Gujarati News

Gujarati News

News of Saturday, 2nd December 2017

રાહુલના મંદિરોના ફેરા ફોગટ? ધાર્મિક ગુરૂઓ-સંસ્થાઓના ભાજપને આશીર્વાદ!

રાહુલે મંદિરોમાં જવાનુ હવે શરૂ કર્યુ પરંતુ ગુજરાતના મંદિરો અને મઠો સાથે મોદીના વર્ષોથી સારા સંબંધો છેઃ ગુજરાતના મોટાભાગના આધ્યાત્મિક ગુરૂઓ અને સંસ્થાઓ મોદીને સમર્થન કરતા હોય છેઃ મોદીના મઠાધિશો અને સંપ્રદાયના વડાઓ સાથે વ્યકિતગત સંબંધો છે

નવી દિલ્હી તા.ર : મોટાભાઇ તરીકે જાણીતા ગુજરાતના આધ્યાત્મિક ગુરૂ રમેશભાઇ ઓઝાએ હાલમાં જ પોતાના અનુયાયીઓને કહ્યુ હતુ કે, જીએસટી થોડા મહિનાઓની સમસ્યા છે. દેશના હિતમાં વડાપ્રધાન મોદીને સમર્થન કરવાની અપીલ કરતા તેમણે કહ્યુ હતુ કે, જયારે કોઇ ટ્રેન ટ્રેક બદલતી હોય તો ધીમી પડી જાય છે અને થોડો ઘણો અવાજ પણ આવતો હોય છે. એવામાં તમારે કહેવુ જોઇએ કે, ઠીક છે, અમે તમારી સાથે છીએ કારણ કે એ વ્યકિત આપણા બધા માટે કામ કરી રહ્યો છે તેમણે વડાપ્રધાન મોદીને દેશની શ્રેષ્ઠતા માટે કામ કરનાર નેતા ગણાવ્યા હતા. દેશના સૌથી શ્રીમંત અંબાણી પરિવાર પણ રમેશભાઇ ઓઝાના ચુસ્ત અનુયાયીઓ પૈકીના એક છે.

આનાથી જણાય છે કે, ગુજરાતના મંદિરો અને મઠોમાં પીએમ મોદીનો સારો એવો ઘરોબો છે અને અસર છે. જયારે રાહુલે હાલમાં જ મંદિરોમાં જ જવાનુ શરૂ કર્યુ છે પરંતુ મોદીના મુળ મઠ અને મંદિરોમાં ઉંડા છે. એક અન્ય પ્રભાવશાળી આધ્યાત્મિક ગુરૂ મોરારીબાપુએ પોતાના અનુયાયીઓને કહ્યુ હતુ કે ચૂંટણી દરમિયાન તેઓએ પોતાની પસંદને લઇને સતર્ક રહેવુ જોઇએ કારણ કે એવુ વારંવાર નથી થતુ કે રાજકાજમાં ધર્મની રક્ષા કરનારા નેતા મળે.

રમેશભાઇ ઓઝા અને મોરારીબાપુ એવા પ્રભાવશાળી આધ્યાત્મિક લોકોમાંથી એક છે કે જેમનુ વર્ચસ્વ ગુજરાતની મોટાભાગની વસ્તી ઉપર છે. હિન્દુઓમાં જ અનેક પ્રકારના સંપ્રદાય ગુજરાતમાં પ્રચલિત છે અને તેઓનો લોકોના જીવન ઉપર ઉંડો પ્રભાવ છે. સામાન્ય રીતે આ સંગઠનો રાજકીય ટિપ્પણી નથી કરતા પરંતુ એક મામુલી સંકેત પણ અનુયાયીઓના મતદાનની દિશા નક્કી કરી દયે છે.

આ મઠોની અપીલની અસર છે કે મોટાભાગના અનુયાયીઓ તમાકુ, દારૂ કે માંસનું સેવન નથી કરતા. ખાસ વાત એ છે કે આમાંથી મોટાભાગના ગુરૂ અને સંપ્રદાય ભાજપ અને ખાસ કરીને પીએમ મોદીનું સમર્થન કરતા હોય છે.

કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પોતાના ગુજરાતના પ્રવાસમાં સતત મંદિરોની મુલાકાત લઇ રહ્યા છે પરંતુ પીએમ મોદીના મોટાભાગના મઠોના મઠાધિશો અને સંપ્રદાયના વડાઓ સાથે વ્યકિતગત સંબંધ છે એવામાં એ જોવાનુ રહેશે કે રાહુલ ગાંધીને મંદિરો અને મઠો તરફથી કેટલા આશીર્વાદ મળે છે. ર૦૧૪માં સામાન્ય ચૂંટણીમાં ભાજપના બમ્પર વિજય બાદ અંબાજી મંદિરમાં યોજાયેલા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન સંતોએ પીએમ મોદીને ભારતના ભાગ્ય વિધાતા ગણાવ્યા હતા. એક વર્ષ પહેલા જ સ્વામી નિત્યસ્વરૂપદાસે કહ્યુ હતુ કે, જો આપણે દેશને સુરક્ષિત બનાવવો હોય તો આપણે પીએમ મજબુત કરવા પડશે. આવતીકાલે મોદી અમદાવાદમાં સ્વામીનારાયણ સંપ્રદાયના એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે.

રાજકીય વિશ્લેષક કહે છે કે, સંપ્રદાયોની પરંપરાના પ્રભાવને કારણે ગુજરાતમાં મોટી વસ્તી કોંગ્રેસના સેકયુલરીઝમ સાથે ખુદને નથી જોડતી. સ્વાધ્યાય પરિવાર, ગાયત્રી પરિવારથી લઇને બોચાસણવાસી અક્ષર પુરૂષોતમ સ્વામીનારાયણ સંસ્થા અને અન્ય સ્વામીનારાયણ સંપ્રદાયોથી લઇને તમામ કથા વાચક હિન્દુ વિચારક તરીકે કામ કરે છે. આ સંસ્થાઓ પશ્ચિમી સંસ્કૃતિનું ખંડન કરતા ભારતીય મૂલ્યોને પ્રોત્સાહીત કરતી હોય છે. ભાજપના એક નેતાનુ કહેવુ છે કે ગુજરાતના મોટાભાગના લોકો ધાર્મિક છે. આમાંથી મોટાભાગના સંગઠન લોકોને અવસાદમાંથી બહાર કાઢવાનુ કામ કરે છે. આનાથી તેઓનો પ્રભાવ વધતો જાય છે.

 

(11:28 am IST)