Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd November 2022

ખાદ્યતેલ પર લાગતી સ્ટોક લિમિટ પરનો પ્રતિબંધ હટાવી લેવાયો

ખાદ્ય તેલનાં ભાવમાં સતત નરમાઈથી સરકારનો નિર્ણય : હવે જથ્થાબંધ વેપારીઓ-મોટા ચેઈન રિટેલર્સો તેમની મરજી પ્રમાણે ખાદ્યતેલ, તેલિબિયાને જમા કરાવી શકશે

નવી દિલ્હી, તા.૨ : ખાદ્યતેલના ભાવમાં સતત નરમાઈને જોતા મોદી સરકારે એક મોટો નિર્ણય લીધો છે. સરકારે લગભગ એક વર્ષ પછી ખાદ્યતેલ પર લાગતી સ્ટોક લિમિટ પરના પ્રતિબંધને ખતમ કરી દીધો છે. હવે જથ્થાબંધ વેપારીઓ અને મોટા ચેઈન રિટેલર્સો તેમની મરજી પ્રમાણે ખાદ્યતેલ અને તેલિબિયાને જમા કરાવી શકશે. વૈશ્વિક માર્કેટમાં પણ ખાદ્યતેલ અને તેલીબિયાંની કિંમતોમાં નરમી આવી છે, જેનો ફાયદો સ્થાનિક બજારને મળી રહ્યો છે. આ પહેલા કેન્દ્ર સરકારે ઓક્ટોબર, ૨૦૨૧માં ખાદ્યતેલ અને તેલીબિયાં પાકોની સંગ્રહ મર્યાદા નક્કી કરી હતી અન નક્કી મર્યાદાથી વધારે તેલનો સંગ્રહ કરવા પર રોક લગાવી દીધી હતી. ત્યારે વૈશ્વિક અને સ્થાનિક બજારમાં ખાદ્યતેલ તેમજ તેલીબિયાંની વધતી કિંમતો પર પકડ મેળવવા માટે સરકારે રિમૂવલ ઓફ લાઈસેન્સિંગ રિક્વાયરમેન્ટ હેઠશ ૮ ઓક્ટોબર, ૨૦૨૧થી ખાદ્યતેલ તેમજ તેલીબિયાંની સંગ્રહ મર્યાદા નક્કી કરી દીધી હતી. આ આદેશ હેઠળ સરકારે ખાદ્ય તેલ અને તેલીબિયાંની ઉપલબ્ઘતા અને વપરાશના આધાર પર તેની મર્યાદા નક્કી કરવાનો અધિકાર રાજ્યો તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશોને આપ્યો હતો.

ગત વર્ષે વૈશ્વિક બજારામાં ખાદ્ય તેલ અને તેલીબિંયાની કિંમતોમાં અચાનક વધારો થવાનું શરૃ થયો હતો અને રશિયા-યૂક્રેન યુદ્ધના કારણે તેનો પુરવઠો પણ ખોરવાઈ ગયો હતો. તેનાથી સ્થાનિક બજારમાં પણ તેની કિંમતો સતત વધતી ગઈ અને સંગ્રહખોરી તેમજ બ્લેક માર્કેટિંગની આશંકા વધવા લાગી. એવામાં સરકારે હસ્તક્ષેપ કર્યો અને ખાદ્યતેલ તેમજ તેલીબિયાંની સંગ્રહ મર્યાદા નક્કી કરી દીધી. જેથી સંગ્રહખોરી ન થઈ શકે અને કિંમતોને ફરીથી ઘટાડી શકાય.

સરકારે સંગ્રહ મર્યાદા હટાવ્યા બાદ હવે જથ્થાબંધ વેપારી અને મોટા રિટેલરો તેમની પાસે વધારે માત્રામાં ખાદ્યતેલનો સંગ્રહ રાખી શકશે અને બજારમાં સારી સપ્લાયને કારણે તેની કિંમતો પરનું ભારણ ઘટશે. ગત કેટલાક દિવસોથી ખાદ્યતેલના ભાવ ઘટ્યા છે અને આ પગલાને કારણે કિંમતોમાં પણ ઘટાડો આવી શકે છે. હવે દુકાનદાર વિવિધ જાતોના ખાદ્યતેલનો ભંડાર રાખી શકશે, જેનો લાભ ગ્રાહકોને મળશે. સરકારનો આ આદેશ તાત્કાલિક પ્રભાવખી લાગુ થઈ ગયો છે.

વૈશ્વિક બજારમાં ખાદ્યતેલોના પુરવઠામાં વિક્ષેપ અથવા તેની કિંમતોમાં વધારે-ઘટાડો થવાથી ભારત પર તાત્કાલિક અને સીધી અસર પડે છે. વાસ્તવમાં, ભારત પૂરી દુનિયામાં ખાદ્ય તેલોનો સૌથી મોટો ખરીદદાર છે. તેને તેની જરૃરિયાતના લગભગ ૬૦ ટકા વિદેશમાંથી આયાત કરવો પડે છે. આવા વૈશ્વિક બજારમાં થયેલા કોઈ પણ ફેરફારની ભારતીય ગ્રાહકો પર સીધી અસર થશે.

(8:03 pm IST)