Gujarati News

Gujarati News

News of Monday, 2nd November 2020

અર્થતંત્રની ગાડી પાટે ચડી :આઠ મહિના પછી GST કલેક્શન એક લાખ કરોડને પાર પહોંચ્યું

ઓક્ટોબરમાં કુલ 1,05,155 કરોડ રૂપિયાનું GST કલેક્શન

નવી દિલ્હીઃ દેશના અર્થતંત્રની ગાડી પાટે ચડી રહી હોવાના સંકેત મળ્યા છે.  ફેબ્રુઆરી પછી દેશમાં પ્રથમ વખત GST કલેક્શનનો આંકડો એક લાખ કરોડને પાર કરી ગયો છે. નાણા મંત્રાલયે આ જાણકારી આપી હતી

 

ફેબ્રુઆરી પછી દેશમાં પહેલી વખત GST કલેક્શનનો આંકડો એક લાખ કરોડ પાર પહોંચી ગયો છે.નાણા મંત્રાલયે જણાવ્યું હતું કે સરકારને ઓક્ટોબરમાં કુલ 1,05,155 કરોડ રૂપિયાનું GST કલેક્શન મળ્યું છે. તેમા CGST 19,193 કરોડ રૂપિયા, SGST 25,411 કરોડ રૂપિયા IGST 52,540 કરોડ રૂપિયા થયું છે.

સરકારના જણાવ્યા મુજબ GST કલેક્શન ગયા વર્ષના સમાન સમયગાળાની તુલનાએ દસ ટકા વધારે રહ્યુ છે. ઓક્ટોબર 2019માં GST કલેક્શન 95,379 કરોડ રૂપિયા હતુ.અત્રે  ઉલ્લેખનીય છે કે કોરોના રોગચાળાને રોકવા માટે લાદવામાં આવેલા લોકડાઉનના લીધે આઠ મહિના જેટલા સમયગાળા સુધી GST કલેક્શન એક લાખ કરોડની નીચે રહ્યું હતું.

આ સિવાય સેસ પેટે 8,011 કરોડની આવક થઈ હતી. તેમાથી 932 કરોડનો વેરો આયાતી માલસામગ્રી દ્વારા મેળવવામાં આવ્યો હતો. આ સિવાય ઓક્ટોબરમાં કુલ 80 લાખ GSTR-3B રિટર્ન ફાઇલ કરવામાં આવ્યા હતા. ઓક્ટોબર 2020ની આવક ગયા વર્ષના સમાન સમયગાળામાં 95,379 કરોડની આવકની તુલનાએ દસ ટકા વધારે હતી. તેનું કારણ સ્થાનિક વ્યવહારોમાંથી થતી આવકમાં દસ ટકા અને માલસામગ્રીની આયાતમાંથી થતી આવકમાં 9 ટકા વધારો થયો તે હતું.

સરકારે સીજીએસટી પેટે 25,091 કરોડ અને એસજીએસટી પેટે 19,427 કરોડ આઇજીએસટીમાંથી સેટલ કર્યા હતા. મંત્રાલયે જણાવ્યું હતું કે ઓક્ટોબરના રેગ્યુલર સેટલમેન્ટ પછી કેન્દ્ર અને રાજ્ય સરકારોની ઓક્ટોબરમાં સીજીએસટી પેટે કુલ આવક 44,285 કરોડ અને એસજીએસટી પેટે કુલ આવક 44,839 કરોડ થઈ હતી.

મંત્રાલયે જણાવ્યું હતું કે જીએસટી આવકની વૃદ્ધિમાં જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં -14 ટકા, -8 ટકા અને પાંચ ટકા રહી હતી. જ્યારે જુન, જુલાઈ અને ઓગસ્ટનું કલેક્શન 90,917 કરોડ, 87,422 કરોડ અને 86,449 કરોડ થયુ હતું. જીએસટી કલેક્શનમાં ઓક્ટોબર 2020માં સૌથી વધુ વૃદ્ધિ નોંધાવનારામાં જોઈએ તો અરૂણાચલ પ્રદેશે 138 ટકા, દાદરા અને નગર હવેલીએ 115 ટકા અને મિઝોરમે 72 ટકા વૃદ્ધિ નોંધાવી હતી. તેની સામે દિલ્હીએ પાંચ ટકા ઘટાડો અને મહારાષ્ટ્રે પાંચ ટકાનો સામાન્ય ઊછાળો નોંધાવ્યો હતો.

(8:10 am IST)