Gujarati News

Gujarati News

News of Saturday, 2nd November 2019

દરેક ભારતીયને બેંક ખાતા-વિજળી કનેક્શનથી જોડાયા

થાઈલેન્ડમાં સ્વાસ્દી મોદીમાં વડાપ્રધાનનું સંબોધનઃ ભારતીય સમુદાયના લોકોને સંબોધનમાં કેન્દ્ર સરકારની સિદ્ધિઓની વાત કરી : કલમ ૩૭૦નો વિશેષરીતે ઉલ્લેખ

બેંગકોક, તા. ૨: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકામાં હ્યુસ્ટનમાં થયેલા હાઉડી મોદી કાર્યક્રમની જેમ જ આજે થાઈલેન્ડના પાટનગર બેંગકોકના મિમિબુત્ર સ્ટેડિયમમાં સ્વાસ્દી મોદી કાર્યક્રમને સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન મોદીએ પોતાની સરકારની સિદ્ધિઓને ગણાવી હતી. સાથે સાથે કલમ ૩૭૦ને ખતમ કરવાનો ખાસ અંદાજમાં ઉલ્લેખ કર્યો હતો. ભારતીય મૂળના લોકોને સંબોધન કરતા મોદીએ થાઈલેન્ડની સાથે ભારતના હજારો વર્ષના ઐતિહાસિક સંબંધોનો ઉલ્લેખ કર્યો હતો. થાઈ ભાષાના શબ્દ સ્વાસ્દીનો ઉપયોગ અભિવાદન માટે કરવામાં આવે છે. મોદીએ પોતાની સરકારની સિદ્ધિઓનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે, છેલ્લા પાંચ વર્ષની સિદ્ધિઓને લઇને દુનિયાભરમાં ભારતીય મૂળના લોકો ગર્વ અનુભવ કરી રહ્યા છે. દુનિયાભરમાં ભારતીય મૂળના લોકો ગર્વ સાથે ભારતીય મૂળના હોવાની વાત કરી રહ્યા છે. છેલ્લા ૬૦ વર્ષ બાદ ભારતમાં કોઇ સરકાર પાંચ વર્ષની અવધિ પૂર્ણ કર્યા બાદ પણ અગાઉ કરતા વધુ બહુમતિ સાથે સત્તામાં આવી છે. ભારતીયોને છઠ પર્વની શુભેચ્છા પણ આ પ્રસંગે આપી હતી. ત્રણ દિવસની યાત્રાએ બેંગકોક પહોંચેલા મોદી આવતીકાલે આશિયાનની બેઠકમાં ભાગ લેશે. બેઠકમાં અનેક દ્વિપક્ષીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દા પર ચર્ચા થશે. તેમણે કહ્યું હતું કે, થાઈલેન્ડમાં તેમની વચ્ચે આવીને ખુશી અનુભવ થઇ રહી છે. ભારતીય મૂળના લોકો નહીં બલ્કે થાઈલેન્ડમાં ભારતીયો હવે ફેલાઈ ચુક્યા છે. થાઈલેન્ડમાં ભોજનમાં, પરંપરામાં, આર્કિટ્રેક્ચરમાં ભારતીય રંગ નજરે પડે છે. સમગ્ર દુનિયામાં હાલમાં જ દિવાળી પર્વની ઉજવણી કરવામાં આવી છે. થાઇલેન્ડમાં પણ પૂર્વાંચલમાંથી મોટી સંખ્યામાં લોકો આવેલા છે. થાઇલેન્ડની પોતાની પ્રથમ સત્તાવાર યાત્રાની મોદીએ વાત કરી હતી. ત્રણ વર્ષ પહેલા થાઈલેન્ડના નરેશના અવસાન પર તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચ્યા હતા. આજે વર્તમાન નરેશ અને વડાપ્રધાનના આમંત્રણ પર અહીં પહોંચ્યા છે. તેઓ સંપૂર્ણ રાજ પરિવાર અને થાઇલેન્ડના મિત્રોને ભારતના ૧.૩ અબજ લોકો તરફથી શુભેચ્છા પાઠવે છે. થાઈલેન્ડના રાજપરિવારના ભારત પ્રત્યે ખાસ સંબંધો રહેલા છે. રાજકુમારી થમીચક્રમ પોતે સંસ્કૃત ભાષામાં વિદ્વાન છે. તેમને પદ્મભૂષણ અને સંસ્કૃતના સન્માનથી ભારતે તેમના પ્રત્યે આભાર વ્યક્ત કર્યો છે. બંને દેશો વચ્ચે સંબંધ ખુબ મજબૂત રહ્યા છે. ઇતિહાસની દરેક તારીખે દરેક ઘટનાએ સંબંધોને મજબૂત કર્યા છે. કલા, વિજ્ઞાન, સંગીત, ભાષા અને સાહિત્યના ક્ષેત્રમાં બંને દેશો એકસાથે જોડાયેલા છે. ભગવાન રામની મર્યાદા અને ભગવાન બુદ્ધની કરૂણા બંને અમારી સંયુક્ત વિરાસત છે. કરોડો ભારતીયોના જીવન એકબાજુ રામાયણથી પ્રેરિત છે જ્યારે થાઇલેન્ડમાં રામાકીયનની પ્રેરણા છે. ભારતની અયોધ્યા નગરી થાઈલેન્ડમાં અથુકિયા થઇ જાય છે. ગરુડ પ્રત્યે થાઇલેન્ડમાં અતુટ વિશ્વાસ અને શ્રદ્ધા છે. ભારતીય સમુદાયને મળવાની તેમને વારંવાર તક મળી રહી છે. વિશ્વમાં જ્યાં પણ ભારતીયો છે ત્યાં લોકો હવે ભારતમાં શું થઇ રહ્યું છે તે અંગે માહિતી મેળવતા રહે છે. પાંચ વર્ષની સિદ્ધિઓ અદ્ભુત રહી છે જેના લીધે ભારતીયો વધુ ગર્વ અનુભવ કરી રહ્યા છે. હાલમાં લોકશાહી ચૂંટણી યોજાઈ હતી જેની વાત કરતા મોદીએ કહ્યું હતું કે, તીવ્ર ગરમીની સ્થિતિમાં ૬૦ કરોડ મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. પ્રથમ વખત મહિલા મતદારોની સંખ્યા હવે પુરુષોની સમાન પહોંચી ગઈ છે. પહેલા કરતા વધારે સાંસદો મહિલા તરીકે લોકસભામાં ચૂંટાઈને આવી છે.

ભારતે પોતે ખુલ્લામાં શૌચથી મુક્ત જાહેર કરી દીધું છે. ભારતમાં હવે ગરીબથી ગરીબના રસોડા ધુમાડાથી મુક્ત થઇ રહ્યા છે. આઠ કરોડ ઘરને ત્રણ વર્ષથી ઓછા સમયગાળામાં મફત એલપીજી કનેક્શન આપ્યા છે. આઠ કરોડની સંખ્યા થાઇલેન્ડની વસતી કરતા પણ વધારે છે. હેલ્થકેર સ્કીમ આયુષ્યમાન ભારત હેઠળ ૫૦ કરોડ ભારતીયોને પાંચ લાખ રૂપિયાની મફત સારવાર આપવામાં આવી રહી છે. છેલ્લા પાંચ વર્ષમાં દરેક ભારતીયોના બેંક ખાતા અને વિજળી કનેક્શનથી જોડી દેવામાં આવ્યા છે.

(9:17 pm IST)