Gujarati News

Gujarati News

News of Friday, 2nd November 2018

ફ્લેક્સી ભાડા હેઠળ માર્ચથી ભાડામાં કાપનો લાભ મળશે

ફ્લેક્સી ભાડા યોજનામાં સુધારાનો લાભ મળશે : વર્ષભરમાં ૫૦ ટકાથી ઓછા બુકિંગવાળી પ્રિમિયમ ટ્રેનો ઉપર ફ્લેક્સી ભાડા યોજના આખરે દૂર કરવામાં આવી

નવી દિલ્હી, તા. ૨ : રેલવે દ્વારા ફ્લેક્સી ભાડા યોજનામાં સુધારાનો સૌથી પહેલા લાભ માર્ચ ૨૦૧૯માં પ્રિમિયમ ટ્રેનોમાં યાત્રા દરમિયાન યાત્રીઓને મળશે. રેલવે મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ આ અંગેની માહિતી આપતા કહ્યું છે કે, રેલવે દ્વારા બુધવારના દિવસે યાત્રીઓને રાહત આપીને વર્ષભરમાં ૫૦ ટકાથી ઓછા બુકિંગવાળી ૧૫ પ્રિમિયમ ટ્રેનોમાંથી ફ્લેક્સી ભાડા યોજનાને ખતમ કરી દીધી છે. ઓછી માંગવાળી સિઝનમાં જ્યારે ટિકિટ બુકિંગ ૫૦ ટકાથી ૭૦ ટકા સુધી ઘટી જાય છે. આવી ૩૨ ગાડીઓમાં હવે ફ્લેક્સી ભાડા યોજના હવે લાગૂ થશે નહીં. આ ઉપરાંત રેલવે દ્વારા ૧૦૧ ટ્રેનોમાં ફ્લેક્સી ભાડાના દરને આધાર મૂલ્યોના ૧.૫ ગણાના બદલે ૧.૪ ગણા કરી દેવામાં આવશે. રેલવે પોતાના પોર્ટલ અને અન્ય લોજિસ્ટિકને લઇને પોતાના પોર્ટલ પર સુધારા યોજના અને જરૂરી ફેરફારની સાથે તૈયાર કરી રહી છે. નવી પ્રણાલી ૧૨૦ દિવસે બુક કરવામાં આવનાર ટિકિટની સાથે શરૂ થશે. અધિકારીઓનું કહેવું છે કે, અમે દરેક ચીજોને વ્યવસ્થિત કરવા માટે ૧૫ દિવસ લાગશે અને આ ફેરફાર અગ્રિમ રિઝર્વેશન અવધિમાં લાગૂ કરવામાં આવશે. ઓછી સીટો ભરવાના કારણે જે ટ્રેનોમાંથી ફ્લેક્સી ભાડા યોજનાને દૂર કરી દેવામાં આવી છે તેમાં કાલકા-નવીદિલ્હી, શતાબ્દી, હાવડા-પુરી રાજધાની, ચેન્નાઈ-મદુરાઈ, ગુવાહાટી-ડિબ્રુગઢ, દિલ્હી-ભટિંડા શતાબ્દીનો સમાવેશ થાય છે. જે ટ્રેનોમાં ઓછી માંગ અવધિ દરમિયન ફ્લેક્સી ભાડા લાગૂ થશે નહીં તેમાં અમૃતસર શતાબ્દી, ઇન્દોર ડુરન્ટો, જયપુર ડુરન્ટો, મુંબઈ ડુરન્ટો, વિલાસપુર રાજધાની, આનંદવિહાર શતાબ્દી, રાંચી રાજધાનીનો સમાવેશ થાય છે. ભારતીય રેલવે દ્વારા ૧૬મી સપ્ટેમ્બર ૨૦૧૬ના દિવસે ટ્રેનો માટે ફ્લેક્સી ભાડા યોજના રજૂ કરવામાં આવી હતી જેમાં ૪૪ રાજધાની, બાવન ડુરન્ટો, ૪૬ શતાબ્દી ટ્રેનો હતી. આ યોજના ખુબ જ અસરકારક સાબિત થઇ હતી.

 

(7:21 pm IST)