Gujarati News

Gujarati News

News of Saturday, 2nd November 2019

કેન્દ્ર સરકાર-વોટ્સએપ આમને સામને

સરકાર કહે છે... હેકિંગ અંગે કશુ જણાવ્યું નથી : કંપની કહે છે... મે મહિનામાં જ માહિતી આપી હતી

નવી દિલ્હી તા.૨: વોટસએપના ઉચ્ચ અધિકારીઓ સાથે જૂનથી સપ્ટેમ્બર દરમ્યાન ઘણી બધી મીટીંગોમાં કંપનીએ એક વાર પણ પેગોસસ હેકીંગની બાબતનો ઉલ્લેખ ન કરવા બાબતે કેન્દ્ર સરકારે આશ્ચર્ય પ્રગટ કર્યુ હતું. આ સમયગાળામાં સરકાર કંપની સમક્ષ બોગસ સમાચાર અને અફવાઓના સ્ત્રોતની ભાળ મેળવવા અંગે વાતચીત કરી રહી હતી.

કેન્દ્ર સરકારના સુત્રોએ સવાલ ઉઠાવ્યો છે કે વોટસએપ મેસેજના સ્ત્રોતની માહિતી અને જવાબદારી નક્કી કરવાના પગલા લેતા સરકારને રોકવા માટે કંપની આ કોઇ ચાલ તો નથીને સરકાર હેકીંગ અંગેના ખુલાસાના સમયગાળા અંગે પણ સવાલ ઉઠાવી રહી છે કેન્દ્ર સરકારે દેશમાં સોશ્યલ મીડીયાના દુરૂપયોગને રોકવાના ઉપાય માટે સુપ્રિમ કોર્ટ પાસે ત્રણ મહિનાનો સમય માંગ્યો છે.

સુત્રોએ શંકા વ્યકત કરી છે કે આ એક ષડયંત્ર હેઠળ બની શકે છે. સુત્રોએ કહ્યું કે સરકાર દુર્ભાવનાપૂર્ણ સંદેશાઓની સામગ્રીના બદલે તેના સ્ત્રોત જાણવા પર હજુ પણ ભાર મુકશે. પહેલા પણ આ મુદ્દાને વોટસએપ સમક્ષ મુકવામાં આવ્યો છે.

કેન્દ્ર સરકારના માહિતી ન આપવાના દાવા વચ્ચે ફેસબુકની માલિકી હેઠળના વોટસએપે શુક્રવારે કહ્યું કે મે મહીનામાં અમે સુરક્ષા મુદ્દાને હલ કરીને સંબંધીત ભારતીય અને આંતરરાષ્ટ્રીય સરકારી અધિકારીઓને જાણ કરી હતી. ત્યાર પછીથીજ અમે સતત નિશાન પર આવેલા યુઝર્સની ઓળખ કરીને તેમને કહ્યું કે તેઓ અદાલતો ને કહે કે આંતરરાષ્ટ્રીય સોફટવેર કંપની એનએસઓની જવાબદારી નક્કી કરવામાં આવે.

પહેલી ઓફીશ્યલ પ્રતિક્રિયામાં વોટસએપના એક પ્રવકતાએ કહ્યું કે તે ભારત સરકારની માંગણી સાથે સહમત છે. જેમાં લાખો ભારતીયોની અંગત માહિતીઓની સુરક્ષા સ્પષ્ટ કરવાનું કહેવાયું છે તેમણે કહ્યું કે કંપની ભારતીય નાગરીકોની અંગત માહિતીની સુરક્ષાની જરૂરિયાત બાબતે ભારત સરકારના કડક બયાન સાથએ સહમત છે. અમે બધા ગ્રાહકોના મેસેજની સુરક્ષા માટે કટીબધ્ધ છીએ.

(11:36 am IST)