Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd November 2022

ભારતે બાંગ્લાદેશને ડકવર્થ લુઇસ નિયમ પ્રમાણે 5 રને હરાવ્યું : ટીમ ઇન્ડિયા પોતાના ગ્રુપમાં ટોપ પર પહોચી

હવે ભારત ઝિમ્બાબ્વેને હરાવીને આસાનીથી સેમિ ફાઇનલમાં પહોચી શકે

મુંબઈ : ટી-20 વર્લ્ડકપ 2022માં ભારતે બાંગ્લાદેશને ડકવર્થ લુઇસ નિયમ પ્રમાણે 5 રને હરાવ્યું હતું. એડિલેડ ઓવલમાં રમાયેલી મેચમાં ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 6 વિકેટે 184 રન બનાવ્યા હતા. તે બાદ વરસાદને કારણે બાંગ્લાદેશને 16 ઓવરમાં 151 રનનો પડકાર મળ્યો હતો પરંતુ તે 6 વિકેટે 145 રન જ બનાવી શકી હતી. બાંગ્લાદેશ સામે જીત મેળવ્યા બાદ ભારતીય ટીમ પોતાના ગ્રુપમાં ટોપ પર પહોચી ગઇ છે અને તેની માટે સેમિ ફાઇનલમાં પહોચવાની રાહ આસાન થઇ ગઇ છે.

હવે ભારત ઝિમ્બાબ્વેને હરાવીને આસાનીથી સેમિ ફાઇનલમાં પહોચી શકે છે. ઝિમ્બાબ્વે વિરૂદ્ધ જીત મેળવવા પર ભારતના આઠ પોઇન્ટ થઇ જશે, જ્યા સુધી પાકિસ્તાન અને બાંગ્લાદેશ માટે પહોચવુ અશક્ય છે. જો ભારત ઝિમ્બાબ્વે સામે હારે છે તો પછી બાંગ્લાદેશ અથવા પાકિસ્તાન સાથે નેટ-રન રેટ પર નજર રહેશે.

ભારત તરફથી વિરાટ કોહલીએ સૌથી વધુ 44 બોલમાં અણનમ 64 રન બનાવ્યા હતા. આ દરમિયાન 8 ફોર અને એક સિક્સર ફટકારી હતી. જ્યારે લોકેશ રાહુલે 32 બોલમાં 4 સિક્સર અને 3 ફોરની મદદથી 50 રન બનાવ્યા હતા. સૂર્યકુમાર યાદવે 30 રનની ઇનિંગ રમી હતી.

બાંગ્લાદેશ તરફથી ઓપનર લિટન દાસે આક્રમક રમત રમી હતી. લિટન દાસે 27 બોલમાં 7 ફોર અને 3 સિક્સરની મદદથી 60 રન બનાવ્યા હતા જ્યારે નુરૂલ હસને 14 બોલમાં 2 ફોર અને 1 સિક્સરની મદદથી અણનમ 25 રન બનાવ્યા હતા. જોકે, તે પોતાની ટીમને જીત અપાવી શક્યો નહતો.

અંતિમ ઓવરનો રોમાંચ

બોલર: અર્શદીપ સિંહ
બેટ્સમેન: નુરૂલ હસન, તસ્કીન અહેમદ
અંતિમ ઓવરમાં રન: 6 બોલમાં 20 રન

પ્રથમ બોલ: તસ્કીન અહેમદે 1 રન લીધો (5 બોલમાં 19 રનની જરૂર)
બીજો બોલ: નુરૂલ હસને 6 રન ફટકાર્યા (4 બોલમાં 13 રનની જરૂર)
ત્રીજો બોલ: કોઇ રન ના આવ્યો (3 બોલમાં 13 રનની જરૂર)
ચોથો બોલ: નુરૂલ હસને 2 રન લીધા (2 બોલમાં 11 રનની જરૂર)
પાંચમો બોલ: નુરૂલ હસને 4 રન ફટકાર્યા (1 બોલમાં 7 રનની જરૂર)
અંતિમ બોલ: નુરૂલ હસને 1 રન લીધો (ભારત 5 રને મેચ જીતી ગયુ)

બાંગ્લાદેશ વિરૂદ્ધ ભારતની જીતનો અર્થ આ છે કે પાકિસ્તાનની ટીમની સફર હવે મુશ્કેલ બની ગઇ છે. પાકિસ્તાન જો દક્ષિણ આફ્રિકા સામે મેચ હારે છે તો બાબર બ્રિગેડ સ્પર્ધામાંથી બહાર થઇ જશે. પાકિસ્તાન સાઉથ આફ્રિકા અને બાંગ્લાદેશ સામે મેચ જીતે છે તો પણ તેના છ પોઇન્ટ રહેશે.

એવામાં પાકિસ્તાન આશા કરશએ કે ઝિમ્બાબ્વે બાંગ્લાદેશને, જ્યારે નેધરલેન્ડ દક્ષિણ આફ્રિકાને હરાવે. આવી સ્થિતિમાં તે દક્ષિણ આફ્રિકાના અંકના આધાર પર પાછળ છોડી શકે છે અથવા ભારત સાથે તેની નેટ-રનરેટ સારી બની શકે છે. કુલ મળીને કહીએ તો બાંગ્લાદેશ વિરૂદ્ધ ભારતની જીતને કારણે પાકિસ્તાનનું સેમિ ફાઇનલમાં પહોચવુ મુશ્કેલ બની ગયુ છે.

(7:09 pm IST)