Gujarati News

Gujarati News

News of Saturday, 2nd November 2019

'મહા' વાવાઝોડુ ઉત્તર - પશ્ચિમ તરફ આગળ વધ્યુ : મહારાષ્ટ્ર - કોંકણ - ગોવામાં અસર શરૂ : મુંબઈ - નાસિક - થાણે - વિદર્ભ મરાઠાવાડમાં ૨-૩ દિ' વરસાદ પડતો રહેશે

મુંબઈ : સ્કાયમેટના જણાવ્યા મુજબ અરબી સમુદ્રમાં સર્જાયેલ વાવાઝોડુ 'મહા' ધીમે ધીમે ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી રહ્યુ છે. જેની અસર શરૂ થઈ ગઈ છે.

મહારાષ્ટ્ર, દક્ષિણ કોંકણ તથા ગોવામાં રત્નાગીરી, સાંગલી, સતારા, સીંધુ દુર્ગ, મુંબઈ, નાસિક, થાણેમાં ત્રણેક દિવસ હળવો - મધ્યમ વરસાદ રહેશે.

મહારાષ્ટ્રના સાગરકાંઠે આવતા ૪૮ કલાક ખતરો રહેશે. પવનની ગતિ ૪૦-૫૦ થી ૬૦ કિ.મી. રહેશે. સમુદ્રમાં ૮ થી ૧૦ ફૂટના મોજા ઉછળશે જે વધીને ૧૨ થી ૧૪ ફૂટ સુધી પહોંચશે. ૪૮ કલાક માછીમારોને દરિયામાં નહિં જવા સલાહ અપાયેલ છે.

સ્કાયમેટ કહે છે અરબી સમુદ્રમાં સર્જાતા મોટાભાગના વાવાઝોડા ઓમાન તરફ ગતિ કરતા હોય છે પરંતુ ૧૦માંથી ૧ વાવાઝોડુ 'રિ-કર્વ' પાછુ ફરીને ગુજરાત - મહારાષ્ટ્ર તરફ આગળ વધતુ હોય છે. એકાદ - બે હવામાન મોડલો દર્શાવે છે કે ૪થી આસપાસ 'મહા' વાવાઝોડુ 'રી-કર્વ' કરી પાછુ વળશે અને ૬ઠ્ઠી આસપાસ સૌરાષ્ટ્ર - ગુજરાતના સાગરકાંઠા તરફ તેનો પ્રભાવ દર્શાવી નબળુ પડી જશે. મહારાષ્ટ્રના દરિયાકાંઠે પણ ખતરો વધશે.

સ્કાયમેટ સવારે નોંધે છે કે અત્યારે 'મહા' વાવાઝોડુ અરબી સમુદ્રમાં ઉત્તર - પશ્ચિમ દિશામાં આગળ વધી રહ્યુ છે જેની અસર મહારાષ્ટ્ર - કોંકણ - ગોવાના કાંઠાના વિસ્તારોમાં શરૂ થઈ ગઈ છે.

(11:40 am IST)