Gujarati News

Gujarati News

News of Saturday, 2nd November 2019

દિલ્હીના તીસ હજારી કોર્ટ સંકુલમાં હિંસા, મારામારી

પોલીસ ગોળીબાર બાદ વકીલો હિંસા પર ઉતર્યા : પોલીસની અનેક ગાડીઓને આગ ચાંપી દેવાઈ : પત્રકારો સાથે પણ મારામારી કરાઈ : અનેક વકીલ-પોલીસ ઘાયલ

નવીદિલ્હી, તા. ૨ : દિલ્હીમાં તીસહજારી કોર્ટ સંકુલમાં દિલ્હી પોલીસ અને વકીલો વચ્ચે આજે હિંસક અથડામણ થઇ હતી જેના કારણે આગ, મિડિયા સાથે મારામારી કરવાના બનાવો બન્યા હતા. ગોળીબારના સમાચાર પણ મળ્યા છે. પાર્કિંગ વિવાદને લઇને આ હોબાળાની શરૂઆત થઇ હતી. વિરોધ પ્રદર્શન વધુ હિંસક બનતા આગ અને મારામારીના બનાવો બન્યા હતા. પોલીસની કેટલીક ગાડીઓને ફૂંકી મારવામાં આવી હતી. આ ગાળા દરમિયાન કવરેજ કરવા પહોંચેલા કેટલાક પત્રકારો સાથે પણ મારામારી કરવામાં આવી હતી. અથડામણમાં કેટલાક વકીલ ઘાયલ થયા હતા જેમને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. પોલીસ અને વકીલો વચ્ચે આ અથડામણ બાદ સંકુલમાં વિસ્ફોટક સ્થિતિ પ્રવર્તી રહી છે. કેટલાક પોલીસ અધિકારીઓ ઉપર પણ હુમલા કરવામાં આવ્યા હતા. ગોળીબારના કારણે સ્થિતિ વધુ ખરાબ થઇ ગઇ હતી. મિડિયા રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે, કેદીઓની એક ગાડીને પણ આગ ચાંપી દેવામાં આવી હતી.

              આગ ઉપર કાબૂ મેળવવા માટે અગ્નિશામક દળની ગાડીઓ સ્થળ પર પહોંચી હતી. વધારાના પોલીસ જવાનોને પણ ગોઠવી દેવામાં આવ્યા હતા. બંને પક્ષોને શાંત કરવાના પ્રયાસો સફળ સાબિત થયા ન હતા. વકીલોએ કોર્ટના પ્રવેશ ઉપર તાળાબંધી કરી હતી. કોઇને પણ પ્રવેશ કરવાની મંજુરી આપી ન હતી. પોલીસની વધુ એક ટીમ પણ કોર્ટ સંકુલમાં એન્ટ્રી કરી ગઈ હતી. મોટી સંખ્યામાં વકીલો નારાબાજી કરતા નજરે પડ્યા હતા. પ્રાપ્ત માહિતી મુજબ વિવાદની શરૂઆત બપોરે ૩ વાગ્યાની આસપાસ લોકઅપની બહાર પોલીસ કર્મી અને વિજય નામના એક વકીલ વચ્ચે બોલાચાલી વચ્ચે શરૂ થઇ હતી. દિલ્હી પોલીસની થર્ડ બટાલિયનમાં તૈનાત એક પોલીસ કર્મીએ ગોળીબાર પણ કરી દીધો હતો.

            ત્યારબાદ વકીલો કોર્ટની બહાર એકત્રિત થયા હતા અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ ગઈ હતી. દિલ્હી બાર કાઉન્સિલના ચેરમેન કેસી મિત્તલે કહ્યું હતું કે, અમે કોઇપણ ઉશ્કેરણીના કૃત્ય વગર પોલીસ તરફથી તીસહજારી કોર્ટમાં કરવામાં આવેલા ગોળીબારની નિંદા કરીએ છીએ. એક યુવા વકીલને લોકઅપમાં માર મારવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા મનમાની કરવામાં આવી રહી છે. મારામારી કરનાર પોલીસને બરખાસ્ત કરવાની માંગ પણ ઉઠી રહી છે. દિલ્હીના વકીલો એક સાથે દેખાઈ રહ્યા છે. તીસહજારી બાર એસોસિએશનના હોદ્દેદાર જય વિશ્વવાલે કહ્યું છે કે, પોલીસની ગાડીને એક વકીલની ગાડીએ ટક્કર મારી દીધી હતી. આની સાથે સંઘર્ષની શરૂઆત થઇ હતી.

ચોથીએ હડતાળ પાડવાની વકીલો દ્વારા જાહેરાત થઈ

તીસ હજારી કોર્ટ મામલાથી વિવાદ

નવી દિલ્હી, તા.૨ : તીસહજારી કોર્ટ સંકુલમાં દિલ્હી પોલીસની સાથે અથડામણ બાદ પાટનગરના વકીલ સંગઠિત થઇ ગયા છે. વકીલોએ આ ઘટનાના વિરોધમાં ચોથી નવેમ્બરે દિલ્હીની તમામ જિલ્લા અદાલતોમાં કામકાજ ઠપ્પ કરી દેવાની જાહેરાત કરી દીધી છે. કો-ઓર્ડિનેશન કમિટિના ચેરમેન મહાવીર શર્મા અને સેક્રેટરી જનરલ ધીરસિંહ કસાનાએ કહ્યું છે કે, તીસ હજારી કોર્ટમાં પોલીસ તરફથી કરવામાં આવેલી કાર્યવાહી ખુબ હિંસક રહી છે. ફાયરિંગના વિરોધમાં ચોથી નવેમ્બરના દિવસે દિલ્હીની તમામ જિલ્લા અદાલતોમાં કામકાજ ઠપ રાખવામાં આવશે. શનિવારના દિવસે આજે નજીવા મામલામાં હિંસાની શરૂઆત થઇ હતી. દિલ્હીની તીસહજારી કોર્ટમાં પોલીસ અને વકીલો વચ્ચે હિંસક અથડામણ થઇ હતી જેમાં અનેક પોલીસ જવાનો ઘાયલ થયા હતા. વકીલોને પણ ઇજા થઇ હતી. કોર્ટ સંકુલમાં નારાજ થયેલા વકીલોએ ભારે ધાંધલ ધમાલ મચાવી હતી. પોલીસ કર્મીઓ સાથે મારામારી કરીને તેમની ગાડીઓને સળગાવી દેવામાં આવી હતી. બનાવ બાદ સુરક્ષા મજબૂત કરી દેવામાં આવી છે.

(7:39 pm IST)