Gujarati News

Gujarati News

News of Monday, 2nd November 2020

આનંદો... લગ્ન સમારંભમાં હવે ૨૦૦ લોકો હાજર રહી શકશે

ગુજરાતની રૂપાણી સરકારનો મહત્વનો નિર્ણયઃ અગાઉ ૧૦૦ લોકોની મંજૂરીનો નિર્ણય હતોઃ સરકારે આપી છૂટછાટ :જોકે તમામ લોકોએ માસ્ક પહેરવાનું રહેશેઃ સોશ્યલ ડિસ્ટન્સના નિયમોનું પાલન કરવાનું રહેશેઃ બંધ હોલના કેસમાં હોલની ક્ષમતાના ૫૦ ટકા સુધી લોકોને હાજર રહેવા માટે છૂટ અપાશે

અમદાવાદઃ તા.૨, લગ્ન સમારંભ મામલે રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. જેના પગલે હવે લગ્ન સમારંભમાં ૨૦૦ લોકો હાજર રહી શકશે. કેન્દ્ર સરકારની ગાઇડલાઇનને પગલે રાજયમાં આ અંગે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.     એટલુ જ નહિ આ માર્ગદર્શિકાનો અમલ આવતીકાલ એટલે કે ત્રીજી નવેમ્બરથી કરવામાં આવશે. આ ઉપરાંત બંધ હોલમાં લગ્ન સમારંભ યોજવા પર કેટલા લોકો હાજર રહી શકશે તેની જાહેરાત કરવામાં આવી છે. 

કેન્દ્ર સરકારની કોરોના અંગેની માર્ગદર્શિકાના પગલે ગુજરાત સરકારે લગ્ન સમારંભમાં ૧૦૦ને બદલે ૨૦૦ લોકો હાજર રહી શકશે તેવો મહત્ત્વનો નિર્ણય કર્યો છે. જોકે, અહીં તમામ લોકોએ માસ્ક પહેરવાનું રહેશે તેમ સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમનું પાલન કરવું પડશે. આ ઉપરાંત બંધ હોલ હોય તેવા કેસમાં હોલની કેપેસિટીના ૫૦ ટકા સુધી લોકોને હાજર રહેવા માટે છૂટ આપવામાં આવશે. સરળ ભાષામાં કહીએ તો હોલની જેટલા લોકોને સમાવવાની ક્ષમતા હશે તેનાથી અડધા લોકો લગ્ન સમારંભમાં હાજર રહી શકશે.

 ઉલ્લેખનીય છે કે ૧૬મી ઓકટોબર ૨૦૨૦થી રાજય સરકારે તહેવારો માટે માર્ગદર્શિકા જાહેર કરી છે. જે પ્રમાણે આ વર્ષે કયાંક પણ નવરાત્રીના આયોજનની છૂટ આપવામાં આવી ન હતી. આ ઉપરાંત સરકારે દિવાળી, બેસતા વર્ષ નૂતન વર્ષના સ્નેહમિલન, ભાઈ બીજ શરદપૂર્ણિમા જેવા ઉત્સવો-પૂજા ઘરમાં રહીને પરિવારના સભ્યો સાથે કરવાની સલાહ આપી છે.

 આ પહેલા સરકારે જાહેર કરી હતી કે કન્ટેન્ટમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં સામાજિક, શૈક્ષણિક રમત ગમત, મનોરંજન, સાંસ્કૃતિક પ્રવૃત્ત્િ।ઓ, ધાર્મિક સમારોહના આયોજનમાં પણ કેટલીક ચોક્ક્સ શરતોને આધીન પરવાનગી અપાશે. પરંતુ અહીં છ ફૂટની દૂરી સાથેનું ફિઝિકલ ડિસ્ટન્સિંગ અને તે માટે ફ્લોર માર્કિંગ કરવાનું રહેશે.

સમગ્ર સમારંભ દરમિયાન ચહેરાને યોગ્ય રીતે તમામ સમયે ઢાંકી રાખવો પડશે. થર્મલ સ્કેનર, સેનિટાઇઝર સાથે ઓકસી મીટરની સુવિધા તેમજ સ્ટેજ, માઇક, ખુરશીને સમયાંતરે સેનિટાઇઝ કરવાના રહેશે. હેન્ડવોશ, સેનિટાઇઝરની સુવિધાનો તમામે ફરજિયાત અમલ કરવાનો રહેશે. સમારંભ દરમિયાન થૂકવા તેમજ પાન-મસાલા ગુટખા સેવન પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.

(3:02 pm IST)