Gujarati News

Gujarati News

News of Friday, 2nd November 2018

અયોધ્યામાં ૧૫૧ મીટર ઉંચી ભગવાન રામની પ્રતિમા બનશે

યોગી આદિત્યનાથ સરકાર દ્વારા તૈયારી હાથ ધરાઈ : પ્રતિમાની ઉંચાઈ પહેલા ૧૦૦ મીટર રાખવાની યોજના હતી : હવે ઉંચાઈ ૧૫૧ મીટર કરવાનો કરાયેલો નિર્ણય

નવીદિલ્હી, તા. ૨ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાલમાં જ સરદાર પટેલની ૧૮૩ મીટર ઉંચી સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રતિમાનું લોકાર્પણ કર્યું છે. હવે અયોધ્યામાં સૂચિત ભગવાન રામની પ્રતિમાની ઉંચાઇ પણ ૧૫૧ મીટર સુધી કરી દેવાનો નિર્ણય કરાયો છે. પહેલા ૧૦૦ મીટર ઉંચી પ્રતિમા બનાવવાનો પ્રસ્તાવ હતો પરંતુ હવે તેની ઉંચાઈ ૧૫૧ મીટર સુધી લઇ જવામાં આવશે. જાહેર અને ખાનગી ફંડના ઉપયોગથી આ પ્રતિમા સ્થાપિત કરવામાં આવનાર છે. યોગી સરકારે ૧૫૧ મીટર ઉંચી પ્રતિમા બનાવવાનો નિર્ણય કર્યો છે. આ પ્રતિમા વિશ્વમાં તમામ ઉંચી પ્રતિમાઓમાં સામેલ થશે. આ વર્ષે દિવાળી પહેલા ભગવાન રામની પ્રતિમા માટે શિલાન્યાસ વિધિ હાથ ધરવાનો નિર્ણય કર્યો હતો પરંતુ હવે આ દરખાસ્તને હાલ પુરતી મોકૂફ કરી દેવામાં આવી છે. કારણ કે, જુદી જુદી રુપરેખા અને ગ્રાઉન્ડ વર્કની કામગીરી હજુ બાકી રહેલી છે. ઓક્ટોબર ૨૦૧૭માં યોગી આદિત્યનાથ સરકારે સરયુ નદીના કિનારે ભગવાન રામની પ્રતિમા બનાવવાની જાહેરાત કરી હતી. રાજ્ય સરકારે ટાર્ગેટ અને પબ્લિક ફંડને લઇને આના નિર્માણની વાત કરી હતી. ટ્યુરિઝમ પ્રોજેક્ટ માટે આની હિલચાલ હતી. ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કરવામાં આવી ચુક્યું છે. જાહેર ક્ષેત્રની કંપનીઓ તરફથી સીએસઆર ફંડમાં ઉદાર ડોઝના પરિણામ સ્વરુપે આ પ્રતિમા તૈયાર કરવામાં આવી છે. હવે ઉત્તરપ્રદેશમાં પણ આ પ્રતિમા સ્થાપિત કરવામાં આવનાર છે. ઉત્તર પ્રદેશ સરકાર ૧૦ મોટા શહેરોમાં ૮૫ ટ્યુરિઝમ પ્રોજેક્ટો માટે ૨૭ અબજ રૂપિયાના સીએસઆર ફંડ ઉપર નજર ધરાવે છે. વારાણસી અને ગોરખપુર સહિતના વિસ્તારોમાં આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવનાર છે. અગાઉ નવી અયોધ્યા અને ભગવાન રામની પ્રતિમા સાથે સંબંધિત પ્રોજેક્ટો ઉપર ખર્ચનો આંકડો ૧૦ અબજ રૂપિયાનો રખાયો હતો. જો કે, પ્રતિમાનું કદ વધારી દેવામાં આવ્યા બાદ ખર્ચનો આંકડો પણ વધી જશે. આગામી સપ્તાહમાં અયોધ્યામાં યોજાનાર કાર્યક્રમમાં દક્ષિણ કોરિયાના પ્રથમ મહિલા ભાગ લેશે. દિપોત્સવ કાર્યક્રમમાં તેઓ મહેમાન બનશે. ભવ્ય કાર્યક્રમનું આયોજન મંદિર શહેરમાં કરવામાં આવ્યું છે. યોગી આદિત્યનાથ દ્વારા આની તૈયારી પણ કરી લેવામાં આવી છે. ગયા વર્ષે આદિત્યનાથ અને અન્ય પ્રધાનોએ દિવાળી પહેલા અયોધ્યામાં જુદા જુદા ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં મોટાપાયે હાજરી આપી હતી.

(7:25 pm IST)