Gujarati News

Gujarati News

News of Saturday, 2nd November 2019

'મહા' વાવાઝોડાની અસર દિવમાં ૬ કલાકમાં ૧૦ ઇંચ

પર્યટન કેન્દ્ર દિવમાં ગઇકાલે મોડી રાત્રે આભ ફાટ્યુઃ તાલાળા ગીર અને કોડીનારમાં બેથી અઢી ઇંચઃ સૌરાષ્ટ્ર-કચ્છમાં મિશ્ર હવામાન

રાજકોટ, તા. ર : અરબી સમુદ્રમાં સક્રિય થયેલા મહા વાવાઝોડાના કારણે દિવમાં ૬ કલાકમાં ધોધમાર ૧૦ ઈંચ વરસાદ ખાબકયો છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયા કાંઠાના વિસ્તારોમાં વિશેષ અસર જોવા મળી રહી છે. ભાવનગર, અમરેલી, ગીર-સોમનાથ જિલ્લામાં પણ વરસાદ પડી રહ્યો છે. અમરેલીમાં વાવાઝોડાની અસરથી દરિયો તોફાની બન્યો છે.તો ગીર સોમનાથમાં વીજળીના કડાકા સાથે એક ઈંચ વરસાદ પડ્યો છે.

મહા વાવાઝોડાની અસર મુંબઇ બાદ ગુજરાતમાં પણ જોવા મળી. અમરેલીના રાજુલા શહેરમાં મોડી રાત્રે ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. જોકે સૌરાષ્ટ્રના અન્ય શહેરો ઉના, કડીયાળી સહિતના વિસ્તારોમાં વીજળી સાથે ભારે વરસાદ પડ્યો હતો. ત્યારે હવામાન ખાતાએ પોરબંદર, વેરાવળના દરિયાકાંઠાના માછીમારોને દરિયામાં ન જવાની ચેતવણી આપી દીધી છે. ગુજરાતનો દરિયો તોફાની બન્યો

મહા વાવાઝોડાની અસરને કારણે ગુજરાતનો દરિયા મધરાત્રથી તોફાની બની ગયો છે. જાફરાબાદ બંદર, કંડલા બંદર અને પીપાવાવ સહિતના દરિયાકાંઠે વાવાઝોડાને પગલે ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા હતા. ગુજરાતના દરિયાકાંઠે ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે.

મુંબઇમાં શુક્રવારે સાંજે શરૂ થયો વરસાદ

મહા વાવાઝોડું લક્ષદ્વીપ ટાપુથી આગળ ભારત તરફ વધી રહ્યું છે. જેની અસર પણ જોવા મળી રહી છે. અરબ સાગરમાં દબાણ બાદ ઉઠેલું મહા વાવાઝોડું સતત ગતિ પકડી રહ્યું છે. વાવાઝોડાની અસરના કારણે મુંબઈમાં વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગ અનુસાર આગામી ચાર કલાકમાં પુણે, રાયગઢ અને નાસિકમાં ભારે પવન સાથે વરસાદ પડવાની સંભાવના છે.

ભાવનગર

ભાવનગર તા.૨: ભાવનગરમાં વાવાઝોડાની આગામી વચ્ચે આજે શનિવારે સવારથીજ ધાબડીયુ વાતાવરણ રહ્યા બાદ સવારે ૮ વાગ્યાથી ધીમીધારે વરસાદ શરૂ થયો છે. ભાવનગર ઉપરાંત મહુવા,સિધેર સહિત જીલ્લામાં વરસાદ શરૂ થયો હતો.

ભાવનગરમાં 'મહા' વાવાઝોડાની આગાહી વચ્ચે આજે સવારે ૮ વાગ્યાથી ઝરમર વરસાદ શરૂ થયો છે. શહેર ઉપરાંત મહુવા,સિહોર પંથકમાં ૩ મીમી વરસાદ નોંધાયો છે સમગ્ર જીલ્લામાં ધાબડીયુ વાતાવરણ હોય વરસાદથી સંભાવના થી ખેડુતો ચિંતિત થયા છે. અને ખેડુતો માટે કપરો સમય આવ્યો છે.

કોડીનાર

કોડીનારઃ ગતરાત્રીના સાડા બાર વાગે અચાનક કડાકા ભડાકા સાથે ભારે વરસાદ પડવો ચાલુ થયેલ જે એક કલાકમાં બે ઇંચ જેવો વરસાદ નોંધાયો છે.

લાભ પાંચમના શુભ દિને પણ મેઘરાજાએ મુુહુર્ત સાચવ્યુ હોય તેમ અચાનક પડેલા આ વરસાદથી ખેડુતો ને પડયા ઉપર પાટુ જેવી સ્થિતી થઇ છે અને તૈયાર પડેલી મગફળી અને બાજરી સહિતના પાકોને નુકશાન થયુ છે એક બાજુ મંદિનો માર અને બીજી બાજુ કુદરતી આફતથી કળ વળે તેવી સ્થિતી રહી નથી વરસાદને પગલે ઠેર-ઠેર કાદવ કીચડ જામ્યો છે તેમજ પાણી ભરાતા લોકોને પણ હાલાકી ભોગવવી પડી છે.

તાલાલા ગીરમા પણ રાત્રીના ર ઇંચ જેટલો વરસાદ કડાકા-ભડાકા સાથે પડ્યો હતો.(૧.૭)

(11:26 am IST)