Gujarati News

Gujarati News

News of Saturday, 2nd November 2019

મહારાષ્ટ્ર સત્તાનો ખેલ

કોંગ્રેસ NCPએ શિવસેનાને આપ્યો આંચકો

પવાર કહે છે અમે વિપક્ષમાં બેસશું: કોંગ્રેસ પણ શિવસેનાને ટેકો આપવાના મુડમાં નથી

મુંબઇ,તા.૨: મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) અને શિવસેનાએ મળીને વિધાનસભા ચૂંટણી લડી હતી. બંને પાર્ટીઓએ મળીને રાજયમાં સરકાર બનાવાનું વચન પણ આપ્યું હતુ, પરંતુ હજુ સુધી નવી સરકારની તસવીર સ્પષ્ટ થઇ શકી નથી. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામ આવ્યાને એક સપ્તાહથી વધુ સમય થઇ ચૂકયો છે, પરંતુ હજુ સુધી ભાજપ અને શિવસેનામાં સરકાર બનાવાને લઇ વાત બની શકી નથી.

શિવસેના અધ્યક્ષ ઉદ્ઘવ ઠાકરેને પોતાના દીકરા આદિત્ય ઠાકરેને મુખ્યમંત્રીના શપથ લેતા જોવાની આશા હજુ સુધી છોડી નથી, તો બીજીબાજુ ભાજપ સરકાર બનાવાને લઇ ઉતાવળી થઇ રહી છે. ભાજપ ખેમામાં ૫ નવેમ્બરના રોજ નવી સરકારની શપથ વિધિની તૈયારી કરી રહ્યું છે. સૂત્રોના મતે ભાજપે શપથ માટે ૫ નવેમ્બરના રોજ વાનખેડે સ્ટેડિયમ પણ બુક કરાવી દીધું છે. જો કે હજુ બીસીસીઆઈની મંજૂરી મળવાની બાકી છે, પરંતુ શિવસેનાના તેવર તો કંઇક અલગ જ કહી રહ્યું છે.

મહારાષ્ટ્રના રાજકારણમાં બધું જ ગોળ-ગોળ ફરી ગયું. બંને પાર્ટીઓની વચ્ચે ખેંચતાણ ચાલુ છે. શિવસેના ફિફ્ટી-ફિફ્ટી ફોર્મ્યુલાની સાથે જ મુખ્યમંત્રી પદ માટે અડિયલ છે, જયારે ભાજપ સ્પષ્ટતા કરી ચૂકયું છે કે આવતા પાંચ વર્ષ સુધી દેવેન્દ્ર ફડણવીસ જ મુખ્યમંત્રી હશે. આ બધાની વચ્ચે શિવસેના નેતા સંજય રાઉતે એનસીપી પ્રમુખ શરદ પવારની મુલાકાત કરી. ત્યારબાદ મહારાષ્ટ્રથી લઇ દિલ્હી સુધી રાજકીય હલચલ તેજ થઇ ગઇ.

એનસીપી પ્રમુખ શરદ પવાર સાથે સંજય રાઉતની મુલાકાત બાદથી જ શિવસેનાના તેવર બદલાયા છે. શુક્રવાર સવારે જ સંજય રાઉતે ભાજપ પર કટાક્ષ કરતાં ટ્વીટ કરી. તેમણે લખ્યું સાહેબ ના પાળો, અહંકારને આટલો, સમયના સાગરમાં કેટલાંય સિકંદર ડૂબી ગયા.

એનસીપીએ શિવસેનાને આપ્યો તગડો ઝાટકો

શિવસેના મહારાષ્ટ્રમાં સરકાર રચના પહેલાં ૫૦-૫૦ ફોર્મ્યુલા લાગૂ કરવા માટે ભાજપ પર સંપૂર્ણપણે દબાણ બનાવા માંગે છે. આ જ કારણ છે કે એનસીપીની નજીક પહોંચી રહ્યું છે પરંતુ શિવસેના-એનસીપી ગઠબંધનની સરકાર બનાવી એટલી સરળ નથી. સરકાર બનાવા માટે શિવસેનાને અનેસીપીની સાથે જ કોંગ્રેસના સમર્થનની પણ જરૂર છે.

તો બીજીબાજુ શિવસેનાની આશાને મોટો ઝાટકો આપતા એનસીપી પ્રમુખ શરદ પવારે સ્પષ્ટતા કરી દીધી છે કે તેમની પાર્ટી વિપક્ષમાં બેસશે. તેમણે કહ્યું કે પ્રજાએ અમને વિપક્ષ તરીકે પસંદ કર્યા છે. આ દ્રષ્ટિથી અમે વિપક્ષમાં બેસીશું.

શિવસેનાના સમર્થન પર કોંગ્રેસનું શું વલણ?

આ સિવાય શિવસેનાને સમર્થન આપવા પર કોંગ્રેસમાં પણ બે ફાડિયા છે. કોંગ્રેસના કેટલાંક નેતા શિવસેનાને સમર્થન આપવાના પક્ષમાં છે, જયારે બાકી તેમનો વિરોધ કરી રહ્યા છે. હવે મામલો કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધી સુધી પહોંચી ગયો છે.

શુક્રવારના રોજ મહારાષ્ટ્ર કોંગ્રેસ નેતાઓએ આ મામલાને લઇ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી, પરંતુ હજુ સુધી કોંગ્રેસનું સ્પષ્ટ વલણ સામે આવ્યું નથી. આ બધાની વચ્ચે સોનિયા ગાંધીએ આજે પાર્ટીના નેતાઓની બેઠક બોલાવી છે. આ બેઠક બાદ જ શિવસેનાને સમર્થનના મુદ્દા પર કોંગ્રેસનું વલણ સ્પષ્ટ થઇ જશે.

શું છે સરકાર બનાવાનો જાદુઇ આંકડો

મહારાષ્ટ્ર ચૂંટણીના પરિણામો એનડીએના પક્ષમાં દેખાયા છે. ભાજપ-શિવસેના ગઠબંધનને જીત મળી છે, પંરતુ પરિણામ એવા ના આવ્યા જેવી આશા હતી. ભાજપે ૧૦૫ સીટો જીતી છે, તો તેની ગઠબંધન સહયોગી શિવસેનાને ૫૬ સીટો પર જીત મળી છે.

જો ભાજપ અને શિવસેના મળીને સરકાર બનાવે છે તો બહુમતી સંયુકત રીતે બંનેના પક્ષમાં છે. જો સાથે નથી આવતા તો કોઇ પાર્ટીની પાસે પોતાના દમ પર સરકાર બનાવા માટે બહુમતી નથી. મહારાષ્ટ્ર વિધાનસભામાં સભ્યોની સંખ્યા ૨૮૮ છે. એવામાં રાજયમાં સરકાર બનાવા માટે ૧૪૬ સીટોનો જાદુઇ આંકડો ટચ કરવો જરૂરી છે.

(11:46 am IST)