Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

૮ નવેમ્બરથી કેન્દ્રના બધા જ કર્મચારીઓની બાયોમેટ્રિક હાજરી શરૂ કરાશે

નવી દિલ્હી,તા.૨:  પોતાના બધા જ કર્મચારીઓની ૮ નવેમ્બરથી બાયોમેટ્રિક હાજરી શરૂ કરવાનો નિર્ણય કેન્દ્ર સરકારે લીધો હતો.

પર્સોનેલ મંત્રાલયે સોમવારે જણાવ્યું હતું કે બાયોમેટ્રિક મશીનોની નજીક સેનિટાઇઝર્સ ફરજિયાત ગોઠવવાની અને બધા જ કર્મચારીઓ હાજરી પૂરવા અગાઉ અને પૂર્યા બાદ પોતાના હાથ સેનિટાઇઝ કરે એ જવાબદારી વિભાગ પ્રમુખની રહેશે.

અગાઉ કોરોના વાઇરસના રોગચાળાને ધ્યાનમાં લઇને કર્મચારીઓને બાયોમેટ્રિક હાજરી પૂરવામાંથી છૂટ આપવામાં આવી હતી.

મંત્રાલયે પોતાના આદેશમાં વધુમાં જણાવ્યું હતું કે હાજરી પૂરાવતી વખતે બધા જ કર્મચારીઓએ વ્યકિતગત છ ફૂટનું અંતર જાળવવાનું રહેશે. ગિરદી ન થાય એ માટે જો જરૂર હોય તો વધારાના બાયોમેટ્રિક મશીન બેસાડવાના રહેશે.

બધા જ કર્મચારીએ હાજરી પૂરવા માટે રાહ જોવા સહિત સંપૂર્ણ સમય દરમિયાન સતત માસ્ક અથવા ફેસ કવર્સ પહેરવાના રહેશે.

શકય હોય ત્યાં સુધી બેઠકો વીડિયો કોન્ફરન્સિંગ યોજવી અને જાહેર હિતમાં શકય હોય ત્યાં સુધી મુલાકાતીઓ સાથેની વ્યકિતગત બેઠક ટાળવી.

બધા જ અધિકારીઓ અને અન્ય સ્ટાફ સભ્યોએ કાર્યાલયમાં હાજરી દરમિયાન કોવિડની માર્ગદર્શિકાનું પાલન કરવાનું રહેશે.

(10:49 am IST)