Gujarati News

Gujarati News

News of Saturday, 2nd December 2017

હદ હો ગઇઃ યુપીના સહરાનપુરમાં અપક્ષના ૩૦૦ કુટુંબીઃ મત એકપણ ન મળ્યો!

ઝીરો મત મળ્યોઃ ઇવીએમમાં ગરબડીની આશંકાઃ પંચને રજૂઆત

સહારનપુર તા. ૨ : ઉત્તરપ્રદેશમાં ૧૬ પાલિકાઓની ચૂંટણીમાં ઈવીએમમાં કેટલીક ગરબડો સામે આવી છે. સહારનપુરમાં નૂરબસ્તીમાંથી ઉભેલા એક અપક્ષ ઉમેદવારને પોતાનો જ વોટ મળ્યો નથી. તેમને કુલ '૦'મત મળતાં અધિકારીઓ સહિત તમામ લોકો આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા છે. અપક્ષ ઉમેદવાર શબાનાએ કહ્યું કે, તેમનો વોટ કયાં ગાયબ થઈ ગયો તે જ તેમને સમજાતું નથી.

મીડિયા સમક્ષ તેમણે પોતાની ફરિયાદ કરી હતી અને ચુંટણી પંચની નિષ્પક્ષતા સામે સવાલ કર્યો હતો. શબાનાના દાવા પ્રમાણે તેમના પરિવારમાં કુલ ૩૦૦ જણાં છે અને તેમાંથી એક પણ જણનો વોટ તેમને મળ્યો નથી. શબાનાને બીજા બુથ પરથી એકાદ બે વોટ મળ્યા છે પણ જયાં તેમના ૩૦૦ પરિવાજનોએ વોટ આપવાનો હતો ત્યાં તેમને શૂન્ય વોટ મળ્યો છે.

આ અંગેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાઈરલ પણ થયો છે. આ ઉપરાંત લખનૌમાં પણ ઈવીએમની ગરબડનો મામલો પ્રકાશમાં આવ્યો છે. અહીંના એક યુવાન ઉમેદવારે આ અંગે લેખિતમાં પંચને ફરિયાદ કરી છે. ઉલ્લેખનીય છે કે આ ચૂંટણીમાં મતદાન વખતે ઘણાં લોકોએ ઈવીએમની ગરબડ વિશે ફરિયાદો કરી હતી.

(11:28 am IST)