Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd December 2020

નવેમ્બરમાં કેસમાં ૩૨ ટકાનો ઘટાડો

કોરોના સામેનો જંગ જીતી રહ્યું છે ભારત : ૧૦ દિવસથી રોજ ૫૦,૦૦૦થી ઓછા કેસ

નવી દિલ્હી તા. ૨ : સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે, લાખોની સંખ્યામાં કોરોનાના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે ત્યારે રોજના નોંધાતા કેસનો આંકડો ૫૦,૦૦૦ની નીચે રહ્યો છે. સરકારે જણાવ્યું કે, ૨૧ નવેમ્બરથી રોજના ૧૦ લાખ જેટલા કેસ કરવામાં આવી રહ્યા છે. આ રીતે નવેમ્બર દરમિયાન ભારતમાં કોરોના કેસમાં ૩૨ ટકાનો ઘટાડો નોંધાયો છે.

ભારતમાં કોરોના વાયરસના કેસની સંખ્યા ઊંચી હોવા છતાં દેશમાં નવા કેસ કાબૂમાં આવ્યા છે. નવેમ્બર મહિના દરમિયાન ભારતમાં પાછલા મહિનાની સરખામણીમાં ૩૨્રુ કેસમાં ઘટાડો નોંધાયો છે. ભારતમાં દિવાળીના તહેવારની શરૂઆતમાં અને દિવાળી દરમિયાન કોરોનાના કેસમાં ઉછાળો નોંધાયા બાદ ફરી સ્થિતિ કાબૂમાં આવી રહી છે. દિવાળીમાં એક સમયે દિલ્હીમાં રેકોર્ડ બ્રેકિંગ કેસ નોંધાઈ રહ્યા ત્યાં પણ સ્થિતિ કાબૂમાં આવી રહી છે.

દુનિયામાં નવેમ્બર મહિના દરમિયાન નોંધાયેલા કોરોના વાયરસના કેસમાં અમેરિકા સૌથી પહેલા નંબર પર છે અને આ પછી બીજા નંબર પર ભારત છે. પાછલા મહિનામાં ભારતમાં ૧૨.૮ લાખ કેસ નોંધાયા છે, જયારે અમેરિકામાં સૌથી વધુ ૪૪.૮ લાખ કેસ નોંધાયા છે. આ કોરોના વાયરસની મહામારી આવ્યા પછી કોઈ પણ દેશમાં એક મહિનામાં નોંધાયેલા કેસમાં સૌથી વધારે છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષ વર્ધનના જણાવ્યા પ્રમાણે અત્યાર સુધીમાં ૧૪ કરોડ ૧૩ લાખ લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. ૧૧ નવેમ્બરે દેશમાં પોઝિટિવિટી રેટ ૭.૧૫% હતો જયારે ૧ ડિસેમ્બરે તે ઘટીને ૬.૬૯% પર પહોંચ્યો છે. ભારતમાં હાલ એકિટવ કેસનો આંકડો ૪.૩૫ લાખ થઈ ગયો છે. જયારે ભારતમાં કુલ કેસનો આંકડો ૯૪,૬૨,૮૧૦ થઈ ગયો છે.

દિવાળી દરમિયાન ભારતમાં કોરોના વાયરસના કેસમાં ઉછાળો આવ્યા બાદ તેમાં ઘટાડો નોંધાયો છે. ગુજરાત, રાજસ્થાન સહિતના રાજયોમાં કેસમાં ઉછાળો આવ્યા બાદ નાઈટ કફર્યૂ લાગુ કરવામાં આવ્યો છે જેથી રાત્રે બહાર નીકળતા લોકોને ટાળી શકાય. આવામાં દિલ્હી સરકારે પણ કોરોનાને કાબૂમાં લેવા માટે લીધેલા પગલામાં સફળતા મળી છે તો બીજી તરફ ખેડૂતોના આંદોલનના કારણે કોરોના ફરી ફેલાવાની ચિંતા વધી રહી છે.

(11:17 am IST)