Gujarati News

Gujarati News

News of Saturday, 2nd December 2017

ઓટોપાર્ટ્સના GSTના રેટ કરાયો છે ઘટાડો, ગ્રાહકો છે લાભથી વંચિત

કંપનીઓ જૂના રેટ ઉપર જ જીએસટી ચાર્જ કરી રહી છે

મુંબઇ તા. ૨ : જીએસટી કાઉન્સિલે છેલ્લી બેઠકમાં ૧૭૮થી વધુ ચીજવસ્તુઓના રેટમાં ઘટાડો કરીને ૧૮ ટકા કર્યા છે, પરંતુ ઘટાડો કરેલી ચીજવસ્તુઓ ૧૮ ટકાના રેટમાં આવી હોવા છતાં હવે એચએસએન કોડને લઇને કેટલીક મુશ્કેલીઓનો કંપનીઓ સામનો કરી રહી છે. ખાસ કરીને ઓટો એસેસરિઝ ૨૮ ટકાના સ્લેબમાંથી ૧૮ ટકાના સ્લેબમાં મુકાઇ છે તેમ છતાંય કંપનીઓ જૂના રેટ ઉપર જ જીએસટી ચાર્જ કરી રહી છે.

મોટર કોમ્પોનન્ટ્સ એચએસએન કોડ ૮૭૦૮ અંતર્ગત ૨૮ ટકાના સ્લેબમાં આવે છે, પરંતુ કાઉન્સિલે કેટલીક ખાસ મોટર કોમ્પોનન્ટ્સ ચીજવસ્તુને ૧૮ ટકાના ટેકસ સ્લેબમાં રાખી છે. તેમ છતાંય કંપનીઓ ૨૮ ટકાના દરે જીએસટી લાદી રહી છે. ઇલેકિટ્રક લાઇટિંગનો એચએસએન કોડ ૮૫૧૨, ફ્રિકસન મટીરિયલ્સ ૬૮૧૩, બિયરિંગ હાઉસિંગ ૮૪૮૩, ગાસ્ગેટ્સ ૮૪૮૪, બેઝ મેટલ માઉન્ટિંગ૮૩૦૨, રિયર વ્યૂ મિરર ૭૦૦૯, બીમ લેમ્પ યુનિટ ૮૫૩૯, ઇન્સ્યુલેટેડ વાયર ૮૫૪૪ સહિત કેટલીક ઓટો પાર્ટ્સ એસેસરિઝ આઇટમ્સ છે, જેના પર કાઉન્સિલે જીએસટી ઘટાડીને ૧૮ ટકા કર્યો છે તેમ છતાં કંપનીઓ ૨૮ ટકાના દરે જ જીએસટી વસૂલી રહી છે.

આ અંગે ઓટો ટ્રેડ ઇન્ડસ્ટ્રીઝે કાઉન્સિલમાં તાકીદ પણ કરી છે. તેમના કહેવા પ્રમાણે ઓટો પાર્ટ્સ અને એસેસરિઝમાં કેટલીક ચીજવસ્તુ એવી છે કે જેને રેટમાં ૧૦ ટકાનો ઘટાડો કરાયો હોવા છતાં હજુ પણ કંપનીઓ ૨૮ ટકાના દરે જ જીએસટી લઇ રહી છે, જેનો લાભ ગ્રાહકોને મળતો નથી.

 

(9:47 am IST)