Gujarati News

Gujarati News

News of Saturday, 2nd November 2019

કરતારપુર કોરિડોર : નવજોત સિદ્ધૂએ પાક જવાની લીલીઝંડી માંગી

પાકિસ્તાન સરકાર તરફથી સિદ્ધૂને આમંત્રણ મળ્યું : વિદેશ મંત્રાલયને પત્ર લખી સિદ્ધૂએ મંજુરી માંગી : રિપોર્ટ

ચંદીગઢ, તા. ૨ : ભારત અને પાકિસ્તાનમાં ઐતિહાસિક કરતારપુર કોરિડોરમાં ઉદ્ઘાટનની તૈયારી જોરશોરથી ચાલી રહી છે. પાકિસ્તાને કોંગ્રેસી નેતા અને પંજાબ સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી નવજોત સિદ્ધૂને પણ આમંત્રણ મોકલ્યું છે. સિદ્ધૂએ વિદેશ મંત્રાલયને પત્ર લખીને પાકિસ્તાન જવાની મંજુરી માંગી છે. એટલું જ નહીં પૂર્વ ક્રિકેટરે પંજાબના મુખ્યમંત્રી અમરિન્દરસિંહ પાસેથી પણ આ સંદર્ભમાં પરવાનગી માંગી છે. આ પહેલા સિદ્ધૂના પત્નિ નવજોતકૌર સિદ્ધૂએ પાકિસ્તાનથી આમંત્રણ મળ્યું હોવાની વાત કબૂલી હતી. સિદ્ધૂએ વિદેશમંત્રી જયશંકરને સંબોધીને લખેલા પત્રમાં પાકિસ્તાન જવાની અપીલ કરી છે. સિદ્ધૂએ પત્રમાં લખ્યું છે કે, કરતારપુર સાહિબ કોરિડોરના ઉદ્ઘાટન કાર્યક્રમમાં પાકિસ્તાન સરકારે તેમને આમંત્રણ આપ્યું છે. એક શીખ હોવાના કારણે પોતાના મહાનગુરુ બાબા નાનક પ્રત્યે શ્રદ્ધા અર્પીત કરવા માટે સન્માન મળવાની બાબત ખુબ મોટી બાબત છે.

            પોતાની જડો સાથે જોડાવવાનો આ ઐતિહાસિક પ્રસંગ છે જેથી પાકિસ્તાન જવાની મંજુરી આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. સિદ્ધૂએ પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દરસિંહને પણ આ સંબંધમાં પત્ર લખીને રજૂઆત કરી છે. પત્રમાં સિદ્ધૂએ કહ્યું છે કે, તેઓ ધ્યાન અપાવવા માંગે છે કે, પાકિસ્તાન સરકાર તરફથી તેમને આમંત્રણ આપવામાં આવ્યું છે. નવજોતકૌરે તે પહેલા કહ્યું હતું કે, પાકિસ્તાનના વડાપ્રધાન તરફથી કાર્યક્રમમાં આવવા માટેનું આમંત્રણ મળ્યું છે. જો મંજુરી મળશે તો ચોક્કસપણે જશે. સિદ્ધૂની પાકિસ્તાન યાત્રા હંમેશા ચર્ચામાં રહી છે. ભારતમાં વિપક્ષી નેતા તેમના પર હંમેશા પ્રહાર કરતા રહ્યા છે. નવમીના દિવસે કરતારપુર કોરિડોરનું ઉદ્ઘાટન કરવામાં આવનાર છે. પાકિસ્તાન સરકારે ભારતમાંથી કરતારપુરની તિર્થ યાત્રા માટે શીખ માટે એરપોર્ટની કેટલીક બાબતોને દૂર કરી છે.

(7:45 pm IST)