Gujarati News

Gujarati News

News of Saturday, 2nd November 2019

અયોધ્યા : ચુકાદાની તારીખ પાસે આવતા મજબુત સુરક્ષા

બહારથી પણ ફોર્સ બોલાવી દેવામાં આવી છે : અયોધ્યા-સરહદની સાથે જોડાયેલા જિલ્લાઓના પોલીસ અધિકારી તેમજ અયોધ્યાના અધિકારીઓ સાથે વાતચીત

અયોધ્યા,તા. ૨: અયોધ્યા મામલામાં સુપ્રીમ કોર્ટના ચુકાદાની તારીખ હવે ધીમે ધીમે નજીક આવી રહી છે. જેને ધ્યાનમાં લઇને વહીવટીતંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થાને મજબુત કરવા માટે કવાયત પણ શરૂ કરી દીધી છે. એડીજી (કાનુન અને વ્યવસ્થા) પીવી રામાશાસ્ત્રી દ્વારા અયોધ્યા અને સરહદ સાથે જોડાયેલા જિલ્લાના પોલીસ અધિકારીઓ તેમજ અયોધ્યા વહીવટીતંત્રના લોકોની સાથે વાતચીત કરી છે. પોલીસ લાઇન્સમાં આયોજિત કરવામાં આવેલી આ બેઠકમાં સુપ્રીમ કોર્ટના ચુકાદો લઇને સંભિવત સ્થિતી પર ચર્ચા કરવામાં આવી હતી. આ અવસર પર પીવી રામાશાસ્ત્રીએ વિવાદાસ્પદ સંકુલનુ નિરીક્ષણ કર્યુ હતુ. સાથે સાથે હનુમાનગઢીના દર્શન કર્યા હતા. સુરક્ષા અતિ આધુનિક અને મજબુત કરવાના પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યુ હતુ કે છેલ્લા થોડાક મહિનામાં અયોધ્યાની સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. જેના ભાગરૂપે અતિ આધુનિક સાધનો ગોઠવી દેવામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટના ચુકાદાના મામલે વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છે. એમ તો અયોધ્યામાં ૩૬૫ દિવસ મજબુત સુરક્ષા રહે છે. પરંતુ તેને વધારે અપગ્રેડ કરવામાં આવી રહી છે. સુરક્ષામાં હાલમાં સિવિલ ફોર્સ, પીએસી તેમજ કેન્દ્રિય પોલીસ દળની તૈનાતી કરવામાં આવી રહી છે. બહારથી પણ પુરતા પ્રમાણમાં સુરક્ષા દળોના જવાનોને બોલાવવામાં આવી રહ્યા છે. જેટલી જરૂર હશે તેટલા પ્રમાણમાં સુરક્ષા જવાનો ગોઠવી દેવામાં આવનાર છે.

પહેલાથી જ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પીસ કમિટીની બેઠક યોજવામાં આવી રહી છે. જિલ્લાના અધિકારીઓ સામાન્ય લોકો સાથે બેઠક કરીને તેમને સુરક્ષાની ખાતરી આપી રહ્યા છે. ડીએમ અનુજ કુમાર ઝાએ કહ્યુ છે કે અયોધ્યાની ૧૨૦ કોલેજેમાં ફોર્સને રોકવા માટેના આદેશ જારી કરવામાં આવ્યા છે. જો કે આના કારણે શિક્ષણ કાર્ય પર કોઇ અસર થનાર નથી. આ કોલેજોમાં માત્ર એક તૃતિયાંશ રૂમ ફોર્સ માટે રાખવામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટના ચુકાદાનુ સન્માન કરવા તમામને અપીલ કરવામાં આવી ચુકી છે.

(3:54 pm IST)