Gujarati News

Gujarati News

News of Saturday, 2nd November 2019

બંગાળના ખેડૂતોને પીએમ કિસાનનો લાભ મળ્યો નથી

બંગાળના ૭૦ લાખથી વધુ ખેડૂતો લાભથી વંચિત : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે મમતા બેનર્જીની ખેંચતાણના લીધે રાજ્યના ખેડૂતો પીએમ સન્માન નિધિના લાભોથી વંચિત રહ્યા છે

નવીદિલ્હી, તા. ૨ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પસંદગીની યોજના પીએમ કિસાન સન્માન નિધિનો લાભ દેશભરના ખેડૂતો મેળવી રહ્યા છે પરંતુ પશ્ચિમ બંગાળના ૭૦ લાખથી વધુ ખેડૂતો આ લાભથી વંચિત દેખાઈ રહ્યા છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની આ યોજના પર આપત્તિને લઇને પ્રદેશમાં આ યોજના લાગૂ કરી શકાય નથી. શરૂઆતમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ પીએમ કિસાન યોજનાના અગ્રણી વિરોધી તરીકે હતા પરંતુ મોડેથી વિચાર બદલીને પીએમ કિસાન સન્માનનિધિ યોજના હેઠળ ખેડૂતોને લાભ અપાવવા માટે મોદીની યોજનાને સ્વીકાર કરી લીધી હતી. મમતા બેનર્જી આ યોજનાના મુખ્ય વિરોધી તરીકે રહ્યા છે જેના લીધે યોજના હજુ સુધી અમલી બની શકી નથી. આ રીતે કેન્દ્ર અને રાજ્ય સરકારની તકરારમાં પશ્ચિમ બંગાળના ખેડૂતો ભારે પરેશાન થયેલા છે. ખેડૂતો લાભથી ભારે વંચિત દેખાઈ રહ્યા છે. પીએમ કિસાન સન્માન નિધિ પોર્ટલ પર નોંધાયેલા ખેડૂતોની માહિતી રાજ્ય સરકારની પાસે મોકલવામાં આવી રહી છે.

                    તપાસની આ પ્રક્રિયાથી પસાર થયા બાદ લાયક ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન યોજનાની રકમ જમા કરવામાં આવે છે. પશ્ચિમ બંગાળના ખેડૂતોને પીએમ કિસાન યોજનાનો લાભ એ વખતે મળી શકશે જ્યારે રાજ્ય સરકાર દ્વારા તેમની કુશળતાની ખાતરી કરશે. મમતા બેનર્જીએ કેન્દ્ર સરકારની યોજના સામે વાંધો ઉઠાવ્યો છે. પીએમ કિસાન સન્માન નિધિનો લાભ દેશના ૭.૨૦ કરોડ ખેડૂતોને મળવા લાગી ગયો છે. હજુ સુધી ૩૩૦૦૦ કરોડ રૂપિયાની ચુકવણી કરવામાં આવી ચુકી છે. પીએમ કિસાન નિધિમાં એક ખેડૂત પરિવારને વાર્ષિક ૬૦૦૦ રૂપિયાની રકમ  ટ્રાન્સફર કરવામાં આવે છે. ત્રણ હપ્તામાં આ રકમ ટ્રાન્સફર કરવામાં આવે છે. દરેક હપ્તામાં ૨૦૦૦ રૂપિયાની રકમ જમા કરવામાં આવે છે.

             ખેડૂતોને આ યોજનાનો લાભ ગયા વર્ષે ડિસેમ્બર મહિનાથી આપવામાં આવી રહ્યો છે જ્યારે ખેડૂતો આ યોજના સાથે જોડાય છે ત્યારે તે યોજના હેઠળ નોંધણી કરાવવાની હોય છે. એ સમયે તેમની યોજનાનો લાભ પણ મળે છે. પશ્ચિમ બંગાળના ખેડૂતો હવે ત્રણ હપ્તામાં છ હજાર રૂપિયાનો લાભ મેળવવાથી વંચિત છે. આ રકમ ખેડૂતોને કૃષિ કામગીરીમાં મદદ કરવા માટે આપવામાં આવે છે જેનો ઉપયોગ તેઓ બિયા અને ખાતરની ખરીદી અને અન્યજરૂરિયાતોને પૂર્ણ કરવા માટે કરે છે. પીએમ કિસાન યોજના દેશભરમાં કરોડો ખેડૂતોને લાભ પહોંચાડી રહી છે. કેટલાક રાજ્યો વિરોધમાં પણ છે.

(7:41 pm IST)