Gujarati News

Gujarati News

News of Saturday, 2nd December 2017

સબસીડી નાબૂદ થયા બાદ બાટલો ૧૦૦૦નો પડી શકે

નિર્ણયની સમીક્ષા કરવા માટેની માંગ કરાઇઃ ગેસ મુદ્દાને ચૂંટણી ઢંઢેરામાં સામેલ કરી પ્રજાની સમસ્યા હલ કરવા ગ્રાહ્ક સુરક્ષા-પગલા સમિતના પ્રમુખની માંગ

અમદાવાદ, તા.૨: ગરીબ અને મધ્યમ વર્ગના ગ્રાહકો મોંઘવારીના મારથી ત્રસ્ત છે ત્યારે પડતાને પાટુ મારવા જેવો ઘાટ કેન્દ્ર સરકારે સર્જયો છે, ખાસ કરીને આગામી દિવસોમાં ગૃહિણીઓ અને મહિલાઓનું રસાડોનું બજેટ ખોરવાવાની પૂરી શકયતા છે કારણ કે, કેન્દ્ર સરકારે તા.૧-૪-૨૦૧૮થી એલપીજી(રસોઇ ગેસ) કનેકશનધારક ગ્રાહકોની સબસીડી સંપૂર્ણ નાબૂદ કરવાનો નિર્ણય કર્યો છે. જેને પગલે ૧૪.૨૦૦કિલોગ્રામનું વજન ધરાવતા સબસીડીવાળા એલપીજી સિલિન્ડરનો ભાવ હાલ જે રૂ.૫૦૦ ચાલી રહ્યો છે તે, એપ્રિલ-૨૦૧૮થી સબસીડી નાબૂદ થતાં રૂ.એક હજારનો થશે. સામાન્ય માણસને અને ખાસ કરીને ગૃહિણીઓ, મહિલાઓને આટલો મોંઘો રસોઇગેસ કોઇપણ સંજોગોમાં પોષાય નહી અને તેથી કેન્દ્ર સરકારના આ નિર્ણયને લઇ ચોતરફ વિરોધ ઉઠી રહ્યો છે ત્યારે કેન્દ્ર સરકારે તાત્કાલિક સબસીડી યોજના બંધ કરવાના નિર્ણયની સમીક્ષા કરવી જોઇએ એમ ગ્રાહ્ક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખ મુકેશ પરીખે માંગ કરી છે.ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓને આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે રાજયના મતદાર ગ્રાહકોએ જાગૃત થઇ આ વાતનો પ્રતિકાર કરવા અને ભાજપ તેમ જ કોંગ્રેસને તેમના ચૂંટણી ઢંઢેરામા રસોઇગેસના મુદ્દાને સામેલ કરી પ્રજાની સમસ્યા હલ કરવાની પણ તેમણે ભારપૂર્વકની માંગણી કરી હતી. ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતના પ્રમુખ મુકેશ પરીખે જણાવ્યું હતું કે, સબસીડીવાળા રસોઇગેસના બાટલાના કાળાબજાર અને કાળો કારોબાર સરકારના પુરવઠા વિભાગની મીઠી રહેમનજર હેઠળ ફુલ્યોફાલ્યો છે. રૂ.૫૦૦નો બાટલો કાળાબજારમાં રૂ.૮૦૦થી રૂ.૧૦૦૦માં ખુલ્લેઆમ રીતે ધંધાદારી એકમોમાં વેચાઇ રહ્યો છે. હોટલો, રેસ્ટોરન્ટ, ચાની કીટલીઓ, સોની કામ, ફેકટરીઓ, કારખાનાઓ અને અલંગમાં બેફામ રીતે રસોઇગેસના બાટલાની કાળાબજારી અને બેફામ વપરાશ થાય છે છતાં સરકારના સત્તાવાળાઓ તેને ડામી શકતા નથી, તે તંત્રની નિષ્ફળતા છે. એટલું જ નહી, રસોઇગેસના તોલમાપમાં પણ ગ્રાહકો નિર્દોષ ગૃહિણીઓ સાથે છેતરપીંડી થાય છે. ગ્રાહકની નજર સામે ડીજીટલ વજનકાંટાથી તોલીને આપવાના સરકારી પરિપત્રો કાગળ પર જ રહ્યા છે, તેનો વાસ્તવિક અમલ થતો જ નથી. પેન્સિલ-બંસરીથી ત્રણથી ચાર કિલો ગેસ ચોરી કરી કાઢી લેવામાં આવે છે. સમિતિના પ્રમુખ મુકેશ પરીખે ઉમેર્યું હતું કે, સને ૧૯૭૯માં ગેસના બાટલાનો ભાવ માત્ર રૂ.૧૮ હતો અને આજે ૩૮ વર્ષોમાં બાટલાનો ભાવ રૂ.૧૦૦૦ને આંબવા જઇ રહ્યો છે છતાં સરકારના પેટનું પાણી હાલતુ નથી. ગુજરાત સહિત દેશના લાખો ગ્રાહ્કોના હિતમાં કેન્દ્ર સરકારે સબસીડી યોજના બંધ કરવાના નિર્ણયની પુનઃસમીક્ષા કરવી જોઇએ, અન્યથા આગામી દિવસોમાં આ મામલે વ્યાપક જનઆંદોલન છેડાશે.

 

(7:36 pm IST)