાજના વિવિધ વર્ગના લોકો સાથે પદ્મશ્રી અને અર્જુન એવોર્ડથી સમ્માનિત અનેક પૂર્વ ખેલાડીઓ પણ સામેલ થઈ ગયા છે.

 આ પૂર્વ ખેલાડીઓએ સરકારને પોતાના એવોર્ડ પરત કરવાનું એલાન પણ કરી દીધુ છે. આ ખેલાડીઓનું કહેવું છે કે, ખેડૂતો પર બળ પ્રયોગ કરવો યોગ્ય નથી અને તેઓ તેનો વિરોધ કરી રહ્યાં છે.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, છેલ્લા બે દિવસોથી પૂર્વ ભારતીય બાસ્કેટબૉલ ખેલાડી અને અર્જુન એવોર્ડ વિજેતા સજ્જનસિંહ ચીમા પંજાબના સાથી અર્જુન અને પદ્મ પુરષ્કાર વિજેતા ખેલાડીઓના સંપર્કમાં છે. જેથી તેઓ ખેડૂતોના વિરોધ પ્રદર્શનના  સમર્થનમાં રેલી કરી શકે અને રાષ્ટ્રપતિને પોતાના પુરષ્કાર પરત કરી શકે.

 

ચીમાને 30થી વધુ પૂર્વ ઑલમ્પિક અને અન્ય ટૂર્નામેન્ટમાં એવોર્ડ પ્રાપ્ત કરનારા ખેલાડીઓનું સમર્થન મળ્યું છે. જેમાં ગુરમેલ સિંહ અને સુરિન્દર સિંહ સોઢી પણ સામેલ છે. જે 1980 મૉસ્કો ઑલમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનારી ભારતીય હૉકી ટીમના ખેલાડી હતા.

પદ્મશ્રી અને અર્જુન એવોર્ડથી સમ્માનિત પહલવાન કરતાર સિંહ, અર્જુન એવોર્ડી બાસ્કેટબૉલ ખેલાડી સજ્જન સિંહ ચીમી, હૉકી ખેલાડી રાજબીર કૌર સહિત 30 જેટલા ખેલાડીઓ 5 ડિસેમ્બરે દિલ્હી આવશે અને પોતાના એવોર્ડ રાષ્ટ્રપતિ ભવન બહાર છોડી જશે. તેમણે દિલ્હી કૂચ માટે જઈ રહેલા ખેડૂતોને રોકવા માટે કેન્દ્ર અને હરિયાણા સરકાર દ્વારા વૉટર કેનન અને ટીયર ગેસનો ઉપયોગ કરવાની નિંદા કરી છે.

(11:44 am IST)