Gujarati News

Gujarati News

News of Friday, 2nd November 2018

લખનીપુર-મેનપુરમાં દુકાનદારે રૂૂ.૧પ ન ચૂકવવા બદલ માતા-પિતાને મોતને ઘાટ ઉતારી દીધાઃ ઉત્તરપ્રદેશ સરકાર દ્વારા અનાથ બાળકો ૧૮ વર્ષના થાય ત્‍યારે ૪૦ લાખની સહાયની જાહેરાત

લખનીપુર (મેનપુરી): મેનપુરીના એક નાનકડા ગામમાં ત્રણ અનાથ દલિત છોકરાઓ તે 18 વર્ષના થાય તેની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. એક ઉચ્ચવર્ણના દુકાનદારે તેમના માતા-પિતાને ઉછીના 15 રુપિયા ચૂકવવા બદલ મોતને ઘાટ ઉતારી દીધા હતા. આવી હળાહળ ગરીબીમાં તેમનું ધ્યાન રાખનારુ હવે કોઈ નથી. ઉત્તર પ્રદેશની સરકારે હત્યા બાદ તેમને 40 લાખની સહાય કરવાની ઘોષણા કરી હતી પરંતુ શરત હતી કે રૂપિયા છોકરાઓ 18 વર્ષના થશે ત્યાર બાદ તેમને મળશે.

સગાસંબંધીઓ ગાયબ થઈ ગયાઃ

મૃતક ભરત નટ (45 વર્ષ) અને મમતા દેવી (42 વર્ષ)નો દીકરો રણજીત 14 વર્ષનો છે. તે જણાવે છે, “કાશ મારી ઉંમર ફટાફટ વધી જાય.” 2016માં ઘટના બની ત્યારે અનેક સગાસંબંધીઓએ તેમનું ધ્યાન રાખવાનો વાયદો કર્યો હતો પરંતુ જ્યારે તેમને ખબર પડી કે બાળકો 18 વર્ષના થશે પછી પૈસા મળશે તો તે બધા ગાયબ થઈ ગયા હતા. ત્રણેય ભાઈઓએ કહ્યું કે તે પોતાના સગાસંબંધીઓથી હતાશ છે પરંતુ તેમણે જીંદગીની કડવી વાસ્તવિકતાને સ્વીકારી લીધી છે. સૌથી મોટો દીકરો રાહુલ કુમાર 16 વર્ષનો છે. હજુ બે વર્ષ પછી તેને રૂપિયા મળશે. તેણે કહ્યું, “ રાહ થકવી નાંખે તેવી છે. મારે જલ્દી લગ્ન કરવા છે. હું મારી દુલ્હન માટે નવા કપડા અને ઘરેણા ખરીદીશ.”

આવુ જીવન જીવે છેઃ

રણજીતે જણાવ્યું કે તે તેના મા-બાપને ખૂબ મિસ કરે છે. તે રસ્તા પર સૂવે છે અને પાડોશીઓ જે ખાવા આપે તે ખાઈ લે છે. રાહુલ અને લાલુ કાકા રામાવતાર સાથે રહે છે. તેના કાકા સતત ફરિયાદ કર્યા કરે છે કે મોંઘવારીમાં બે વધારે લોકોને જમાડવા અઘરા છે. ભાઈઓએ માતા-પિતાનો એક જૂનો પટારો સાચવી રાખ્યો છે જેમાં તેમના કપડા અને તાંબાના કેટલાંક વાસણો છે. તે ઘણીવાર વસ્તુઓ જોઈને રડવા માંડે છે.

દિશા ભટકી ગયા

કાકા રામાવતાર જણાવે છે કે તે તેના શ્રેષ્ઠ પ્રયત્ન કરે છે પરંતુ છોકરાઓ તેમની દિશા ભટકી ગયા છે. બે મોટા ભાઈઓએ પીવાનું ચાલુ કરી દીધુ છે. સૌથી નાનો 10 વર્ષનો લાલુ પણ તેમના પગલે ચાલે તેવી કાકાને ચિંતા છે. રામાવતારને વાતનો પણ ગુસ્સો છે કે બાળકોનું આટલા વર્ષ ધ્યાન રાખ્યા બાદ તેના હાથમાં તો કશું પણ નથી આવવાનું. તે જણાવે છે, “મારો 17 જણનો પગાર છે. ભેંસમાંથી થતી પાંખી આવકમાં આટલા પરિવારનું કશઉ વળતુ નથી. ભાઈઓએ જો તેની ભેંસ ચોરાઈ જાય તો તેમના ફંડમાંથી 50,000 ઉપાડવાની પરવાનગી આપી છે પરંતુ તેનાથી વધારે કશુંય આપવાની તેમની તૈયારી નથી.”

રૂપિયા મળે પછી કરવા માંગે છેઃ

રણજીત કહે છે, “એક વાર મને રૂપિયા મળે પછી હું મારા માતા-પિતાની યાદમાં ભગવદ કથા યોજવા માંગુ છું. હું તેમનું ઘર રિનોવેટ કરાવીશ અને તેમની પ્રતિમા બનાવડાવીશ. કામ પતે એટલે હું હાઈવે પર જતો રહીશ, કોઈપણ ટ્રકમાં ચડી જઈશ અને ડ્રાઈવરને કહીશ કે મને સાથે લઈ જાય જેથી હું કંડક્ટર અથવા તો સફાઈકામદાર બની શકુ.”

સરકાર શું કહે છે?

સરકારે છોકરાઓને રૂપિયા આપવાની જાહેરાત કર્યા બાદ તેમને તેમના નસીબ પર છોડી દીધા છે. ઉત્તર પ્રદેશ ચાઈલ્ડ રાઈટ્સ કમિશનના ચેરમેન વિશેષ ગુપ્તાએ જણાવ્યું, “અમે બાળકો સાથે કંઈ ખોટુ થાય ત્યારે દખલગીરી કરીએ છીએ. આવા કેસમાં ફોલોઅપની વાત છે તો જવાબદારી ચાઈલ્ડ વેલફેર કમિટી અને જિલ્લાના વહીવટકર્તાઓની છે.” CWC મેનપુરીના મેમ્બર આરાધના ગુપ્તાએ જણાવ્યું કે તેમને ખ્યાલ હતો કે બાળકોને બોર્ડિંગ સ્કૂલમાં દાખલ કરી દેવાયા છે.

(5:36 pm IST)