Gujarati News

Gujarati News

News of Saturday, 2nd November 2019

આજથી મોદી ત્રણ દિવસના બેંગકોક પ્રવાસે

સૌથી મોટા મુકત વેપાર સમજુતીને અંતિમ ઓપ આપવાની સંભાવના

નવી દિલ્હી,તા.૨:દક્ષિણ એશિયામાં ચીનના વધતા આર્થિક અને લશ્કરી પ્રભુત્ત્વની પૃષ્ઠભૂમિમાં ભારતે આસિયાન દેશો સાથે વેપાર અને સલામતી સંબંધો મજબૂત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શનિવારથી બેંગકોકમાં શરૂ થતા ત્રણ દિવસના પ્રવાસમાં આ બાબત પર સૌથી વધુ ભાર અપાશે. ઉપરાંત આ પ્રવાસમાં આસિયાન બેઠકો પહેલાં ચર્ચાનો સૌથી મોટો મુદ્દો આરસીઈપી સમજૂતીને અંતિમ ઓપ આપવાનું છે. ભારત તેમાં જોડાશે કે નહીં તેની ચર્ચાએ જોર પકડયું છે.આ બેઠક દરમિયાન ભારત આરસીઈપી સમજૂતીમાં જોડાશે તો તે તે વિશ્વનો સૌથી મોટો મુકત વેપાર પ્રદેશ બનશે. આરસીઈપીના સભ્ય દેશો સાથે ભારત હજી 'મહત્વના મુદ્દા'ઓ પર વાટાદ્યાટો કરી રહ્યું છે. આ દેશોના નેતાઓ સાથે મોદી સોમવારે બેઠક કરશે. આ બેઠકમાં આરસીઈપી સમજૂતીને અંતિમ ઓપ આપવામાં આવે તેવી સંભાવના છે.

આ સમજૂતી હેઠળ મુકત અને પારદર્શી વેપાર વાતાવરણ પૂરૃં પાડવા માટે કેટલાક મુદ્દાઓનો ઉકેલ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. ભારતમાં આરસીઈપી સમજૂતીનો ભારે વિરોધ થઈ રહ્યો છે ત્યારે આ મુદ્દાઓ ભારતના અર્થતંત્ર અને ગ્રામીણ તંત્રના લોકોની આજીવિકા માટે ખૂબ જ મહત્ત્વના છે તેમ આરસીઈપી વાટાદ્યાટો અંગે વિદેશ મંત્રાલયના સચિવ (પૂર્વ) વિજય ઠાકુર સિંહે જણાવ્યું હતું.આરસીઈપીમાં ૧૦ આસિયાન દેશો ઉપરાંત ભારત, ચીન, જાપાન, દક્ષિણ કોરિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ અન્ય છ દેશો મુકત વેપાર વાતાવરણ માટે વાટાદ્યાટો કરી રહ્યા છે. નવેમ્બર ૨૦૧૨માં  કમ્બોડિયામાં નોમ પેન્હમાં ૨૧મી આસિયાન બેઠક દરમિયાન આસિયાન દેશો અને અન્ય છ દેશો વચ્ચે આરસીઈપીની વાટાદ્યાટો શરૂ થઈ હતી.

વિવાદાસ્પદ દક્ષિણ ચીન સમુદ્ર તેમજ ભારત-પેસિફિક પ્રદેશમાં ચીને આક્રમક વલણ અપનાવ્યું છે ત્યારે વાર્ષિક આસિયાન બેઠક દ્યણી જ મહત્ત્વપૂર્ણ છે. આ ૧૦ આસિયાન દેશોમાં ઈન્ડોનેશિયા, મલેશિયા, ફિલિપાઈન્સ, સિંગાપોર, થાઈલેન્ડ, બુ્રનેઈ, વિયેતનામ, લાઓસ, મ્યાંમાર અને કમ્બોડિયાનો સમાવેશ થાય છે.વિદેશ મંત્રાલયમાં પૂર્વીય મામલાઓના સચિવ વિજય ઠાકુર સિંહે થાઈલેન્ડના વડાપ્રધાન પ્રયુત ચાન-ઓ-ચાના નિમંત્રણને માન આપીને વડાપ્રધાન મોદી બેંગકોક જશે તેવી માહિતી આપી હતી.

વધુમાં જણાવ્યું કે થાઈલેન્ડ પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદી ૧૬મી આસિયાન-ભારત સંમેલન, ૧૪મી આસિયાન એશિયા સંમેલન અને ત્રીજા ક્ષેત્રીય વ્યાપક આર્થિક ભાગીદારી(આરસીઈપી) સંમેલન સહિત અનેક સંબંધિત કાર્યક્રમોમાં સહભાગી બનશે.નરેન્દ્ર મોદી બીજી નવેમ્બરે સાંજના સમયે બેંગકોક પહોંચશે અને નેશનલ ઈનડોર સ્ટેડિયમ ખાતે ભારતીય સમૂદાયને સંબોધિત કરશે. થાઈલેન્ડમાં આશરે અઢી લાખ જેટલા ભારતીય સમૂદાયના લોકો વસે છે અને ગુરૂ નાનક દેવની ૫૫૦મી જયંતિના અનુસંધાને કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન સ્મૃતિ સિક્કાનું લોકાર્પણ કરશે.

ત્યાર બાદ ત્રણ નવેમ્બરના રોજ ભારતીય વડાપ્રધાન કારોબાર સંબંધી કાર્યક્રમમાં સહભાગી બનશે અને બાદમાં થાઈ વડાપ્રધાન સાથે આસિયાન-ભારત શિખર સંમેલનની સહ-અધ્યક્ષતા કરશે. બેંગકોકમાં આરસીઈપી સાથે સંકળાયેલા મુદ્દાઓના ઉકેલ માટે વાતચીત ચાલી રહી છે અને શિખર સંમેલનમાં તેઓ વાર્તાની સ્થિતિની સમીક્ષા કરશે. આરસીઈપીમાં આસિયાનના ૧૦ સદસ્ય દેશ ઉપરાંત એફટીએના ભાગીદાર દેશો સામેલ છે. જાણવા મળ્યા મુજબ થાઈલેન્ડ પ્રવાસ દરમિયાન વડાપ્રધાન અનેક દ્વીપક્ષીય વાર્તાલાપ પણ કરશે.

(11:32 am IST)