Gujarati News

Gujarati News

News of Saturday, 2nd November 2019

અયોધ્યા કેસઃ દેશભરની મસ્જિદોમાં મુસ્લિમોને અપીલ- ચુકાદો જે પણ આવેઃ શાંતિ જાળવજો

ચુકાદા પર મુસ્લિમ સમાજ ન તો ખુશી વ્યકત કરશે કે ન તો દુઃખઃ મૌલાના ખાલિદ રશીદ

નવી દિલ્હી, તા.૨: દેશભરની તમામ મસ્જિદોમાં શુક્રવારે જુમ્માની નમાઝમાં મુસલમાનોને અપીલ કરવામાં આવી હતી કે અયોધ્યા મામલામાં ભલે જે ચુકાદો આવે પરંતુ તમામે શાંતિ જાળવી રાખવાની છે. અયોધ્યાના ચુકાદા પર તેઓ ન તો ખુશી મનાવશે કે ન તો દુૅંખ વ્યકત કરશે અને ન તો કોઈ પણ પ્રકારના પ્રદર્શનમાં ભાગ લેશે. તેમને કરવામાં આવેલી અપીલમાં કહેવામાં આવ્યું કે આ મહિનામાં પયગંબર મોહમ્મદ સાહેબનો જન્મ થયો હતો તેથી આ મહિનામાં પવિત્રતા અકબંધ રહેવી જોઈએ.

આ માટે પ્રખ્યાત ધર્મ ગુરુ મૌલાના ખાલિદ રશીદ ફિરંગીમહલીએ મુસ્લિમોને શાંતિ જાળવી રાખવા માટે અપીલ કરી હતી. લખનઉની જામા મસ્જિદ ઈદગાહમાં નમાઝી ખુદાની ઈબાદતમાં મશગૂલ થઈ ગયા હતા પરંતુ અયોધ્યા મામલાના નિર્ણય મામલે તેઓ તમામ પ્રકારના અંદેશાઓથી ઘેરાઈ ગયા છે. એવામાં ત્યાં હાજર ઈમામે મુસ્લિમોને સમજાવ્યું કે તેઓ પણ આ દેશમાં બરાબરના હકદાર છે અને અયોધ્યા મામલે ચુકાદો આવ્યા બાદ આપણે એક સારા મુસલમાનની ફરજ બજાવવાની છે.

પર્સનલ લો બોર્ડના સભ્ય મૌલાના ખાલિદ રશીદ ફિરંગીમહલીએ કહ્યું કે, 'અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટનો જે પણ નિર્ણય આવશે અમે તેનું સમ્માન કરીશું. ચુકાદા પર મુસ્લિમ સમાજ ન તો ખુશી વ્યકત કરશે કે ન દુૅંખી થશે. કોઈ પ્રકારની નારાબાજી નહીં કરાય તેમજ કોઈપણ સમાજ કે કોઈ ધર્મની ધાર્મિક ભાવનાઓ અથવા તો કોઈ ધર્મના વ્યકિતની લાગણીઓ દુભાય તેવી વાત કરવામાં નહીં આવે.

(4:14 pm IST)