Gujarati News

Gujarati News

News of Saturday, 2nd November 2019

૨૦૨૧ની વસ્તી ગણત્રી બાદ દેશભરમાં લાગુ થશે NRC

સંઘે પોતાના સાથી સંગઠનો, સરકારનાં પ્રતિનિધિઓ, ભાજપના નેતાઓ સાથેની બેઠકમાં લીધો નિર્ણય

નવી દિલ્હી, તા. ૨ :. ૨૦૨૧માં રાષ્ટ્રીય સ્તરે વસ્તી ગણતરી પછી દેશભરમાં તબક્કાવાર પદ્ધતિથી આસામની જેમ રાષ્ટ્રીય જનસંખ્યા રજીસ્ટર (એનસીઆર) લાગુ કરવામાં આવશે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની પોતાના અન્ય સંગઠનો, સરકારના પ્રતિનિધિઓ અને ભાજપા નેતાઓની મેરેથોન મીટીંગમાં આ મતલબનો નિર્ણય લેવાયો હતો.

દિલ્હીના છતરપુરમાં થયેલી આ મીટીંગમાં ભાવિ વસ્તી નીતિ, કલમ ૩૭૦ હટાવ્યા પછીની સ્થિતિ અને અયોધ્યા કેસમાં સુપ્રીમના આવનાર ચુકાદા અંગે પણ લાંબી ચર્ચા થઈ હતી. ગુરૂવારે પુરી થયેલી આ મીટીંગમાં ગૃહપ્રધાન અમિત શાહ, ભાજપાના કાર્યકારી અધ્યક્ષ જે.પી. નડ્ડા અને સંગઠન મહામંત્રી બી.એલ. સંતોષે પણ ભાગ લીધો હતો.

આ બેઠકમાં ઉપસ્થિત સંઘના આનુષંગિક સંગઠનના એક પ્રતિનિધિ અનુસાર એનઆરસી બાબતે એક સત્રમાં ખાસ ચર્ચા થઈ. આ દરમ્યાન સંઘના એક સીનીયર નેતાએ તેને રાષ્ટ્રીય સુરક્ષા માટે અત્યંત જરૂરી ગણાવતા કહ્યું કે નાગરિકોની ઓળખ અને ઘુસણખોરોને ઓળખવા માટે દેશના બધા રાજ્યોમાં એનઆરસી લાગુ કરવાની પ્રક્રિયા જલ્દી શરૂ થવી જોઈએ.

લાંબી ચર્ચા પછી ૨૦૨૧માં થનાર વસ્તી ગણત્રી પછી એનઆરસીને તબક્કાવાર રીતે બધા રાજ્યોમાં લાગુ કરવા અંગે સહમતિ સધાઈ હતી. એવુ નક્કી કરવામાં આવ્યુ કે આના માટે સૌ પહેલા એવા રાજ્યો પસંદ કરવામાં આવે જ્યાં ઘુસણખોરીની સમસ્યાએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યુ છે. એવુ પણ નક્કી કરવામાં આવ્યુ કે એનઆરસીના સમર્થનમાં વાતાવરણ તૈયાર કરવુ જોઈએ. લોકોને જણાવવુ જોઈએ કે આ પ્રક્રિયા દેશની સુરક્ષા માટે જરૂરી છે અને કોઈ ખાસ ધર્મ સાથે તેને લેવા દેવા નથી.

મીટીંગના એક સત્રમાં નવી જનસંખ્યા નીતિની જરૂરીયાત પર પણ ભાર મુકવામાં આવ્યો હતો. સંઘનું માનવુ છે કે વસ્તી નિયંત્રણ માટે તાત્કાલિક નવી જનસંખ્યા નીતિ અમલી બનાવવાની જરૂર છે. આસામ સરકાર દ્વારા બે થી વધુ બાળકો ધરાવતા માતા-પિતાને સરકારી નોકરી ન આપવાના નિર્ણયનું સ્વાગત કરાયુ હતુ. સંઘ ઈચ્છે છે કે બે થી વધુ બાળકોના માતા-પિતાને સરકારી લાભ ન આપવા જોઈએ.

(10:27 am IST)