Gujarati News

Gujarati News

News of Saturday, 2nd November 2019

૨૦૧૦માં હાઇકોર્ટે જમીનને ૩ ભાગમાં વહેંચવાનો આદેશ આપેલ

અયોધ્યા કેસનો ચુકાદો હવે સાવ ઢુકડો છે ત્યારે આ કેસની વિશિષ્ટતા શું છે

અયોધ્યા,તા.૨: અયોધ્યામાં વિવાદીત રામ મંદિર-બાબરી મસ્જીદ પરિસદને ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૦ના રોજ અલ્હાબાદ હાઇકોર્ટેની લખનૌ બેંચે ત્રણ ભાગમાં વહેંચવાનો આદેશ આપ્યો હતો. તેમાં એક ભાગ રામમંદિર, બીજા ભાગ સુન્ની વકફ બોર્ડ અને ત્રીજો ભાગ નિર્મોહી અખાડાનો આપવાનું કહેવાયુ હતું. જો કે સુપ્રિમ કોર્ટે ૯ મે ૨૦૧૧ના દિવસે અલ્હાબાદ હાઇકોર્ટના ચુકાદા પર સ્ટે મુકયો હતો. ત્યાર પછીથી આ કેસ સુપ્રિમમાં ચાલી રહ્યો હતો.

અલ્હાબાદ હાઇકોર્ટની ૩ જજોની બેંચે બહુમતીથી રામમંદિર-બાબરી મસ્જીદ પરિસદને ત્રણ ભાગમાં વહેચવાનો ચુકાદો આપ્યો હતો. જ્યાં રામ લલ્લા બિરાજમાન છે  તે જગ્યા હિંદુ સમુદાયને અપાઇ હતી. હાઇકોર્ટના જજ એસયુ ખાન અને સુધીર અગ્રવાલે કહ્યું હતું કે પરિસદમાં મસ્જીદના ત્રણ ગુંબજો વચ્ચેનો ગુંબજ, જ્યાં રામ લલ્લા બિરાજમાન છે તે જગ્યા હિંદુ સમુદાયને આપવામાં આવે છે.

ચુકાદામાં કહેવાયું હતું કે વિવાદીત પરિસરની ૨.૭ એકર જમીનને ત્રણ ભાગમાં વહેંચવામાં આવશે અને તેને સુન્ની વકફ બોર્ડ, નિર્મોહી અખાડા અને રામલલ્લા પર દાવો કરનાર હિંદુ સમુદાયને આપશે જો કે ત્રીજા જજ ડી વી શર્માનો મત અલગ હતો. જસ્ટીસ શર્માએ કહ્યું હતું કે વિવાદીત પરિસર ભગવાન રામનું જન્મ સ્થાન છે. આ સ્થાન પર મોગલ શાસક બાબરે મંદિર તોડીને મસ્જીદ બનાવડાવી હતી.

જસ્ટીસ એસયુ ખાને પરિસરના નકશાને સામે રાખીને ચુકાદો સંભળાવ્યો હતોે તેમાં વચ્ચેના ગુંબજવાળી જગ્યા જ્યાં અસ્થાયી મંદિર બનેલું છેે તેને હિંદુઓને આપવામાં આવી હતી. રામ ચબૂતરા અને સીતા રસોઇવાળી જગ્યા નિર્મોહી અખાડાને અપાઇ હતી. જો કે આ ચુકાદાને માનવાનો દરેક પક્ષે ઇન્કાર કર્યો હતો. સુન્ની વકફ બોર્ડ આ ચુકાદા સામે વાંધો દર્શાવીને સુપ્રિમમાં અપીલ કરવાનું કહ્યું હતું. જો કે બોર્ડ કહ્યું કે કોર્ટની બહાર સમજુતિ ની કોઇ વાત થશે તો તે તેના પર વિચાર કરી શકે છે.

(4:12 pm IST)