Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd December 2020

ખેડૂત આંદોલન : દિલ્હી કૂચની સૌથી મોટી તૈયારી શરૂ : ચિલ્લા બોર્ડર પર હલ્લા બોલ : પંજાબ અને હરિયાણાથી રવાના થશે ટ્રેકટર

નવી દિલ્હી તા. ૨ : દેશમાં છેલ્લા ૬ દિવસથી કૃષિ કાયદા સામે ખેડૂતોનું પ્રદર્શન ચાલી રહ્યું છે. વિરોધનો આજે સાતમો દિવસ બનશે, પરંતુ મંગળવારે ખેડૂત સંઘો અને સરકાર વચ્ચેની વાતચીત અનિર્ણિત રહી હતી. જેમ જેમ દિવસો જઈ રહ્યા છે તેમ તેમ ખેડુતોનું આંદોલન વેગ પકડતું જાય છે. સિંઘુ બોર્ડર, ટીકરી બોર્ડર અને ગાઝીપુર બોર્ડર પછી હવે ખેડુતો પણ નોઈડા-દિલ્હીની ચિલ્લા બોર્ડર પર ખેડૂતો ડટીને આંદોલન કરી રહ્યા છે. ચિલ્લા બોર્ડર પર હજારો ખેડૂતોએ દેખાવો કર્યા હતા અને મંગળવાર સાંજથી લોકોને જામની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો.

ચિલ્લા બોર્ડર પર ખેડૂત આંદોલનને કારણે દિલ્હી-નોઈડા માર્ગની અવરજવર અવરોધિત થઈ છે. ત્યારે આ મામલે દિલ્હી ટ્રાફિક પોલીસે ટ્રાફિક ચેતવણી જારી કરતાં કહ્યું છે કે ખેડૂત આંદોલનને કારણે અક્ષરધામ મંદિરથી ચિલ્લા બોર્ડર રોડ બંધ કરવામાં આવ્યો છે. ટ્રાફિક પોલીસે લોકોને આ માર્ગ ઉપર ન જવા અપીલ કરી છે. ત્યારે બીજી તરફ પંજાબ અને હરિયાણાના હજારો ખેડૂત હજી પણ દિલ્હીની સરહદ પર જમાયેલા છે અને તેઓ દિલ્હીમાં પ્રવેશવા કરવા માંગે છે અને જંતર-મંતર પર ધરણા કરવા ઈચ્છે છે.

(11:15 am IST)