Gujarati News

Gujarati News

News of Saturday, 2nd November 2019

૬ કરોડથી વધુ ફોલોઅર્સ ધરાવતા ૭૩ વર્ષના આ યુટ્યુબ શેફનું અવસાન થયું

હૈદ્દાબાદ તા.૨: ભારતના ગામડાંઓમાં ઉંમરલાયક પ્રતિભાઓ પણ એટલી ઠાંસીઠાંસીને ભરી છે કે ન પૂછો વાત.હૈદરાબાદ પાસેના ગામમાં રહેતા નારાયણ શેટ્ટી અવારનવાર તેમની યુનિક રેસિપીઓ પોતાના ખુલ્લા ખેતરમાં ચૂલ્હા પર બનાવતા અને એ અનાથાશ્રમના બાળકોને જમાડતા. તેમની યુટયુબ ચેનલ પર તેઓ ગ્રેન્ડપા તરીકે જ ઓળખાતા. વિડિયોની શરૂઆતમાં જ તેઓ બોલતાં, 'હાય એવરીવન... ધીસ ઇઝ યોર ગ્રેન્ડપા...'. આ યુટ્યુબ શેફ પોતાના જ ખેતરમાં ઉગાડેલી ચીજો વાપરીને ભારતીય અને વિદેશી વાનગીઓ બનાવતા. જયારે પણ વિડિયો બનાવે ત્યારે મોટાં તપેલા ભરીને જ ખાવાનું બનાવે અને એ ખાવાનું નજીકના અનાથાશ્રમના બાળકોને પણ ખવડાવે. તેમની રેસિપી બનાવવાની રીત,ખેતરનું બેકગ્રાઉન્ડ અને બાળકોને ખવડાવવાની પ્રવૃતિને કારણે તેમની યુટયુબ ચેનલના ૬ કરોડથી વધુ સબસક્રાઇબર્સ હતા. આવા દાદાએ ગયા અઠવાડિયે છેલ્લા શ્વાસ લીધા.૭૩ વર્ષની ઉંમરે પણ તેઓ છેક સુધી ચૂલા પર દેશી-વિદેશી વાનગીઓ ચાહકો સાથે વહેંચતા રહ્યા હતા. તેમના મૃત્યુ બાદ યુટ્યુબ ચેનલે એક પાંચ મિનિટનો ખાસ વિડિયો તૈયાર કર્યો છે અને શ્રદ્ધાંજલિ આપી છે. ફેસબુક પર પણ આ ગ્રેન્ડપાના સાડા પાંચ લાખથી વધુ ફોલોઅર્સ છે.

(11:41 am IST)