Gujarati News

Gujarati News

News of Friday, 2nd November 2018

બજારમાં રિકવરી : સેંસેક્સમાં ૫૮૦ પોઇન્ટનો મોટો ઉછાળો

નિફ્ટી ઓટો અને નિફ્ટી બેંક ઇન્ડેક્સમાં જોરદાર ઉછાળો રહ્યો : બેંકિંગ અને ઓટો મોબાઇલ શેરોમાં જામેલી લેવાલી : તહેવારના દિવસોમાં કારોબારીઓ ખુશ : સેંસેક્સ રિકવર થઇ ફરીવાર ૩૫૦૦૦થી ઉપર પહોંચ્યો

મુંબઇ,તા. ૨ : શેરબજારમાં આજે જોરદાર રિકવરી રહી હતી. કારોબારના અંતે બેંચમાર્ક ઇન્ડેક્સ ૧.૫ ટકાથી વધુ ઉછળીને નવી સપાટીએ રહ્યો હતો. ઓટો મોબાઇલના શેરમાં સૌથી વધુ ઉછાળો જોવા મળ્યો હતો. એશિનય શેરબજારમાં પણ તેજીનો માહોલ રહ્યો હતો. ચીન અને અમેરિકાએ ટ્રેડવોરને લઇને તકલીફ દૂર કરવાની વાત કર્યા બાદ નવી આશા જાગી છે. આજે બીએસઈ સેંસેક્સ ૫૮૦ પોઇન્ટ ઉછળીને ૩૫૦૧૨ની ઉંચી સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટી ૧૭૩ પોઇન્ટ ઉછળીને ૧૦૫૫૩ની સપાટીએ રહ્યો હતો. આ સપ્તાહમાં જ ઇન્ડેક્સમાં પાંચ ટકાથી વધુનો ઉછાળો રહ્યો હતો. મે ૨૦૧૬ બાદથી ઇન્ડેક્સમાં સૌથી મોટો સાપ્તાહિક ઉછાળો રહ્યો હતો. સેક્ટરલ ઇન્ડેક્સમાં નિફ્ટી ઓટો ઇન્ડેક્સમાં ૪.૨ ટકાનો ઉછાળો રહ્યો હતો. મારુતિ સુઝુકી, તાતા મોટર્સ અને હિરોમોટોના શેરમાં જોરદાર તેજી જામી હતી. નિફ્ટી બેંક ઇન્ડેક્સમાં ૧.૫ ટકાનો ઉછાળો નોંધાયો હતો. ઓઇલ એન્ડ ગેસ કંપનીના શેરમાં પણ તેજી નોંધાઈ હતી. બીપીસીએલના શેરમાં ૬.૪ ટકાનો ઉછાળો રહ્યો હતો જ્યારે આઈઓસીના શેરમાં પાંચ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. ઇન્ડસબેંક અને એક્સિસ બેંકના શેરમાં જોરદાર તેજી જામી હતી. એશિયન શેરબજારમાં ત્રણ સપ્તાહની ઉંચી સપાટી જોવા મળી હતી. ગયા શુક્રવારના દિવસે કારોબારના છેલ્લા દિવસે સેંસેક્સ ૩૪૧ પોઇન્ટ ઘટીને ૩૩૩૪૯ની નીચી સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટી ૯૫ પોઇન્ટ ઘટીને ૧૦૦૩૦ની સપાટીએ રહ્યો હતો. સાપ્તાહિક આધાર પર સેંસેક્સમાં ૯૬૬ પોઇન્ટનો ઘટાડો અથવા તો ૨.૮૨ ટકાનો ઘટાડો રહ્યો હતો. આવી જ રીતે નિફ્ટીમાં ૨૭૪ પોઇન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો.  અમેરિકા અને સાઉદી અરેબિયા વચ્ચે કટોકટીને લઇને પણ માર્કેટની ચિંતા વધી ગઈ છે. પત્રકાર જમાલના મોતને લઇને અમેરિકા અને સાઉદી અરેબિયા આમને સામને છે. વધારાના ક્રૂડ ઓઇલના ઉત્પાદનને લઇને સાઉદી અરેબિયાની હિલચાલ શું રહેશે તેને લઇને પણ વિશ્વની નજર કેન્દ્રિત થઇ છે. અમેરિકાએ આ સપ્તાહની શરૂઆતમાં જ ઇરાન ઉપર પ્રતિબંધ લાગૂ કરી દીધા હતા. સાપ્તાહિક આધાર પર આજે કેવી સ્થિતી રહે છે તેના પર તમામ કારોબારીની નજર છે.ગઇકાલે ગુરૂવારના દિવસે  કારોબારના અંતે સેંસેક્સ ૧૦ પોઇન્ટ ઘટીને ૩૪૪૩૨ની નીચી સપાટીએ રહ્યો હતો. જ્યારે બ્રોડર નિફ્ટી ૬ પોઇન્ટ ઘટીને ૧૦૩૮૦ની નીચી સપાટીએ રહ્યો હતો. આર્થિક મોરચે સરકારને રાહત થઇ છે. કારણ કે  જીએસટી વસુલાતનો આંકડો ઓક્ટોબર મહિનામાં એક ટ્રિલિયનના આંકડાને પાર કરી ગયો છે. ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ વસુલાત એક મહિના માટે એકત્રિત કરવામાં આવ્યા બાદ પ્રથમ વખત વસુલાતનો આંકડો એક ટ્રિલિયનના આંકડાને પાર કરી ગયો છે. જીએસટી વસુલાત અગાઉ પાંચ મહિનાઓ સુધી ટાર્ગેટને પહોંચી વળવામાં નિષ્ફળ રહ્યા બાદ હવે વસુલાતનો આંકડો એક ટ્રિલિયનના આંકડા સુધી પહોંચી ચુકી છે. ઓક્ટોબર ૨૦૧૮ માટે વસુલાતનો આંકડો એક લાખ કરોડ સુધી પહોંચી ગયો છે. જીએસટીની સફળતા નીચા રેટ, ઓછી કરચોરી, સારી સુવિધા અને એકમાત્ર ટેક્સ જેવી બાબત રહેલી છે. કરવેરા અધિકારીઓ દ્વારા દરમિયાનગીરી પણ નહીવત જેવી થઇ છે. નાણામંત્રીએ આજે ટ્વિટ કરીને કહ્યું હતું કે, જીએસટી વસુલાતનો આંકડો આશાસ્પદરીતે વધી રહ્યો છે.

(7:22 pm IST)