Gujarati News

Gujarati News

News of Saturday, 2nd November 2019

પાકિસ્તાન સરકાર કાશ્મીર મુદ્દે લડી રહી છે, પરંતુ તેની પ્રજા માટે બેરોજગારી અને મોંઘવારી મહત્વના મુદ્દા

ચાર પ્રાંતોમાં કરાયેલા સર્વેમાં ખુલાસો, પ્રાથમિક ધોરણે સુવિધાઓ પણ પર્યાપ્ત નથી

ઇસ્લામાબાદ,તા.૨:પાકિસ્તાન સરકાર હાલમાં કાશ્મીર મુદ્દે ભારતની છબી ખરડવામાં વ્યસ્ત છે પરંતુ તેની જનતાની પ્રાથમિકતા કંઇક અલગ જ દર્શાવે છે. પાકિસ્તાનની જનતા માટે કાશ્મીર મુદ્દો નહી પરંતુ દેશમાં વધી રહેલી મોંદ્યવારી અને બેરોજગારી મહત્વના મુદ્દા છે. ગલપ ઇન્ટરનેશનલએ આર્થિક સંકટમાં ફસાયેલા પાકિસ્તાનના ચાર પ્રાંતોમાં એક સર્વે કર્યો હતો જેમાં આ પરિણામો સામે આવ્યા છે.

ગલપ એન્ડ ગિલાની પાકિસ્તાન તરફથી કરવામાં આવેલા સર્વે મુજબ ૫૩ ટકા લોકોનું માનવું હતું કે દેશ સામે સૌથી મોટી સમસ્યા અર્થવ્યવસ્થા અને વધતી મોંદ્યવારી છે. આ સર્વેમાં મોંદ્યવારી પછી ૨૩ ટકા લોકોએ બેરોજગારી, ચાર ટકા લોકોએ ભ્રષ્ટાચાર અને ચાર ટકા લોકોએ પાણીની સમસ્યાને સૌથી મોટા મુદ્દા ગણાવ્યા હતા.

પાકિસ્તાન સરકાર કાશ્મીર મુદ્દો આંતરરાષ્ટ્રીય સ્તરે ઉછાળવાના પ્રયત્નમાં અને ભારત સાથે યુદ્ઘ કરવાની વાતોમાં રાચી રહી છે ત્યાં સર્વેમાં સામેલ લોકોમાંથી માત્ર આઠ ટકા લોકો માટે જ આ મુદ્દો મહત્વનો હતો.

આ સર્વેમાં લોકોએ રાજકીય અસ્થિરતા, વીજળીની સમસ્યા અને ડેન્ગૂ જેવા મુદ્દાઓ પણ ઉઠાવ્યા હતા. આ સર્વેમાં બલૂચિસ્તાન, ખૈબર પખ્તૂનખ્વા, પંજાબ અને સિંધના લોકોને સામેલ કરવામાં આવ્યા હતા.

(11:37 am IST)