Gujarati News

Gujarati News

News of Saturday, 2nd November 2019

જમ્મુ કાશ્મીર : વિસ્ફોટકના જથ્થા સાથે ત્રાસવાદીની કરાયેલ ધરપકડ

સેના, સીઆરપીએફ અને પોલીસનું મોટુ સફળ ઓપરેશન : કલમ ૩૭૦ની નાબૂદી બાદ આતંકવાદીઓ દ્વારા હાલમાં ગ્રેનેડ હુમલા કરાઈ રહ્યા છે ત્યારે મોટી સફળતા : આતંકવાદીઓ ઉપર સકંજો વધુ મજબૂત થયો

શ્રીનગર, તા. ૨ : જમ્મુ કાશ્મીરમાં સીઆરપીએફ, ભારતીય સેના અને પ્રદેશ પોલીસના સંયુક્ત ઓપરેશન દરમિયાન લશ્કરે તોઇબાના કુખ્યાત ત્રાસવાદીની ધરપકડ કરવામાં આવી છે. આ ત્રાસવાદી પાસેથી મોટી માત્રામાં વિસ્ફોટકોનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. સુરક્ષા દળોને મોટી સફળતા હાથ લાગી છે. સીઆરપીએફ દ્વારા ટ્વીટર હેન્ડલ પર આ અંગેની વાત કરવામાં આવી છે. લશ્કરે તોઇબાના ત્રાસવાદી દાનિસ ચન્નાને સોપોરેમાંથી પકડી પાડવામાં આવ્યો છે. જમ્મુ કાશ્મીરમાંથી કલમ ૩૭૦ની જોગવાઈને દૂર કરવામાં આવ્યા બાદ આતંકવાદીઓ દ્વારા પ્રદેશમાં ગ્રેનેડ હુમલાના અહેવાલ આવી રહ્યા હતા. છેલ્લા મહિનામાં પાંચમી ઓક્ટોબરના દિવસે દક્ષિણ કાશ્મીરના અનંતનાગ સ્થિત ઓફિસની બહાર ગ્રેનેડ હુમલો કરવામાં આવ્યો હતો જેમાં ૧૫ લોકો ઘાયલ થયા હતા. ત્યારબાદ ગયા મહિનામાં યુરોપિયન સાંસદોનું એક પ્રતિનિધિમંડળ કાશ્મીરના પ્રવાસના એક દિવસ પહેલા સોપોરેમાં ત્રાસવાદીઓએ બસ અડ્ડાને ટાર્ગેટ બનાવીને ગ્રેનેડ હુમલો કર્યો હતો.

              સુરક્ષા દળોને ટાર્ગેટ બનાવીને કરવામાં આવેલા આ ગ્રેનેડ હુમલામાં એક નાગરિકનું મોત થયું હતું અને ૨૦ લોકો ઘાયલ થયા હતા. ત્યારબાદથી જ સેનાએ ત્રાસવાદીઓની શોધખોેળ માટે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આજે સુરક્ષા દળોને એક વખતે મોટી સફળતા મળી ગઈ હતી જ્યારે સોપોરેમાં લશ્કરે તોઇબાના ત્રાસવાદીને હથિયારોના જંગી જથ્થા સાથે પકડી પાડવામાં આવ્યો હતો. રાજ્યમાં કલમ ૩૭૦ને દૂર કરવામાં આવ્યા બાદ આતંકવાદીઓ ઉપર સુરક્ષા દળો વધુને વધુ સકંજો મજબૂત કરી રહ્યા છે જેના લીધે હચમચી ઉઠેલા ત્રાસવાદીઓ સામાન્ય લોકોને ટાર્ગેટ બનાવી રહ્યા છે. ફુલગામમાં આતંકવાદીઓએ પશ્ચિમ બંગાળના પાંચ મજુરોને મોતને ઘાટ ઉતારી દીધા હતા. આ પહેલા પણ પ્રદેશની બહાર નાગરિકો ઉપર આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.

આતંકવાદીઓએ હાલમાં એક બગીચામાં કામ કરતા ટ્રક ડ્રાઇવરની ગોળીમારીને હત્યા કરી દીધી હતી. આ પહેલા પણ ટ્રક ડ્રાઇવરોને ટાર્ગેટ બનાવીને આ પ્રકારના હુમલા અગાઉ કરવામાં આવ્યા હતા.

(7:35 pm IST)