Gujarati News

Gujarati News

News of Saturday, 2nd November 2019

મધ્યપ્રદેશમાં ભાજપને ફટકો :કોર્ટના ચુકાદા બાદ પ્રહલાદ લોધીનું ધારાસભય પદ છીનવાયુ : પવઈની સીટ ખાલી

ધારાસભ્ય પહલાદ લોધી સહિત 12 લોકોને ભોપાલની એક વિશેષ અદાલતે બે વર્ષની જેલની સજા સંભળાવી

 

ભોપાલઃ મધ્યપ્રદેશમાં ભાજપને ફટકો પડ્યો છે પન્ના જિલ્લાની પવઈ વિધાનસભા સીટ ખાલી થઈ  છે. કોર્ટના એક ચૂકાદા પછી મધ્યપ્રદેશ વિધાનસભા સચિવાલે પવઈ સીટ ખાલી થવાની જાહેરાત કરી છે. ભાજપના ધારાસભ્ય પ્રહલાદ લોધીનું વિધાનસભા સભ્યપદ શૂન્ય જાહેર કરાયું છે. જેના કારણે ભાજપને રાજ્યમાં મોટો ફટકો પડ્યો છે.

 પન્નાની પવઈ વિધાનસભા સીટ પરથી ચૂંટાયેલા ભાજપના ધારાસભ્ય પહલાદ લોધી સહિત 12 લોકોને ભોપાલની એક વિશેષ અદાલતે બે વર્ષની જેલની સજા સંભળાવી છે. અદાલતે દરેકને રૂ.3,500નો દંડ પણ ફટકાર્યો છે. જોકે, સજા મળ્યા પછી ભાજપના ધારાસભ્યને જામીન પણ મળી ગયા છે. પ્રહલાદ લોધી પર આરોપ છે કે, તેમણે રેતી ખનન સામે કાર્યવાહી કરી રહેલા તલાટી સાથે મારપીટ કરી હતી અને અપશબ્દોનો પ્રયોગ કર્યો હતો.

2014માં પન્ના જિલ્લાના રેપુરા તાલુકામાં નોનીલાલ લોધી ગેરકાયદે રેતી ખનનમાં પકડાયો હતો. ગેરકાયદે રેતી ખનન અટકાવવા માટે તલાટી ત્યાં પહોંચ્યા હતા. આ દરમિયાન ભાજપના ધારાસભ્ય પ્રહલાદ લોધી પણ પોતાના સમર્થકો સાથે ત્યાં પહોંચી ગયા હતા. અહીં સરકારી કાર્યવાહીનો વિરોધ કરતાં પ્રહલાદ લોધી અને તેમના સમર્થકોએ તલાટી સાથે મારપીટ કરી હતી અને અભદ્ર વ્યવહાર કર્યો હતો.

તલાટીની ફરિયાદના આધારે પોલીસે ભાજપના ધારાસભ્ય સહિત 12 લોકો સામે કેસ દાખળ કર્યો હતો. જેના અનુસંધાને કોર્ટે ભાજપના ધારાસભ્ય સહિત તમામ લોકોને 2 વર્ષની જેલની સજા ફટકારી છે.

(12:43 am IST)