Gujarati News

Gujarati News

News of Saturday, 2nd November 2019

શિવસેનાનો ભાજપને સવાલ

શું રાષ્ટ્રપતિને તમે તમારા ખિસ્સામાં લઇને ફરો છો?

જો રાષ્ટ્રપતિ શાસન લદાશે તો જનાદેશનું અપમાન ગણાશે

મુંબઇ,તા.૨:મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ભાજપ-શિવસેના જોડાણને સ્પષ્ટ બહુમતી છતા પણ મુખ્યમંત્રીપદ અંગે શિવસેનાએ ૫૦-૫૦ના ફોર્મ્યુલા લાગુ કરવા માટે ચાલુ રાખેલી હઠ હવે નિર્ણાયક તબકકે પહોંચી છે અને ભાજપે વર્તમાન મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસના નેતૃત્વ હેઠળ નવી સરકાર રચવા શપથવિધિ માટે વાનખેડે સ્ટેડીયમ પણ બુક કરાવી લીધું છે. તા.૫ના શપથવિધિ યોજાશે તેવી તૈયારી પણ કરી છે તો બીજી બાજુ ભાજપના એક વરિષ્ઠ નેતા તથા નાણામંત્રી સુધીર મુંગાનતીવારે રાજયમાં તા.૭ સુધીમાં નવી સરકારની રચના નહી થાય તો પછી રાજયમાં રાષ્ટ્રપતિ શાસન લાદવું પડશે.

તેવી ચેતવણી આપતા શિવસેના ભડકી ઉઠી છે અને સામનામાં સીધો પ્રશ્ર્ન કરતા કહ્યું કે શું રાષ્ટ્રપતિને પણ ભાજપ તેના ખીસ્સામાં લઈને ફરે છે. શું રાષ્ટ્રપતિની મહોરનો રબ્બર સ્ટેમ્પ ભાજપ કાર્યાલયમાં રાખવામાં આવ્યો છે.

ફડનવીસ સરકારના નાણામંત્રીએ ભાજપ શિવસેના જોડાણ એ ફેવીકોલ કે અંબુજા સિમેન્ટ કરતા પણ મજબૂત હોવાનો દાવો કરીને શિવસેનાને જીદ છોડવા અપીલ કરતા કહ્યું હતું કે જો નિશ્ચિત સમયમાં સરકાર ન રચાય તો પછી રાષ્ટ્રપતિ શાસન સિવાય કોઈ વિકલ્પ હશે નહી. તેઓએ કહ્યું કે અમોએ દેવેન્દ્ર ફડનવીસ જ અમારા સીએમ છે અને પાંચ વર્ષ તેઓજ મુખ્યમંત્રી રહેશે તે અગાઉથી જાહેર કર્યુ છે તેથી તેમાં વાટાઘાટનો પ્રશ્ર્ન નથી. જો કે રાષ્ટ્રપતિ શાસનની તેમની ધમકીથી શિવસેના ભડકી છે. સામનામાં લખાયેલા લેખમાં સેનાએ પ્રશ્ર્ન પૂછયો છે કે શું રાષ્ટ્રપતિ ભાજપના ખીસ્સામાં છે? મહારાષ્ટ્રમાં ભાજપની સરકાર ન બને તો પછી રાષ્ટ્રપતિ શાસન એ વિકલ્પ નથી. ભાજપે શું રાષ્ટ્રપતિની મહોર તેના કાર્યાલયમાં રાખી છે? ભાજપ અને તેના નેતાઓ બંધારણને એક બાજુ મુકીને જે રીતે આગળ વધવા માંગે છે તે સ્વીકાર્ય રહેશે નહી. શિવસેનાએ કહ્યું કે કાનુની અને સંવિધાન એ કોઈના ગુલામ નથી. મહારાષ્ટ્રમાં જે રીતે ખુદની બહુમતી ન હોય તો પછી સતામાં અન્યને આવવા નહી દેવાની વૃતિ એ દ્યમંડ છે. તેઓ રાષ્ટ્રપતિ શાસનની ધમકી આપે છે પણ તેનાથી મહારાષ્ટ્રમાં કોઈ ફર્ક પડશે નહી.

(4:16 pm IST)