Gujarati News

Gujarati News

News of Saturday, 2nd December 2017

કાલથી મોદી ફરી ગુજરાતમાં: ર દિવસ કરશે જોરશોરથી પ્રચાર

કાલે ભરૂચ, સુરેન્દ્રનગર, અમદાવાદ અને રાજકોટમાં સભાઃ સોમવારે ધરમપુર, ભાવનગર, જુનાગઢ અને જામનગરમાં કરશે પ્રચારઃ ૬ ડિસેમ્બર બાદ ૩ તબક્કે વડાપ્રધાન ગુજરાત આવશેઃ ૧રમી સુધીમાં મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત ફરી વળશેઃ ર૪થી વધુ સભાઓઃ ૧૪મીએ અમદાવાદમાં મતદાન કરશે

નવી દિલ્હી તા.ર : ગુજરાતમાં પ્રથમ તબક્કાના મતદાન આડે હવે માત્ર એક અઠવાડિયુ જ બાકી રહ્યુ છે ત્યારે પ્રચારમાં વેગ લાવવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે ફરી ગુજરાત આવી રહ્યા છે અને તેઓ બે દિવસ માટે જોરશોરથી પ્રચાર કરશે. આવતીકાલે પીએમ મોદી ભરૂચ, સુરેન્દ્રનગર, અમદાવાદ અને રાજકોટ તેમજ સોમવારને ૪ ડિસેમ્બરના રોજ ધરમપુર, ભાવનગર, જુનાગઢ અને જામનગરનો વિદ્યુત વેગી પ્રવાસ કરી સભાઓ ગજાવશે. તેઓ ધમાકેદાર પ્રચાર કરશે તેવુ જણાઇ રહ્યુ છે.

આવતીકાલે વડાપ્રધાન રાજકોટમાં આવવાના છે અને તેઓ ૧પ૦ ફુટ રીંગ રોડ ઉપર સાંજે જંગી જાહેરસભાને સંબોધન કરશે. આ માટે પોલીસ અને તંત્ર દ્વારા તૈયારી પુરજોશમાં કરવામાં આવી રહી છે. શહેર ભાજપ આ સભાને ઐતિહાસિક બનાવવાના કાર્યમાં લાગી ગયુ છે તો વડાપ્રધાન માટે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવશે.

વડાપ્રધાન ૪થી ડિસેમ્બરના રોજ વલસાડના ધરમપુરમાં તેમજ ભાવનગર, જુનાગઢ, જામનગરમાં પણ સભાને સંબોધન કરશે. તેઓ ૬ ડિસેમ્બર બાદ ત્રણ તબક્કે ગુજરાત આવશે. ૧ર ડિસેમ્બર સુધીમાં તેઓ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પ્રચાર કરવાના છે. પોતાના પ્રચાર-પ્રવાસ દરમિયાન તેઓ ર૪થી વધુ જનસભાઓ અને રોડ-શો યોજવાના છે. ૧૪મીએ તેઓ અમદાવાદમાં પોતાના મત વિસ્તારમાં મતાધિકારનો ઉપયોગ કરશે.

મોદીની જાહેરસભાઓની સાથે-સાથે હાર્દિક પટેલ પણ સુરતમાં જંગી રેલી કરનાર છે. પાસ દ્વારા મોદીની સભાની સાથે-સાથે હાર્દિકની સભાઓનુ આયોજન કરી રહેલ છે કે જેથી સાબીત કરી શકાય કે હાર્દિકને પણ લોકોનો બહોળો સપોર્ટ છે અને તે પણ લોકપ્રિય નેતા છે.

ચારે તરફથી મળી રહ્યા છે સારા સમાચારઃ હવે ગુજરાતથી સારા સમાચાર મળે તેની રાહ જોઉ છું: પીએમ મોદી

નવી દિલ્હી : યુપીની સ્થાનિક ચૂંટણીઓમાં ભાજપના ભવ્ય વિજય અને બીજા ત્રિમાસિક ગાળામાં જીડીપીના આંકડાથી ઉત્સાહિત વડાપ્રધાન મોદીએ જણાવ્યુ છે કે ચારે તરફથી સારા સમાચાર મળી રહ્યા છેઃ હવે ગુજરાતથી સારા સમાચાર મળવાની રાહ જોઉ છું: વિવિધ પક્ષોની ટીકાઓ બાદ પણ ભારત પુરેપુરા વિશ્વાસ સાથે આગળ વધી રહ્યુ છેઃ તેમણે કહ્યુ છે કે યુપીનો પવન ગુજરાત સુધી પહોંચી ચુકયો છેઃ તેમનો કહેવાનો અર્થ સ્પષ્ટ હતો કે યુપીની જેમ ગુજરાતમાં પણ ભાજપને જોરદાર વિજય મળશે.

 

(10:48 am IST)