Gujarati News

Gujarati News

News of Saturday, 2nd November 2019

તોયબા -જૈશની ભરતી -ફંડીગ રોકવામાં પાકિસ્તાન નિષ્ફળ

અમેરિકી રિપોર્ટમાં સનસનીખેજ ખુલાસોઃ પાકિસ્તાનમાં અનેક એવા સંગઠનો પણ છે જે વિદેશી ધરતી પર હુમલાનું ષડયંત્ર રચે છેઃ ત્રાસવાદી સંગઠનો ઉપર યુનોના પ્રતિબંધને લાગુ કરવામાં પણ પાકિસ્તાન નિષ્ફળ ગયું છે

વોશ્ગિંટન,તા.૨:અમેરિકાના વિદેશ વિભાગે શુક્રવારે કન્ટ્ર રિપોર્ટ ઓન ટેરરિઝમ ૨૦૧૮ જાહેર કર્યો હતો. આ રિપોર્ટ મુજબ પાકિસ્તાન પોતાની ધરતી પર આતંકવાદીઓને ફંડિગ, ભરતી અને તેમની તાલીમ રોકવામાં નિષ્ફળ ગયું છે. રિપોર્ટમાં પાકિસ્તાનને અફદ્યાન તાલિબાન અને હક્કાની નેટવર્ક માટે સુરક્ષિત આશ્રયદાતા પણ ગણાવ્યું છે. આ ક્ષેત્રના રાજકીય નેતાઓ તાલિબાનને ખુલ્લેઆમ સમર્થન આપી રહ્યા છે.

રિપોર્ટમાં વધુમાં જણાવ્યા મુજબ આતંકવાદી સંગઠનોએ બલુચિસ્તાન અને સિંધ પ્રાંતમાં સરકારી, બિન-સરકારી સંગઠનો અને ડેપ્લોમેટિક મિશનોને સતત નિશાન બનાવ્યા છે. આતંકી સંગઠન પાકિસ્તાન ઉપરાંત પાડોશી દેશોમાં પણ હુમલાને અંજામ આપી રહ્યા છે.

જુલાઈ ૨૦૧૮માં જમાત-ઉદ-દાવાના સર્વેસર્વા અને મુંબઈ હુમલાનો માસ્ટરમાઈન્ડ હાફિઝ સઈની રાજકીય પાર્ટી મિલ્લી મુસ્લિમ લીગ (એમએમએલ) ઊભી કરીને ચૂંટણી લડ્યો હતો. તેના અંગે રિપોર્ટમાં જણાવાયું છે કે લશ્કર-એ-તોઈબા, જૈશ-એ-મોહમ્મદ અ્ને જમાત-ઉદ-દાવાને ભંડોળ ઉપલબ્ધિમાં સતત વધારો થયો છે. પાકિસ્તાન સરકાર આના પર લગામ લગાવવામાં નિષ્ફળ પુરવાર થઈ છે.

ટેરર ફંડિંગ અને મની લોન્ડરિંગ પર નજર રાખતી આંતરાષ્ટ્રીય સંસ્થા ફાઈનાન્શિયલ એકશન ટાસ્ટ ફોર્સ (એફએટીએફ)એ પાકિસ્તાનને જૂન ૨૦૧૮માં ગ્રે-લિસ્ટમાં મુકયું હતું. પાકિસ્તાનને ૨૭ મુદ્દા પર કામગીરી કરવા માટે ૧૫ મહિનાની ડેડલાઈન આપવામાં આવી હતી જે સપ્ટેમ્બરમાં પૂર્ણ થઈ હતી. ત્યારબાદ એફએટીએફે ઓકટોબરમાં પાકિસ્તાનને ચીન, મલેશિયા અને ઈન્ડોનેશિયાના સમર્થન બાદ ટેરર ફંડિંગ રોકરવા ફેબ્રુઆરી ૨૦૨૦ સુધીનો વધારાનો સમય અપાયો હતો.

અમેરિકન વિદેશ મંત્રાલયે કહ્યું કે પાકિસ્તાન સરકાર લશ્કર અને જૈશ જેવા ખૂંખાર આતંકી સંગઠનો પર લગામ કસવામાં નિષ્ફળ રહ્યું છે. આ સંગઠન પાકિસ્તાનમાં આતંકીઓની ભરતી કરી રહ્યું છે, ટ્રેનિંગ આપી રહ્યું છે. એટલું જ નહીં લશ્કર સાથે જોડાયેલા કેટલાંક લોકોને પાકિસ્તાનમાં જુલાઇની સામાન્ય ચૂંટણીમાં ઉતારવાની તક પણ આપી હતી.

ઉલ્લેખનીય છે કે હાફિઝ સઇદના સમર્થનવાળા ૨૬૫ ઉમેદવાર પણ પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણીમાં ઉતર્યા હતા. રિપોર્ટમાં પાકિસ્તાનને ખખડાવતા કહ્યું કે પાકિસ્તાને પોતાના નેશનલ એકશન પ્લાનમાં કહ્યું છે કે કોઇ સશસ્ત્ર ગ્રૂપને દેશમાં કામ કરવા દેશે નહીં. ત્યારબાદ પણ કેટલાંય આતંકી સંગઠન ત્યાં સક્રિય છે અને બીજા દેશો પર હુમલાનું ષડયંત્ર રચે છે. તેમાં હક્કાની નેટવર્ક, લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ જેવા ખૂંખાર આતંકી ગ્રૂપ સામેલ છે.

(4:15 pm IST)